)
BZ scam case : BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. રોકાણકારોના નાણાં પરત ચૂકવવાની શરતે ભુપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળ્યા છે. 8 મહિનાથી વધુના જેલવાસ બાદ હવે ભુપેન્દ્ર ઝાલા બહાર આવશે. સમયાંતરે રોકાણકારોનાં નાણાં ચૂકવવા ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી બાહેંધરી આપવામાં આવી છે.
પોન્ઝી સ્કીમનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા જેલની બહાર આવશે. BZ સ્કેમના આરોપી ભુપેન્દ્ર ઝાલાની હાઇકોર્ટે ભુપેન્દ્ર ઝાલાની જામીન અરજી મંજૂર કરી છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા જેલની બહાર આવશે, પરંતુ તેને હાઈકોર્ટની શરતોનું પાલન કરવુ પડશે. શરતોને આધારે હાઇકોર્ટે ઝાલાના જામીન મંજૂર કર્યાં છે. રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાહેંધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે. સમયાંતરે રોકાણકારોનાં નાણાં ચૂકવવા ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી બાહેંધરી અપાઈ છે
આટલા રૂપિયા જમા કરાવવા પડશે
પ્રથમ તબક્કે BZ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રૂપિયા 5 કરોડ જમા કરાવ્યા છે. છેલ્લી સુનાવણીમાં GPID કોર્ટમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારે હવે 8 મહિને ભુપેન્દ્ર ઝાલા જેલની બહાર આવશે. આરોપી ભૂપેન્દ્રસિંહે દર મહિને ચોક્કસ રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. રોકાણકારોને પૈસા પરત આપવા ભુપેન્દ્ર ઝાલા પહેલા મહિને 01 કરોડ, બીજા મહિને 02 કરોડ, ત્રીજા મહિને 03 કરોડ અને બાકીની રકમ 09 સરખા હપ્તામાં જમા કરાવશે. આમ રોકાણકારોની તમામ રકમ 01 વર્ષમાં GPID કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવશે.
રોકાણકારોના રૂપિયા પરત મળશે
ગુજરાત હાઇકોર્ટના આ આદેશ બાદ રોકાણકારોમાં થોડી આશા જોવા મળી રહી છે. અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી રોકી હતી, તે પણ હવે પાછા મળવાની આશા જાગી છે.
6 હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું
6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો. જેના બાદ ગત ડિસેમ્બરમાં તે પકડાયો હતો.
સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર ઝાલાનું ફુલેકુ વડોદરા સુધી ફેલાયેલું!
સાબરકાંઠાના ભેજાબાજ ભૂપેન્દ્ર પર્વતસિહ ઝાલાનું ફુલેકુ વડોદરા સુધી ફેલાયું હતું. 6 હજાર કરોડનું કૌભાંડ સામે આવતા BZ ફાયનાસિયલ ગ્રુપની જુદી જુદી ઓફિસો પર દરોડા પડ્યા હતા. BZ ફાઇનાન્સની વડોદરા ઓફિસે પર સર્ચ કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતેની ઓફિસ હિંમતનગરના શત્રુઘ્ન સિંહ સંભાળતા હોવાનો ખુલાસો પણ થયો હતો. વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હતું.
શિક્ષકો ઝાલાના એજન્ટ હતા, ક્રિકેટરોએ પણ કર્યું હતું રોકાણ
ઝાલાની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોક્યાનું ખૂલ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા હતા. સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા અને અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા. એવા અનેક શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે જેમણે લાખો રૂપિયાનું રોકાણ ભૂપેન્દ્ર ઝાલાની લોભામણી સ્કીમોમાં કર્યું હતું.
ભૂપેન્દ્ર ઝાલાના નામે 18થી વધુ કોલેજો
સૌથી મોટી વાત એ છે કે મહાકૌભાંડી ભૂપેન્દ્રના નામે 18થી વધુ કોલેજો ચાલી રહી છે અને કોલેજ સિવાય પણ ભૂપેન્દ્ર ઝાલા અનેક મિલકતોનો માલિક છે. લોકો સાથે કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. આ પહેલા ખુલાસો થયો હતો કે ઝાલા સોનાનું મોબાઈલ કવર રાખતો હતો.
વ્યાજની લાલચમાં લોકો છેતરાયા
તમારી સ્કીમ બધાથી અલગ અને શાનદાર હોય તો ગ્રાહકો સામેથી આવતા હોય છે. ભૂપેન્દ્ર ઝાલા એક વર્ષમાં 36 ટકા વ્યાજની લાલચ લોકોને આપતો હતો. આટલું વ્યાજ કોઈ બેંક કે SIPમાં પણ નથી મળતું...પરંતુ BZમાં ગ્રાહકોને આકર્ષવા માટે ગિફ્ટ પણ અપાતી હતી. જે લોકો ઈન્વેસ્ટ કરે તેને મોબાઈલ, ટીવી સહિતની વસ્તુઓ અપાતી હતી...તો એજન્ટોને પણ મોટું ઈન્સેટીવ અપાતું હતું...જો કોઈ BZમાં 5 લાખનું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ, 10 લાખનું રોકાણ કરે તો ગોવાની ટ્રીપ...આમ આવી લોભામણી સ્કીમો આપી લોકોને છેતરવાનો ધંધો ભૂપેન્દ્ર ઝાલા અને તેમની કંપની કરતી હતી...6 હજાર કરોડનું કૌભાંડ કરનારો ઝાલાનું જીવન વૈભવી હતું.