)
Gujarat Rains : સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે. તમામ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી નદી-નાળા છલકાયા છે. તેમજ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તમામ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી લોકો પારવાર મુશ્કેલી વેઠવી રહ્યા છે. આ વખતે સિઝનમાં 102 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
ઉત્તર ગુજરાત પર વરસાદી આફત આવી
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં સતત વરસાદી માહોલના કારણે ડેમો છલકાયા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ડેમ છલકાયા છે. વાત કરીએ તો અરવલ્લીનો મેશ્વો અને વાત્રક ડેમ છલકાયો છે. ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં નીચાણવાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. મહેસાણાનો ધરોઈ ડેમ પણ પાણીની આવક થતાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે સાબરમતી નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે. મહીસાગરના કડાણામાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તો વલસાડમાં મધુબન ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે. આ ઉપરાંત મોરબીનો મચ્છુ 1 ડેમ છલકાયો છે. તો કરજણ ડેમમાં પાણીની આવક થતાં દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે..
સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. ત્યારે રાજકોટનો જીવાદોરી સમાન આજી 1 ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટના ઉપલેટાનો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણી છોડાતા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટ ભાદરનો 1 અને 2 ડેમ ઓવરફ્લો થયો છે. આ તરફ વેણુ ડેમ પણ ઓવરફ્લો થયો છે.
બનાસકાંઠાના સૂઈગામમાં આભ ફાટ્યું
બનાસકાંઠા સુઈગામમાં 17 ઇંચ થી વધુ વરસાદથી આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાભર -સુઈગામ હાઇવે પાણી પાણી થયો છે. ભાભર -સુઇગામ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. ભાભરથી સુઈગામનો સંપર્ક તૂટ્યો છે. ભારે પાણી વચ્ચે જીવન જોખમે એક વાહન ચાલકે પાણીમાં વાહન નાખતા તે ફસાયું હતું. મુખ્ય હાઇવે ઉપર ભારે પાણી ભરાતા સ્થતિ ખૂબ જ વિકટ જોવા મળી છે. સુઇગામ વિસ્તારમાં ખેતરો ફેરવાયા બેટમાં તો અનેક ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ ધોવાયા છે. સુઇગામ પંથકમાં નેટવર્ક ખોરવાતા લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ, શાળા-કોલેજ બંધ
ધોધમાર વરસાદને લઈ આજે બનાસકાંઠામાં આંગણવાડી, સ્કૂલ, કોલેજોને બંધ રાખવા તંત્રની સૂચના અપાઈ છે. જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈને લોકોને સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ. સુઈગામમાં છેલ્લા 24 કલાકમાં સાડા 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુઈગામમાં ભારે વરસાદને લઈ નડાબેટનું રણ દરિયો બન્યું છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ભારે વરસાદને લઈ સુઈગામ પંથકના ખેતરો જળબંબાકાર તો અનેક ગામોના રસ્તા ધોવાયા છે. ભારે વરસાદને લઈ લોકોને નદી-નાળા પાસે ન જવા તંત્રની સૂચના અપાઈ છે. તો જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની જળ સપાટીને જોતા એલર્ટ અપાયું છે. જિલ્લામાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
થરાદ, વાવ, સૂઈગામમાં લોકો મુશ્કેલીમાં
થરાદમાં ભારે વરસાદને લઈ વરસાદી પાણી ભરાયા છે. મલુપુર નજીક સોસાયટીમાં જવાનાં માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવવાની સ્થિતિને સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. થરાદ, વાવ અને સૂઈગામ પંથકમાં ધોધમાર વરસાદને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
ખેડામાં પણ હાલત વણસી
સાબરમતી નદીમાં છોડેલા પાણીના કારણે ખેડા ધોળકા હાઈવે બંધ થયો છે. ગઈકાલે સાંજે વહીવટી તંત્ર દ્વારા આ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી ખેડા ધોળકા હાઈવે પર રસિકપુરા પાસેથી સાબરમતીના પાણી પસાર થઈ રહ્યા છે. ખેડા જિલ્લા પોલીસ હાલ ખેડા ધોળકા હાઇવે પર કોઈ પણ વાહન ન જાય આગળ તેના માટેપેટ્રોલિંગ કરી રહી છે.
