)
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં આંબાના વાવેતર કરતા ખેડૂતો કેરીના ઉત્પાદનમાં ભારે નુકશાન જવાની ભીતિ સેવી રહ્યા છે. વિષમ તાપમાનના કારણે આંબામાં આવેલો ભરપૂર મોર ખરી પડતા કેરીનું ઉત્પાદન 30 થી 35 ટકા થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. ઉત્પાદન ઘટતા કેરી મોંઘી થશે જેના કારણે ભાવનગરીઓને કેરીનો સ્વાદ ચાખવા ભારે દામ ચૂકવવા પડશે.
ભાવનગર જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરી રહ્યા છે, જેમાં કેળા, સીતાફળ, જમરૂખ અને મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર જોવા મળતું હોય છે, આંબાના વાવેતર બાદ ખુબજ કાળજી લેવી પડે છે, સામાન્ય રીતે આંબાના એક વૃક્ષની માવજત પાછળ ખેડૂતોને વાર્ષિક બે હજાર જેટલો ખર્ચ થતો હોય છે, જ્યારે સારી સીઝનમાં કેસર કેરી 2000 થી 4500 રૂપિયા મણ સુધીના ભાવે વેચાતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં આંબામાં મોર બેસી જતા હોય છે, તેમજ વાતાવરણ અનુકૂળ રહે તો કેરીનું મબલક ઉત્પાદન થતું હોય છે, પરંતુ વિષમ પરિસ્થિતિમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળતો હોય છે, હાલ વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારની કેરીના ઉત્પાદનમાં ખૂબ જ માઠી અસર થતી જોવા મળી રહી છે, એક સમયે આંબામાં ભરપૂર મોર બેસેલો જોવા મળ્યો હતો, પરંતુ દિવસે ગરમી અને રાત્રે ઠંડી તેમજ સવારે ઝાકળભર્યા વાતાવરણના કારણે આંબા પર આવેલો મોર ખરી પડ્યો છે, જેના કારણે નુકશાન જવાની ભીતિના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાત સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ; વાવાઝોડું કે માવઠામાં પણ ખેડૂતોનો નહીં બગડે પાક
:
ભાવનગર જિલ્લાના તળાજા, ઘોઘા, જેસર અને ભાવનગર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો બાગાયતી પાકમાં સૌથી વધુ કેસર આંબાનું વાવેતર કરી રહ્યા છે, જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા સોસિયાની કેસર કેરી તો સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે, જે કેરીનો ખટમીઠો સ્વાદ લોકોને ખૂબ જ ગમે છે, જિલ્લામાં કેરીનું સારું ઉત્પાદન થતું હોવાથી ખેડૂતોને કેરીના ખૂબ સારા ભાવ મળી રહે છે, પરંતુ આ વર્ષે ખેડૂતોમાં કેરીના ઉત્પાદનને લઈને ચિંતા જોવા મળી રહી છે, સતત બદલાઈ રહેલા વાતાવરણની કેરી ના પાક ઉપર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે.
ચોમાસુ ગયા બાદ આંબામાં ભરપૂર મોર બેઠો હતો, ચારે તરફ લહેરાતા મોર ને જોઈને ખેડૂતોને ખૂબ જ સારું ઉત્પાદન થશે એવી આશા બંધાઈ હતી, પરંતુ કુદરતને જાણે એ મંજુર ના હોય તેમ વાતાવરણમાં સતત આવી રહેલા ફેરફારે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે, જે આંબામાં 80 થી 85 ટકા ઉત્પાદન થવાની આશા હતી, તેમાં વાતાવરણની ખરાબ અસરના કારણે આંબાનો મોર સુકાઈ રહ્યો છે, જેના કારણે હવે માત્ર 30 થી 35 ટકા ઉત્પાદન થાય એવી શક્યતા જોવા મળી રહી છે, ઉત્પાદનમાં ફેરફાર થતા કેરીના ભાવમાં પણ અસર થશે, ઓછી આવક થતા કેરીનો ભાવ આસમાને આંબી જાય એવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ખાસ તો ઉત્પાદન પાછળ કરેલો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે.