ગુજરાત મોડલનું નવું પિક્ચર! ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે કે, ‘અમારા વિસ્તારમાં સુવિધા નથી’
Gujarat Model : સુરતના કોટ વિસ્તારમાં સુવિધાના અભાવે લોકોની હિજરત.. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરિયાદ સાથે મેયરને લખ્યો પત્ર.... વેરો ભરવા છતા પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાની ફરિયાદ...
Trending Photos
Gujarati News : આખા દેશમાં ગુજરાત મોડલનું બ્રાન્ડિંગ કરાય છે. ગુજરાતના વિકાસના તર્જ પર અન્ય રાજ્યોમાં વિકાસના પાયા નાંખવામાં આવે છે. પરંતુ હવે દીવા તળે અંધારા જેવો ઘાટ ગુજરાતમાં સર્જાયો છે. ગુજરાત મોડલ ગુજરાતમાં ફેલ સાબિત થઈ રહ્યું છે. ખુદ શાસક પક્ષના નેતાઓ આવું કહી રહ્યાં છે. ગુજરાતને દૂબઈ અને સિંગાપોર બનાવવાની વાત તો અભરાઈએ પહોંચી ગઈ, પરંતું સામાન્ય સુવિધા મેળવવામાં પણ ફાંફા પડી રહ્યાં છે. ગુજરાતમાં બે એવી ઘટના સામે આવી રહ્યાઁ છે, જેમાં ખુદ ભાજપના જ નેતાઓ પોતાના વિસ્તારમાં સુવિધા માટે ટળવળી રહ્યાં છે.
ભાજપનો ગઢમાં સુવિધાના અભાવે પરિવારો ‘હિજરત” કરી રહ્યા છે
સુરત મહાનગરપાલિકામાં ૧૯૯૦થી ભાજપનું રાજ છે પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધા નો અભાવ હોવાથી ઘણા પરિવારો ઝોન છોડી રહ્યાં છે આ હિજરતના કારણે કોટ વિસ્તાર ખાલી થઈ રહ્યો છે એમ ખુદ ભાજપના ધારાસભ્યએ પત્ર લખી મેયરને જાણ કરી છે.
સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોટ વિસ્તારમાં ૯ મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા સીસી રોડ બનાવવા મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને માંગણી કરી છે. ૯ મીટરથી પહોળા રસ્તાને સીસી રોડ બનાવવા આગામી બજેટમાં જોગવાઈ કરવા માંગ કરી છે. સેન્ટ્રલ ઝોનની ગલીઓ રસ્તાઓ માં પરા-પર્વથી ડામરના રસ્તા હોવાથી દર બે-ત્રણ વર્ષે કારપેટ- રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, દર વરસાદમાં રસ્તાઓ તુટી જાય, ખાડા પડી જાય, વારંવાર રીપેર કરવા પડે અને રસ્તાની ઉંચાઈ વધવા માંડે છે. મકાનના આંગણા નીચા થતાં જાય છે. લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જાહેર નાણાંનો વ્યય થાય છે. સીસી રોડ તેનો ઉકેલ બની શકે છે. વર્ષ-૨૦૧૬થી ડ્રેનેજ- પાણીની લાઇન બદલવાનું કામ ચાલ્યા કરે છે તેથી લોકો હેરાન-પરેશાન છે.
પત્રમાં તેમણે લખ્યું છે કે, સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસ્તી અને વષોથી કોપીરેશનના વેરા ભરતા હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ થતી નથી. વિકાસ નો કોઈ મોટા કામો થતા નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાં શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચે થાય છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધા નો અભાવ, ખાડાવાળા રસ્તા ને લીધે ઘણા પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હીજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિ.માં ૧૯૯૦થી ભાજપનું શાસન છે અને કોટ વિસ્તાર ભાજપનો ગઢ છે. તેમ છતાં આટલા વષી બાદ પાયાની સુવિધાનો અભાવ છે અને લોકો હિજરત કરી રહ્યાં છે તે ધારાસભ્યની વ્યથા અને હીજરત તેમજ સાર્વજનિક સુવિધાઓ નથી શબ્દો ભાજપ માટે આત્મમંથન કરવા જેવા છે.
ડીસામાં ભાજપના નેતા ધરણા પર બેઠા
ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના જ મહિલા સભ્ય શુક્રવાર રાત્રે નગરપાલિકા આગળ જ ધરણાં પર બેઠા હતા. વોર્ડ નં 4 ના લોકોને પીવાનું પાણી ન મળતાં ભાજપના સભ્ય નિલાબેન પ્રજાપતિ આમ આદમી પાર્ટીના સભ્યને સાથે રાખીને ધરણાં પર ઉતર્યા હતા. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી જતાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન મળતાં તેમને આવું કરવું પડ્યું. અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો કોઈ હલ ન થતા મહીલા સભ્ય નિલાબેન પ્રજાપતિ નગરપાલિકા આગળ જ વિરોધમાં બેસી ગયા હતા. રાત્રે આમ આદમી પાર્ટીના સભ્યો સાથે ભાજપના મહિલા સભ્ય ધરણા પર બેસતા પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો તાત્કાલિક નગરપાલિકા દોડતા થયા હતા. ઈન્ચાર્જ નગરપાલિકા પ્રમુખે પાણીની સમસ્યાને લઈને બાંહેધરી આપતા ધરણા સમેટાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે