)
Gujarat On High Alert : દિલ્હીમાં બોમ્બ ધડાકા બાદ ગુજરાતનાં તમામ શહેરોમાં એલર્ટ, સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતનાં ધાર્મિક સ્થળોએ પણ ચાંપતો બંદોબસ્તો ગોઠવાયો, ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું. ઉચ્છલ અને સોનગઢ RTO ચેકપોસ્ટ પાસે પોલીસે કરી તપાસ....
Delhi Blast News : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કવોર્ડ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે. બનાસકાંઠામાં અન્ય રાજ્યને જોડતી અમીરગઢ સહિતની બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે
દિલ્હી બ્લાસ્ટને જોતા ગુજરાતમાં પણ એલર્ટ
ગુજરાતના અલગ અલગ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, તાપી, પાટણ, જામનગર સહિત મોટાભાગના શહેરોમાં સઘન તપાસ ચાલુ કરાયું છે. જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જામનગરમાં ST ડેપો અને મુખ્ય માર્ગો પર પોલીસે ચેકિંગ કર્યું. જેમાં SOG, બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડની ટીમો તપાસમાં જોડાઈ છે. રાજકોટના ધોરાજીમાં ઠેર-ઠેર પોલીસની ટીમોએ તપાસ કરી. ડુમિયાણી ટોલ પ્લાઝા, હાઈવે તેમજ અન્ય સ્થળે ચેકિંગ હાથ ધરાયું. તો પાટણના વિવિધ તાલુકાઓમાં પોલીસની ટીમોએ ચેકિંગ કર્યું છે. મહારાષ્ટ્ર સાથે જોડાયેલી તાપીમાં આવેલી સરહદ પર તપાસ આરંભાઈ છે. ઉચ્છલ અને સોનગઢ RTO ચેકપોસ્ટ પાસે વાહનોમાં તપાસ ચાલી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના મોટા યાત્રાધામોની સુરક્ષામાં વધારો કરાયો છે. જેમાં જગત મંદિર દ્વારકા, અંબાજી મંદિર તથા શામળાજી મંદિરમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં પણ સઘન ચેકિંગ
ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાન તરફના રસ્તા સુરક્ષા વધારો કરાયો છે. એલર્ટના પગલે સર્કિટ હાઉસથી મંત્રી નિવાસ સ્થાન સુધી બેરિકેટિંગ કરાયું છે. ગાંધીનગરથી પસાર થતા વાહનોને રોકીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.
જગત મંદિરની સિક્યુરિટી વધારાઈ
દિલ્હી કાર બ્લાસ્ટ બાદ દ્વારકા જગત મંદિર હાઈ સિકયુરિટી વધારાઈ છે. દ્વારકા જગત મંદિર આવતા જતા દરેક લોકોનું ચુસ્ત ચેકીંગ હાથ ધરાયું છે. LCB અને SOG ની ટીમ દ્વારા હોટલ અને ધર્મશાળામાં ચેકીંગ કરાઈ રહ્યું છે. તો મરીન પોલીસ અને SOG ની ટીમ દ્વારા બંદર અને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સંવેદનશીલ દ્વારકા જિલ્લામાં આવતા લોકો અને તમામ પ્રવૃતિઓ ઉપર દ્વારકા પોલીસની બાજ નજર મંડરાઈ છે.
અંબાજી મંદિરમાં સુરક્ષા હાઈ એલર્ટ પર
ગત રાત્રિથી સુરક્ષા કર્મીઓનો અંબાજી મંદિર પરિસરમાં જમાવડો જોવા મળ્યો છે. ગત મોડી રાતથી પોલીસે મંદિર પરિસર અને રાજ્યની બોર્ડર ઉપર તપાસ હાથ ધરી હતી. આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ તપાસનો દોર યથાવત છે. યાત્રિકો પણ પોલીસની તપાસની કામગીરીને લઇ સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. યાત્રિકો પણ પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી પોતે સુરક્ષિત હોવાનું અનુભવી રહ્યાં છે. પોલીસની સુરક્ષાને લઈ તપાસ કામગીરી અંબાજી મંદિરની સાથે અંબાજી નગર સુરક્ષિત હોવાનું જણાવ્યું.
અંબાજી હાઈ એલર્ટને લઇ વિભાગીય પોલીસ અધિક્ષક. ડૉ. જીગ્નેશ ગામીતે જણાવ્યું કે, આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ તપાસનો દોર યથાવત છે. સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ કલોક તપાસ કામગીરી કરી રહી છે.
શામળાજી મંદિરમાં પણ સુરક્ષા વધારાઈ
યાત્રાધામ શામળાજી ખાતે સુરક્ષા સતર્ક કરાઈ છે. હથિયારધારી એસઆરપી તેમજ શામળાજી પોલીસ તૈનાત છે. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો માટે સુરક્ષા સઘન કરાઈ.