)
Copyright Claim Singer Kinjal Dave: 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતથી ગુજરાતભરમાં લોકપ્રિય બનેલી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોપીરાઈટ વિવાદના કારણે કિંજલ દવે હવે આગામી સમયમાં જાહેર કાર્યક્રમો અને સ્ટેજ પર આ લોકપ્રિય ગીત ગાઈ શકશે નહીં.
હાઈકોર્ટે લંબાવ્યો સ્ટે
આ કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બરમાં થવાની છે, અને તે પહેલાં હાઈકોર્ટે ગીત ગાવા પરનો સ્ટે લંબાવ્યો છે. આ નિર્ણયથી કિંજલ દવે માટે આગામી નવરાત્રિમાં 'ચાર-ચાર બંગડીવાળું' ગીત ગાવાની શક્યતા નહિવત્ થઈ ગઈ છે.
આ કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બર મહિનામાં થવાની શક્યતા
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોપીરાઈટનો માલિકી હક ધરાવતી કંપની રેડ રિબને નીચલી કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી. શરૂઆતમાં હાઈકોર્ટે કિંજલ દવેને જાહેર મંચ પર આ ગીત ગાવા પર સ્ટે યથાવત્ રાખ્યો હતો. જોકે, છેલ્લી સુનાવણીમાં આ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો, જેનાથી કિંજલ દવેને થોડી રાહત મળી હતી. પરંતુ, રેડ રિબને આ ચુકાદા સામે આગળ અપીલમાં જવાની તૈયારી દર્શાવતા તેમણે હાઈકોર્ટ સમક્ષ આ સ્ટેને 8 અઠવાડિયા સુધી લંબાવવાની માગ કરી. આ માગને માન્ય રાખીને હાઈકોર્ટે ગીત ગાવા પરનો સ્ટે લંબાવી દીધો છે. આ નિર્ણયને કારણે કિંજલ દવે જ્યાં સુધી કોર્ટમાંથી કાયમી રાહત ન મળે, ત્યાં સુધી આ ગીત જાહેર કાર્યક્રમોમાં કે સ્ટેજ પર ગાઈ શકશે નહીં. આ કેસની અંતિમ સુનાવણી ડિસેમ્બર મહિનામાં થવાની શક્યતા છે, જે પછી જ આ વિવાદનો કાયમી ઉકેલ આવી શકે છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2016માં જ્યારે કિંજલ દવેનું 'ચાર ચાર બંગડી' ગીત રજૂ થયું, ત્યારે તે ખૂબ જ લોકપ્રિય બન્યું અને ગુજરાતના દરેક ખૂણે પહોંચ્યું. 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતની સફળતા બાદ ગીતના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ કિંજલ દવે પર કેસ દાખલ કર્યો હતો. કંપનીએ ગાયિકા કિંજલ દવે પર અમદાવાદની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે, આ ગીતના કોપી રાઈટ હક કંપની પાસે છે. આ ગીતના કોપી રાઈટ ઑસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા છે.
કોર્ટે પ્રારંભિક તબક્કે કંપનીની તરફેણમાં નિર્ણય આપતા કિંજલ દવેને આ ગીત ગાવા, યુટ્યુબ પર અપલોડ કરવા કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 30 જાન્યુઆરી, 2024ના રોજ આ ગીત પર કાનૂની પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે કિંજલ દવેને તેમના શો અને કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું બંધ કરવું પડ્યું હતું.