યાત્રાળુઓમાં ખુશીની લહેર; ડાકોર રેલ્વે સ્ટેશનની કાયાપલટ; જાણો કઈ વિશેષ પ્રકારની સુવિધાઓ છે સજ્જ

Kheda News: દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કીગથી માંડી વિશેષ પ્રકારની સુવિધાઓ, ધાત્રી મહિલા મુસાફરો માટે અલગ બેઠક રૂમ અને ઘોડિયાની વિશેષ પ્રકારની સુવિધાઓ, આવતીકાલે વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કરશે. 

યાત્રાળુઓમાં ખુશીની લહેર; ડાકોર રેલ્વે સ્ટેશનની કાયાપલટ; જાણો કઈ વિશેષ પ્રકારની સુવિધાઓ છે સજ્જ

Kheda News: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ડાકોર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ ગત વર્ષો દરમિયાન હાથ ધરાયું હતું. સમગ્ર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરીની સાથે સાથે મુસાફરોને માળખાકીય સુવિધાઓ મળે તે દિશામાં પશ્ચિમ રેલવે વિભાગે‌ પ્રયાસો‌ હાથ ધર્યા હતા. આજે વર્ષોના અંતમાં યાત્રાધામ ડાકોરના આંગણે સુવિધાથી સુસજ્જ રેલવે સ્ટેશન બન્યું છે. આ રેલવે સ્ટેશનની કાયાપલટ થતાં મુસાફરો અને યાત્રાળુઓમા ખુશીની લહેર છવાઈ છે. 

ખાસ આ રેલવે સ્ટેશનને ડાકોરના ઠાકોર અને ભક્ત બોડાણાની થીમ પર જોડવામાં આવ્યું છે. જેમાં સ્ટેશનની પ્રિમાઈસીસમા કૃષ્ણ ભક્તિ દર્શાવતા બોડાણાને અને ઠેકઠેકાણે કૃષ્ણ-રાધાના ભીંત ચિત્રો તેમજ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક લખવામાં આવ્યા છે. જે જોઈ કૃષ્ણ ભક્ત ભક્તિમાં લીન બની જાય છે. આ રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કીગથી માંડી વિશેષ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.  ધાત્રી મહિલા મુસાફરો માટે અલગ બેઠક રૂમ અને બાળકો માટે ઘોડિયાની વિશેષ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મહત્વનુ છે કે આવતીકાલે 22 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સથી આ રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકશે.

આણંદ-ગોધરા લાઈન પર આવેલ ડાકોર રેલવે સ્ટેશનને રૂપિયા 5.88 કરોડના ખર્ચે રિડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનુ ગયા વર્ષો દરમિયાન પ્રારંભ કરાયો હતો. વર્ષ 2025ના મે માસમાં આ ડાકોર રેલવે સ્ટેશનની અપગ્રેડની તમામ કામગીરીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નવા રંગરૂપ તેમજ અલાયદા સુવિધા સાથે આ રેલવે સ્ટેશન યાત્રિક, મુસાફરો માટે આજે તૈયાર થઈ ચૂક્યું છે. જેમાં અગાઉ આ રેલવે સ્ટેશન પર સિંગલ લાઈન હતી જેને ડબલ લાઈન કરવામાં આવી છે, પ્લેટફોર્મ પર વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં બેઠકથી માંડીને ઠંડા પાણી અને શૌચાલય સુધીની સુવિધાઓ મુસાફરોને મળી રહે તેવી છે.

આ ઉપરાંત અહીંયા ત્રણ વેઈટીગ એરીયા છે જેમાં પુરુષ, મહિલા અને કોમન એમ ત્રણ છે આ સાથે ધાત્રી મહિલા માટે અલાયદા બેઠક વ્યવસ્થા તેમજ નાના બાળકો માટે વિશેષ ઘોડિયાની સુવિધા છે. આ તમામ વેઈટીગ એરીયા હવાઉજાસ વાળા અને પંખાની સુવિધાથી સજ્જ છે. ટીકીટ બારીની પાસે પણ પંખાની અને બેઠકની ખાસ સુવીધાઓ છે. આ રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટમા વિશેષ પ્રકારે દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં દિવ્યાંગ મુસાફરો માટે વાહન પાર્કિંગ એરિયા, તેઓને પ્લેટફોર્મ સુધી પહોંચવા રેમ્પવોક, અને આ રેમ્પવોકમા લગાવવામાં આવેલ સ્પેશિયલ ટાઈલ્સ કે જેને સ્પર્શનીય ચેકર ટાઈલ્સ કહે છે તે લગાવવામાં આવી છે. જેનાથી દિવ્યાંગજનો સરળતાથી આવનજાવન કરી શકે છે. આ ઉપરાંત દિવ્યાંગ મુસાફરો માટે ઓછી ઊંચાઈ વાળા પાણીના નળો પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યા છે.

વાત કરીએ પ્લેટફોર્મ કવર શેડની તો, આ શેડ માત્ર હવામાન પરિબળોથી રક્ષણ પુરુ પાડતુ નથી પણ ભીડ વ્યવસ્થાપનને તેમજ મુસાફરોને આરમમા પણ મહત્વનો ફાળો આપે છે. આ ઉપરાંત પ્લેટફોર્મ એકથી બીજા પ્લેટફોર્મ પર જવા આવવા માટે 6 મીટર પહોળો ફુટ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યો છે.‌ પાર્કીગની વાત કરીએ તો 1400 સ્ક્વેર મીટર એરિયામાં વિશાળ પાર્કીગ છે. જેમાં એકી સાથે કાર, બસ, ટુવ્હિલર મળી કુલ 126 વાહનો આરામથી પાર્ક થઈ શકે છે. આમા દિવ્યાંગ મુસાફરો માટે બે વાહન પાર્કીગના સ્લોટ ઊભા કરાયા છે.

જ્યારે ડાકોરના ઠાકોર અને ભક્ત‌ બોડાણાજીનો સિધો નાતો ડાકોર સાથે રહેલો હોવાથી આ રેલવે સ્ટેશન પર તેમની ભક્તિને અભિવ્યક્તિ કરવામાં આવી છે અને તેમની થીમ પર સમગ્ર  રેલવે સ્ટેશનને રંગરોગાણ કરાયું છે. રેલવેની પ્રિમાઈસીસમા રાજાધિરાજ ગાડુ હાકતા અને ભક્ત બોડાણા ગાડામાં તુલસીનો છોડ લઈને બેઠેલાની પ્રતિમા મૂકવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે કૃષ્ણ-રાધાના વિશાળ ભીંત ચિત્રો તેમજ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક લખવામાં આવ્યા છે. મુસાફરો પણ અહીયા રેલવે સ્ટેશન પર ઉતરાતાની સાથે જ કૃષ્ણ ભક્તિમાં અને રણછોડરાયની ભક્તિમાં લીન બને તેવો પ્રયાસો પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આવતીકાલે 22 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સથી આ રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news