)
Hardik Patel News: વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં, વર્તમાનમાં વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આંદોલનના નેતા હાર્દિક ભરતભાઈ પટેલ સહિત અન્યો સામે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે (તહોમતનામું) ફરમાવ્યું છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે હાર્દિક પટેલ સામે કેસની ટ્રાયલની કાર્યવાહી ૨૧મી નવેમ્બરથી શરૂ થશે, જેમાં સાક્ષીઓની જુબાની નોંધવામાં આવશે.
કેસમાં કઈ કલમો લાગુ થઈ?
આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રચવા, રાયોટિંગ (તોફાન), સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ હાર્દિક પટેલ અમુક મુદત સુધી કોર્ટમાં હાજર ન રહેતા તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, પાછળથી આ વોરંટ ગુજરાત હાઈકોર્ટમાંથી રદ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, હાર્દિક પટેલ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેતા વિશેષ સરકારી વકીલ તારાબા ચુડાસમાની હાજરીમાં તહોમતનામું ઘડવામાં આવ્યું હતું.
શું હતો સમગ્ર કેસ?
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, તે દરમિયાન હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે નિકોલ વિસ્તારમાં પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું. હાર્દિક પટેલ અને અન્ય લોકોએ વગર પરવાનગીએ, પૂર્વ આયોજિત કાવતરું કરીને, રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે રેલીને રોકવામાં આવી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાયા હતા. તેઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી અને ધમકીઓ આપી હતી. સાથે જ, શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો.
આ મામલે વર્ષ 2018માં નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કાવતરું રચવા, ગેરકાયદે મંડળી બનાવવી અને પોલીસ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી હતી અને 3, સપ્ટેમ્બર, 2022થી આ કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. હવે ચાર્જફ્રેમ થયા બાદ, આ કેસમાં 21મી નવેમ્બરથી સાક્ષીઓની જુબાની નોંધવાની કાર્યવાહી શરૂ થતાં કેસની ટ્રાયલ આગળ વધશે.