સાબરમતી નદીમા પાણી છોડતા કેટલાક ગામ પ્રભાવિત
સાબરમતી નદી પાસે આવેલ દસ્કોઈ બાવળા ધોળકા ખેડાના કેટલાક ગામને અસર થઈ છે. ઓડ કમોડથી ચાવડા જતા રોડ પર વરસાદ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદ સાથે સાબરમતી નદીના પણ પાણી રસ્તા ઉપર ભરાયા છે. પાણી ભરાવાના કારણે વાહનો ફસાઈ નહીં અને લોકોને હાલાકી ન પડે માટે અલગ અલગ જગ્યા પર માટીના પાડા કરાયા છે. આ સાથે જ મુખ્ય જગ્યા ઉપર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. હાલ રસ્તા ઉપરનું પાણી કેટલીક જગ્યા ઉપર ઓસર્યું, પણ હજુ પણ પાણી ભરાતા ભારે વાહનોને જ અવર-જવર માટે મંજૂરી અપાઈ છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોરવીલર જેવા નાના વાહનોને કેટલાક સ્થળો ઉપર અવર-જવર માટે મનાઈ ફરમાવાઈ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાએ પાકિસ્તાન તરફ દિશા બદલી, અને ગુજરાત પર આવ્યું સંકટ
સાબરમતીના પાણી ગામડામાં ફરી વળ્યા
સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા કેટલાક ગામો પ્રભાવિત થયા છે. દસક્રોઈનું મહિજડા ગામ પાસે રેપવે બ્રિજ નીચે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. રસ્તા સાથે ખેતરોમાં પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા નાના વાહનો અવર જવર માટે બંધ કરાયા. મોટા વાહનોને જ જવાની છૂટછાટ અપાઈ રહી છે. ગામમાં પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા ગામ પ્રભાવિત થયું છે. સરોડાથી મહિજડા થઈ બારેજા જતા લોકો માટે ભારે હાલાકી સર્જાઈ છે.

કચ્છમાં ધોધમાર વરસાદ
ભારે વરસાદના લીધે કચ્છમાં ૬ જેટલા રસ્તાઓ પ્રભાવિત થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેરજનતાને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે. રાપર તાલુકાનો ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકાનો વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાનો સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ ભુજ તાલુકાનો તુગા જુણા રોડ બંધ કરવામા આવ્યો છે.
કચ્છમાં જોશભેર ત્રાટકેલા વરસાદે પાણી પાણી કરી દીધું છે. સામખિયાળી સૂરજબારી હાઈવે વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે. પોલીસ દ્વારા હાઈવે પર સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સુવઇ પાસે 12 મહિના પહેલા બનેલો પુલ તૂટી પડ્યો.
મોરબીમાં બ્રહ્માણી ડેમને કારણે 15 ગામોમાં એલર્ટ
હળવદ તાલુકામા મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલનું ધોવાણ થયુ છે. આ કારણે મયુરનગરથી રાયસંગપુર થઈ હળવદ જવાનો સંપર્ક તુટી ગયો છે. બ્રાહ્મણી ડેમ 2નો 1 દરવાજો દોઢ ફૂટ ખોલતા બ્રાહ્મણી નદી પર આવેલો પુલ ધોવાયો છે. બ્રાહ્મણી ડેમ 1 અને 2 છલોછલ ભરાઈ જતા પાણીની સંકટ દૂર થયું છે. પરંતું પાણી આવતા બ્રાહ્મણી ડેમ હેઠવાસના 15 ગામોને એલર્ટ કરાયા છે. ગોલાસણ, સુંદર ગઢ, પાડાતિરથ, સુસવાવ કેદારીયા, મયુરનગર, ટીકર અજિતગઢ, માનગઢ સહિત 15 ગામો એલર્ટ પર મૂકાયા છે. આ કારણે આ પંથકમાં કપાસ મગફળી સહિતના ચોમાસું પાકોને મોટાં પ્રમાણમાં નુકશાનની ભીતિ છે.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઔરંગા નદી બેકાંઠે વહેતી થઈ છે. ઔરંગા નદી ભયજનક સપાટીએ વહેતી થઈ છે. નદી ભયજનક સપાટીએ પહોંચતાં રસ્તા બંધ કરાયા છે. વલસાડ શહેર અને 40 ગામને જોડતો રસ્તો બંધ કરાયો છે. નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે.