)
68th Grammy Awards : નવરાત્રિને હવે બસ ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે તે પહેલા ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીના ગીતને ઝળહળતી સફળતા મળી છે. સિંગર આદિત્ય ગઢવીએ ગાયેલા ગુજરાતી ગરબા ગીત 'અલબેલી મતવાલી મૈયા'ને 68 માં ગ્રેમી એવોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
ગુજરાતી ગરબા ગીત 'અલબેલી મતવાલી મૈયા'ને 68 માં ગ્રેમી એવોર્ડ્સમાં ગ્લોબલ મ્યૂઝિક પરર્ફોમન્સ કેટેગરી માટે કન્સીડરેશન મળ્યું છે. આ સફળતાથી આદિત્ય ગઢવીનું ગીત ગ્લોબલી ફેમસ થશે. કારણ કે, આ કેટેગરીનો હેતુ જ પૂર્વીય દેશો સિવાયના દેશોના સંગીતને ગ્લોબલી નવી ઓળખ આપવાનો છે.
હાલ આ ગીતને માત્ર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. કન્ડીરેશન બાદ નોમિનેશન અને તેના બાદ વિજેતા ગીતની પસંદગી કરવામાં આવશે. ખુદ આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી છે.
આદિત્ય ગઢવીની પોસ્ટ
આદિત્ય ગઢવીએ આ અંગે ખુશી વ્યક્ત કરતી પોસ્ટ મૂકી. જેમાં લખ્યું કે, અમારું ગીત અલબેલી મતવાલી મૈયા 68 માં ગ્રેમી એવોર્ડ્સ માટે ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે. નવરાત્રીના શુભ સમયમાં આ સૌથી સારા સમાચાર છે જે અમને મળી શક્યા હોત. હું આ ગીત અને મ્યુઝિક વિડીયો બનાવવા માટે સંકળાયેલા દરેક સભ્ય અને મારી ટીમનો આભાર માનું છું. શ્રેષ્ઠની આશા રાખું છું. ગુજરાત અને ભારતના લોક અને સંસ્કૃતિના મૂળનું પ્રતિનિધિત્વ કરતા કલાકાર તરીકે આ ખરેખર મોટી વાત છે.
આ ગીતને મળેલી સિદ્ધિ ગુજરાત માટે મોટી સફળતા કહી શકાય. ગુજરાતી ગરબાનું સંગીત વિશ્વભરમાં પ્રચલિત થશે.