)
BLO Death In Gujarat : ચૂંટણી પંચના SIRના નામે શિક્ષકો પર થતું અમાનવીય દબાણ, જેના કારણે એક શિક્ષકનો જીવ ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામે BLO અરવિંદ વાઢેરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. સ્યૂસાઈડ નોટમાં લખ્યું, SIRના કામના ભારણથી હું મરી રહ્યો છું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતના શિક્ષકોમાં આગ લગાવી દીધી છે.
ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણના પ્રક્રિયા વચ્ચે એક એવા સમાચાર આવ્યા જેનાથી સૌ કોઈ હચમચી ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરે આત્મહત્યા કરી લીધી છે. દેવળી ગામે આ શિક્ષકે આત્મહત્યા કરી. સ્યુસાઈડ નોટમાં તેમણે SIRની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરિવારે ન્યાયની માંગ કરી છે. તો તાપીના વાલોડમાં BLO અને શિક્ષિકા કલ્પનાબેનનું મૃત્યુ થતા પરિવાર શોકમાં છે. દાહોદના સાદેડામાં BLOની તબિયત બગડતાં તેમને સારવાર માટે ખસેડાયા છે. આ રીતે BLOના મૃત્યુ અને તબિયત ખરાબ થવાના સમાચાર આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે ચૂંટણી પંચે આ મામલે પુછવામાં આવતા તેમણે હાથ અદ્ધર કરી દીધા.

ગીર સોમનાથમાં બનેલી ઘટના બાદ રાજ્યભરના BLOમાં રોષ અને ડર જોવા મળી રહ્યો છે. જામનગરમાં BLOએ રજૂઆત કરી છે કે, આ કામગીરીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તો નવસારીના વાંસદામાં પણ SIRની કામગીરીમાં વધુ શિક્ષકોના સહાયક BLO તરીકે નિમણુંક કરાતા વિરોધ થઈ રહ્યો છે. સાબરકાંઠામાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા અને એક દિવસ BLOની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ તરફ BLOની આત્મહત્યા આ મામલે હવે સ્પષ્ટ નીતિ બનાવવાની માંગ ઉઠી છે.
SIR કામગીરીના વધતા દબાણ વચ્ચે મોટી ઘટના
પાદરાના ભોજ પી. આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક અને BLO ની અચાનક તબિયત લથડી છે. ઝુલ્ફીકાર પઠાણને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ થઈ હતી. જેથી સારવાર અર્થે વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. SMCના સાથી કર્મચારીએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, છેલ્લા 10 દિવસ થી રાત દિવસ કામ કરે છે એક ટાઈમ જમે છે કે નહિ એ ખબર નથી. કલેક્ટરથી લઇ તમામ અધિકારી ફોન ઉપાડતા નથી. ઘટનાની જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવતું નથી. સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ પ્રસર્યો છે. અને ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.