હાર્દિકનાં રોડશોમાં છમકલું : પાસ અને ભાજપનાં કાર્યકરો વચ્ચે પથ્થરમારો
પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ઠઠ બોલાવી દેવાયો

અમદાવાદ : હાર્દિક પટેલ દ્વારા એક પછી એક રેલીઓ કરવામાં આવી રહી છે. જેમા ભાજપ વિરુદ્ધ મતદાન નહી કરવા માટે લોકો પાસે શપથ લેવડાવ્યા હતા. આજે અમદાવાદમાં રેલીનું પણ આયોજન કર્યું હતું. ઘૂમા ગામથી નિકોલ ગામ સુધીની રેલીનું આયોજન કર્યું હતું. જો કે ઘુમાથી નિયત સમય કરતા રેલી મોડી ચાલુ થઇ હતી. જો કે આ રોડશોને તંત્ર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી હતી. રેલીમાં મોટા પ્રમાણમાં હાર્દિકનાં ટેકેદારો જોડાયા હતા.
હાર્દિકનો રોડ શો અમિત શાહ અને અન્ય ઘણી હસ્તીઓનાં મત વિસ્તારમાંથી પસાર થયો હતો. નિકોલ તરફ આગળ વધતા સમયે બાપુનગર નજીક હાર્દિક પસાર થઇ રહ્યો હતો ત્યારે ભાજપનાં કોઇ કાર્યકર દ્વારા ઝંડો દર્શાવ્યો હતો. ભારત માતા કી જયનાં નારાઓ લગાવ્યા હતા. જેનાં પગલે ભાજપ અને પાસનાં કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને ત્યાર બાદ તે ધર્ષણ અને પથ્થરમારામાં ફેરવાઇ હતી. ભાજપનો દાવો છેકે પાસનાં કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે ઘટના બાદ પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. પાટીદાર વિસ્તાર હોઇ હાલ સમગ્ર વિસ્તારમાં ઉચાટભરી શાંતી છે.
આજે નિકોલમાં હાર્દિક પટેલ સભા પણ આયોજી રહ્યા છે. જો કે શહેરનાં ઘણા મહત્વનાં વિસ્તારોમાંથી આ રેલી પસાર થવાની હતી. ગઇ કાલે હાર્દિકની રેલીને મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે ત્યાર બાદ શરતી મંજૂરી આપવામાં આવી હતી. રેલીને કેટલાક સ્થળો પર ડાયવર્ટ કરવામાં આવી હતી. કેટલાક સ્થળોની સેન્સીટીવીટી જોતા રેલીને ત્યાંથી પસાર નહી થવા દેવાઇ હતી.