)
Gandhinagar News : ગુજરાતના ખેડૂતો પર કમોસમી માવઠાને કારણે મોટું સંકટ આવ્યું છે. હવે ચારેતરફથી એક જ સૂર ઉઠ્યો છે, સહાય કરો સરકાર. કમોસમી વરસાદની સ્થિતિ અને ખેડુતોની દયનીય પરિસ્થિતિ પર પ્રદેશ કિસાન સંઘના મહામંત્રી આર.કે.પટેલે શું કહ્યું તે જાણીએ.
પ્રદેશ કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર આફત આવી છે. સરકાર દ્વારા સર્વે માટેનો આદેશ અપાયો છે. સર્વેની કામગીરીમાં કોઈ બાકાત ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડશે. સરકાર ખેડૂતો ને સહાય નહિ પણ વળતર આપે. જલ્દી જ સરકાર સહાય રાશિ જાહેર કરે તેવી અમારી માંગણી છે.
ઓનલાઈન સર્વેમાં પડી રહેલ મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે, ખેડૂતોને ઓનલાઈન સર્વેમાં મુશ્કેલી પડી રહી છે. અમારી પાસે પણ અનેક ફરિયાદ આવી છે. અમે તંત્રને રજુઆત કરી છે કે સમસ્યાઓ નો ઉકેલ આવે. ખેડૂતો માટે SDRF કે NDRF ની સહાય નહિ ચાલે. પાક વાવેતર વખતે આ સહાય આપી શકાય. પણ હાલ તો પાક તૈયાર થઈ ગયો હતો, તેથી હવે મોટી સહાય આપવી પડશે. સરકારે સહાય નહિ પણ વળતર ચૂકવવું પડશે. સરકારે પાક પ્રમાણે યોગ્ય વળતરની જાહેરાત કરવી પડશે.
મગફળી ખરીદી રદ કરવા અંગે કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું કે, તંત્રની ગંભીર બેદરકારી છે. સરકાર પાકનો કેટલો જથો ખરીદશે તે હજુ સુધી જાહેર કર્યો નથી. ટેકાના ભાવે ખરીદીનો જથ્થો જ જાહેર નથી કર્યો. અમે અનેક વખત રજુઆત કરી છે કે ટેકાના ભાવે ખરીદીનો ખેડૂત દીઠ જથ્થો જાહેર કરવામાં આવે.
કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બાદ કોંગ્રેસ મેદાને
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે ખેડૂતોને નુકસાની મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જિલ્લામાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને અપીલ કરી. પ્રતાપ દૂધાતે કહ્યું કે, ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે. ખેડૂતોને નુકસાની અંગે રોડ પર ઉતરવા માટે પણ તેમણે અપીલ કરી. આગામી 3 તારીખથી કોંગ્રેસના ધરણાં કાર્યક્રમમાં ખેડૂતોને જોડાવવા આહવાન કર્યું.
અમરેલી જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર દ્વારા ડિજિટલ સર્વેની કામગીરી શરૂ થવાની છે ત્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે આ ડિજિટલ સર્વે નો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમુક ખેડૂતોને મોબાઇલ ચલાવતા આવડતું નથી તો એ ખેડૂત શું કરે. સરકાર અવનવા ગતકડા કાઢી રહી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે.
સરકાર ખેડૂતો મુદ્દે એક્શન મોડ પર
મુશ્કેલીના માવઠા વચ્ચે રાજ્ય સરકાર એક્શન મોડ પર આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. હર્ષ સંઘવી સુરતના ઓલપાડના સેલુત ગામ પહોંચ્યા હતા. તેમણે સેતુલ ગામના ખેડૂતો સાથે વાત કરીને માવઠાથી થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી.
બીલખાના ચેલૈયા ધામના રામ સ્વરૂપદાસજી મહારાજે કહ્યું કે, ખેડૂત વર્ગને સહકાર આપો, ઋષિ અને કૃષિ નારાજ હોય તો દેશનું ઉત્થાન અશક્ય છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂત ભાઈઓ પાયમાલ થયા છે. પાકને ભારે નુકસાની થઈ છે. ત્યારે રામ સ્વરૂપદાસજી બાપુનો સરકારને આગ્રહ કર્યો કે, ખેડૂતોને તરત સહાય મળી રહે. ખેડૂતોના બાળકોના શિક્ષણમાં અડચણ ન આવે, જરૂરી હોય તો નિશુલ્ક શિક્ષણ અપાય. ઋષિઓનો દેશ છે અને કૃષિનો દેશ છે. સાધુ–સંતો હંમેશા સમાજની સાથે ઊભા છે. આમ, બાપુએ પોતાનો ધાર્મિક દ્રષ્ટિકોણ બતાવ્યો. તેમણે જાતિ-પાતની પાર સહકારની અપીલ કરતા કહ્યું કે, દરેક ખેડૂતને સહયોગ આપવો જોઈએ.
ગીર ગઢડામાં ખેડૂતોનો પાક નુકશાન સર્વેનો બહિષ્કાર
તાજેતરમાં પડેલ કમોસમી માવઠાના કારણે ગીર ગઢડા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને ખરીફ તથા બાગાયત પાકમાં ભારે નુકસાની ઈથ છે. તેથી સરકાર દ્વારા શરૂ કરાયેલ નુકશાનીના પાક સર્વે પ્રક્રિયાનો ખેડૂતો અને સરપંચોએ બહિષ્કાર જાહેર કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે નિયમ અનુસાર સર્વે કરવામાં આવે તો માત્ર 10% જેટલું જ ખેડૂતને વળતર મળી શકે. જે બાકીના ખેડૂતો માટે અયોગ્ય છે ગીર ગઢડા તાલુકાના ખેડૂતો અને તમામ ગામોના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપીને કોઈપણ પ્રકારના સર્વે વગર તમામ ખેડૂતોને સમાન રીતે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે. ખેડૂતોનું સ્પષ્ટ નિવેદન છે કે, અમારા પાકને કુદરતના કહેરથી મોટું નુકશાન થયેલું છે. ખેડૂતોનાં મોઢેનો કોળિયો છીનવાયો છે. તેથી સર્વે નહીં સીધુ વળતર જોઈએ.