વાવાઝોડાની આગાહી વચ્ચે અહીં આંધી તોફાન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Gujarat Rain: સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુંલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે અને લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
Trending Photos
Gujarat Rain: સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુંલેશન સિસ્ટમ એક્ટિવ થતા હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે મોડી સાંજે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
તેમજ ભારે પવનના પગલે શિવ પોલીસ ચોકી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો પડતામ અનેક વીજ વાયરો પણ તૂટ્યા છે. પ્રભાસ પાટણમાં ભારે પવન સાથે વરસાદ અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જો કે, PGVCL દ્વારા વીજ પુરવઠો પુર્વવત કરવા કામગીરી હાથ ધરાઈ છે. સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પ્રાંચીતિર્થ, ધંટીયા, ટીંબડી, કુંભારીયા, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સુત્રાપાડાના પ્રાચી તીર્થ, થરેલી સહિતના ગ્રામ્ય પંથકમાં મીની વાવાઝોડા સમી આંધી સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
અમરેલી શહેરમાં સવા 3 ઈંચ વરસાદ
તેમજ બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેરમાં સવા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં છેલ્લા 3 કલાકથી વરસાદ શરૂ છે. તેમજ લાઠી શહેરમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વરસાદના કારણે અમરેલી શહેરમાં અંધારપટ છવાયું છે.
જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ
જુનાગઢ જિલ્લાના કેશોદ, માળીયાહાટીના, મેંદરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. કેશોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે. જો કે, વરસાદને લઈ ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. વરસાદ વરસતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો છે. ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોના તલ, અળદ, મગ જેવા પાકને ભારે નુકસાન થયું છે. ઉનાળુ પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસતા ખેતી પાકને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. બપોર બાદ ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મેંદરડા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. દાત્રાણા, માનપુર, આલીધ્રા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. તૈયાર થયેલો પાક નિષ્ફળ થયો છે. ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સરકાર પાસે સર્વે કરી વળતર આપવા માંગ કરવામાં આવી છે. જો કે, બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
આજે 13 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આજે 13 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે યલો એલર્ટમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દ્વારકા, બોટાદનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે