દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન! ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, હજુ કાલે આટલા જિલ્લામાં પડશે ભારે વરસાદ
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે 24મીએ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે.
Trending Photos
Gujarat Weather 2025: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બન્યો છે, ત્યાં ફરી એક આગાહી સામે આવી છે. ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
આવતીકાલે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસાનું આજથી આગમન થઈ ગયું છે,,,જો કે ગુજરાતમાં પણ વહેલા ચોમાસાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન
દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન શરૂ થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. જી હાં વલસાડ, નવસારી, સુરત, તાપીમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ તો ઠંડુ થઈ ગયું,,પરંતુ જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા. વાત કરીએ સુરતના બારડોલીની તો બારડોલીના અલગ અલગ વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. વીજળી પડવાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે વલસાડમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
હવે વાત કરીએ તાપીના વ્યારાની,,,વ્યારાના મુસા રોડ અને મિશન નાકા નજીક ભારે પવન સાથે વરસાદથી ચોમાસા જેવો માહોલ છવાયો હતો. પવન સાથે વરસાદ વરસતા કેરીના પાકને મોટાપાય નુકસાનની ભિતિ દેખાઈ રહી છે...નવસારી શહેર અને જિલ્લાનું વાતાવરણ પણ ઠંડુગાર થયું છે. નવસારીના મંકોડિયા, ઈટાળવા અને સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો અને શરૂ થઈ મુશ્કેલી. રેલવે ગરનાળામાં અને રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજના એપ્રોચ પાસે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી.
ગીર સોમનાથમાં ભારે પવનના લીધે મંડપ ઉડ્યો
હવે વાત કરીએ સૌરાષ્ટ્રના જિલ્લાની...ગીર સોમનાથના સુત્રાપાડામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો. સૂત્રાપાડાના પાંડવા ગામે ભારે પવન ફૂંકાતા લગ્નના મંડપને મોટાપાયે નુકસાન પહોંચ્યું. લગ્નનો મંડપ જાણે આખો ઉડી ગયો હોય અને ભારે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલીના લાઠી રોડ પરની વિદ્યાનગર સોસાયટીમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી...સ્થાનિકો ઘરના વાસણોથી પાણી ઉલેચવા મજબૂર બન્યા છે. જો અત્યારે આવી હાલત થઈ ગઈ,તો જરા વિચારો ચોમાસામાં શું થશે.
માંગરોળ બંદર પર એક નંબરનું સિગ્નલ
જૂનાગઢના માંગરોળમાં દરિયાકિનારે કરંટ જોવા મળતાં માંગરોળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે...અને લોકોના દરિયાકિનારે નહીં જવા માટે તંત્રએ સૂચના આપી દીધી છે...હવામાન વિભાગે સૌરાષ્ટ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે...જો કે દરિયામાં હલચલ શરૂ થતાં તંત્રએ સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવ્યું.
દક્ષિણ ગુજરાતમાં નુકસાનીના દ્રશ્યો
દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની તોફાની બેટિંગથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતના બારડોલી, તાપી અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદથી મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. બારડોલીમાં મેળા માટે ઉભું કરેલું સ્ટ્ર્ક્ચર પડી ભાંગ્યું,જો કે આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. તો તાપીના વ્યારાના મુસા રોડ પર આવેલા કોમર્શિયલ મોલ ખાતેનો શેડ ધરાશાઈ થઈ ગયો. જો કે આ મોલ હજુ શરૂ ન થયો હોવાથી જાનહાનિ ટળી હતી. જ્યારે વલસાડના તડકેશ્વર ખાતે યોજાનાર ફૂડ કાર્નિવલમાં પણ નુકસાની થઈ. ભારે પવન સાથે વરસાદથી સ્ટોલમાં મુકવામાં આવેલો માલ-સામાન ખરાબ થઈ ગયો અને સ્ટોલધારકોને નુકસાની ભોગવવી પડી.
અરવલ્લીમાં કેરીના પાક પર અસર
અરવલ્લી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કેરીના પાક પર માઠી અસર પડી છે. હાં ભારે પવનથી મેઘરજ તાલુકામાં આંબા પર લટકતી મોટાભાગની કેરીઓ ખરી ગઈ,,જેના લીધે ખેડૂતને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ કેરીના પૂરતા ભાવ નહીં મળે અને સાવ ઓછા ભાવે કેરીનું વેચાણ કરવું પડશે. ખેડૂતોને સારા ભાવની આશા હતી પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે