ગુજરાતીઓ પાણી વગર તરસ્યે મરી જશે? રાજસ્થાન સરકારનો એક નિર્ણય અને રાજ્ય બની જશે રણ

રાજસ્થાનનાં જળસંસાધન વિભાગનાં કેબીનેટ મંત્રી મહેન્દ્રજીતસીંહ માલવીયાએ આગામી દિવસોમાં મહી નદીમાંથી ગુજરાતને પાણી આપવામાં આવશે નહી તેવું નિવેદન કરતા આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે મહી નદીનાં પાણીનાં મુદ્દે સંગ્રામ ખેલાવાની શકયતાઓ રહેલી છે. જેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાનાં છેવાડાનાં સિંચાઈ આધારીત વિસ્તારો પર પડી શકે છે.

Trending Photos

ગુજરાતીઓ પાણી વગર તરસ્યે મરી જશે? રાજસ્થાન સરકારનો એક નિર્ણય અને રાજ્ય બની જશે રણ

બુરહાન પઠાણ/આણંદ : રાજસ્થાનનાં જળસંસાધન વિભાગનાં કેબીનેટ મંત્રી મહેન્દ્રજીતસીંહ માલવીયાએ આગામી દિવસોમાં મહી નદીમાંથી ગુજરાતને પાણી આપવામાં આવશે નહી તેવું નિવેદન કરતા આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે મહી નદીનાં પાણીનાં મુદ્દે સંગ્રામ ખેલાવાની શકયતાઓ રહેલી છે. જેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાનાં છેવાડાનાં સિંચાઈ આધારીત વિસ્તારો પર પડી શકે છે.

રાજસ્થાનના નવનિયુક્ત જળસંસાધન મંત્રી મહેન્દ્રજિતસિંહ માલવિયાએ પદભાર સંભાળ્યા પછીની સૌ પ્રથમ બેઠકમાં જ ગુજરાતને માહી બજાજ સાગર ડેમમાંથી પાણી આપવાનું બંધ કરી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. સૌથી અગત્યની બાબત છે કે, રાજસ્થાનમાં વાંસવાડા પાસે આવેલા આ ડેમમાંથી ગુજરાતના કડાણા અને ત્યાંથી વણાકબોરી થઇ ચરોતર પંથકની કેનાલોમાં સિંચાઇનું પાણી છોડવામાં આવે છે. જો આ પાણી બંધ થાય તો સૌથી પ્રતિકૂળ અસર ચરોતર પર પડે અને ખેડા - આણંદ જિલ્લામાં કેનાલ આધારિત લગભગ 4 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થઇ શકે.

કેબીનેટ મંત્રી મહેન્દ્રજિતસિંહે જયપુર ખાતે અધિકારીઓની રિવ્યૂ મીટીંગ બોલાવી હતી. જેમાં તેમણે 1966 માં માહી સાગર બંધ બન્યો ત્યારે થયેલા કરારનો હવાલો આપતા જણાવ્યું હતું કે જે તે વખતે એવું નક્કી થયું હતું કે, ગુજરાતના ખેડા  ક્ષેત્રમાં નર્મદાનું પાણી પહોંચે ત્યાં સુધી જ માહી ડેમમાંથી 40 હજાર મિલિયન લીટર પાણી ગુજરાતને આપવામાં આવશે. એ વખતે એવું પણ નક્કી થયું હોવાનું મંત્રીએ કહ્યું હતું કે, ખેડાને નર્મદાનું પાણી મળતું થાય તે સાથે જ માહી ડેમનું પાણી ગુજરાતને આપવાનું બંધ કરી દેવાશે. આ બાબતે ગુજરાત સરકાર સાથે અનેકવાર સંવાદ કર્યા પછી પણ ગુજરાત સરકાર ચૂપ બેઠી છે એટલે માહીનું મળતું પાણી બંધ કરી દેવાશે.

ખેડા જિલ્લામાંથી નર્મદાની નહેર પસાર  થાય છે પરંતુ સ્થાનિક ખેડુતોને તેનાથી સિંચાઇનું પાણી મળતું નથી. બીજીબાજુ માહીનું પાણી બંધ થઇ જાય તો ખેડા જિલ્લામાં કેનાલ આધારિત 1.20 લાખ હેક્ટર અને આણંદ જિલ્લાની 1.15 હેક્ટર જમીનને કેનાલનું પાણી મળતું બંધ થઇ જાય. આમ જો બંને રાજ્યની સરકાર કોઇ સમાધાનકારી વલણ નહીં અપનાવે તો ચરોતર માટે માઠા દિવસો આવી શકે છે. 1966માં જ્યારે આ ડેમ બન્યો ત્યારે એવું નક્કી થયું હતું કે ડેમ નિર્માણમાં રૂ. 90 કરોડનો ખર્ચ થયો હતો. જેમાંથી 55 ટકા રકમ ગુજરાતે ચૂકવી હતી. જો રાજસ્થાન સરકાર 55 ટકા રકમ ગુજરાતને પરત ચૂકવે તો જ બંધનું પાણી રોકી શકે.

જો કે રાજસ્થાનનાં મંત્રી દ્વારા કરાયેલા આ નિવેદનને આણંદ જિલ્લા ભાજપનાં અધ્યક્ષ વિપુલ પટલેએ ફગાવી દીધું હતું અને કહ્યું હતું કે તે વાત તદ્દન ખોટી છે. મધ્યપ્રદેશમાંથી નિકળનારી આ મહી નદી રાજસ્થાનમાં પસાર થઈ ગુજરાતમાં પ્રવેશે છે. 1966માં રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે જે કરાર થયો હતો તે કરાર સેન્ટ્રલ વોટર કમિશનએ કરેલો છે,તે કોઈ વ્યકિતનાં હાથમાં નથી પાણી રોકવાનું, આ નિવેદન સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે કરાયેલું છે. જેથી પાણી નહી આપવાનો  નિર્ણય લઈ શકાશે નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news