)
Gujarat Weather Forecast: જગતના તાત પર વધુ એક નહીં બે બે ઘાત આવી રહી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી સાથે સાથે વાવાઝોડાના એંધાણ પણ આપ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસએ ખેડૂતોને સાવચેત થઈ જવા જણાવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જે વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. સાથે 40 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફુંકાશે.
આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતોનો માથે વાવાઝોડાનો ખતરો તો ઉભો થયો જ છે. સાથે જ સંકટના વાદળો પણ ઘેરાયા છે. હવામાન વિભાગે વાવાઝોડાની સાથે સાથે યલો એલર્ટ જાહેર કરીને કમોસમી વરસાદની પણ આશંકા વ્યક્ત કરી છે. વીજળીના કડાકા સાથે વરસાદ થશે, તેની વાત કરીએ તો, વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે પવન સાથે ખેડૂતો પર માવઠાનો માર પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
એવું નથી કે માત્ર હવામાન વિભાગે જ માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ ભરશિયાળે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની ભવિષ્યવાણી કરી દીધી છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
કુદરત જ્યારે કોપાયમાન થાય છે, ત્યારે જગતનો તાત લાચાર બની જાય છે. અત્યારે સ્થિતિ એ છે કે એક તરફ કાતિલ ઠંડી છે અને બીજી તરફ આકાશી આફત ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવવા તૈયાર થઈ છે. હવામાન વિભાગના ડેટા હોય કે અંબાલાલ કાકાનું અનુમાન, બન્નેનો ઈશારો અત્યારે એક જ તરફ છે અને તે છે - ખેડૂતો માટે મુશ્કેલીના એંધાણ! ત્યારે જો આ ભવિષ્યવાણી સાચી ઠરી તો ખેડૂતોને ફરી માથે હાથ દઈને રોવાનો વારો આવશે એ નક્કી છે.