ગાંધીનગરઃ અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી રહી છે. પોલીસ વડાના આદેશ બાદ ગુજરાતના દરેક જિલ્લાની પોલીસ ગુંડાગીરી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. હવે પોલીસ વિભાગે રાજ્યભરમાં 7612 ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ઈસમોની યાદી તૈયાર કરી છે.
પોલીસે તૈયાર કરી યાદી
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ- ૭૬૧૨ ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે. જેમાં ૩૨૬૪ બુટલેગરો, ૫૧૬ જુગાર, ૨૧૪૯ શરીર સબંધી, ૯૫૮ મિલકત સબંધી, ૧૭૯ માઇનિ અને ૫૪૫ અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે.
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૫, ગાંધીનગરમાં ૬, વડોદરા શહેરમાં ૨, સુરતમા ૭, મોરબીમાં ૧૨ એમ, કુલ પ૯ લોકો સામે પાસા કરેલ છે, ૧૦ ઇસમો વિરુધ્ધ હદપારી કરેલ છે, ૭૨૪ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લીધા છે અને ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરેલ છે અને ૮૧ વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરેલ છે.
તેમજ આગામી સમયમાં આશરે ૧૦૦ પાસા, ૧૨૦ હદપારી, ૨૬૫ અટકાયતી પગલાં, ૨૦૦ જેટલા ડીમોલેશન અને ૨૨૫ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરેવામાં આવશે.
આ સમયગાળા દરમ્યાન કોમ્બીંગ, નાઈટ પેટ્રોલીંગ, રેઇડ, વાહન ચેકીંગ, ફુટ પેટ્રોલીંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.