)
Banaskantha Rains: સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. તેમજ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં વરસેલા ભારે વરસાદથી સ્થિતિ પંજાબ જેવી થઈ ગઈ છે. કેમ કે, સુઈગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મુશળધાર વરસાદના કારણે સુઈગામ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ત્યારે શું છે બનાસકાંઠા જિલ્લાની હકીકત અને કેવી છે પરિસ્થિતિ.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામનામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો જળ મગ્ન બની ગયા છે. તો રણ વિસ્તારમાં પણ દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ છલકાઈ ગયા છે અને શહેરો તેમજ ગામડાઓમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિના પગલે શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
બનાસકાંઠામાં જળબંબાકાર
સુઈગામ તાલુકામાં એક તરફ રણ દરિયો બન્યો છે તો બીજી તરફ ખેતરો બોટમાં ફેરવાયા છે. ભારે વરસાદથી અનેક ગામના રસ્તા બંધ થઈ જતા લોકો ફસાઈ ગયા છે. થરાદમાં પણ ધોધમાર વરસાદથી મેઈન બજારમાં જવાનો રસ્તો પાણીથી તરબોળ થઈ ગયો છે. મેઈન બજારમાં ઢીંચણસમા પાણી ભરાતા લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ થંભવાનું નામ જ ન લેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી સરકારી કચેરી પાણીથી તરબોળ થઈ ગઈ, મામલતદાર કચેરી નજીક પાણી ભરાઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી છે. પાણી ભરાઈ જતાં સ્થાનિકો પાઈપથી દેશી બોટ બનાવીને બહાર નિકળ્યા છે. ભારે વરાસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
બીજી તરફ થરાદ તાલુકા પંચાયત કચેરીમાં ઘૂંટણ સમાપાણી ભરાઈ ગયા છે. સરકારી કચેરીમાં નજર નાખીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભાભર-સુઇગામ હાઇવે તેમજ થરાદ વાવ -સુઇગામ હાઇવે સહિત સુઇગામને જોડતા તમામ ગામોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ મહામુસીબતે સુઈગામના જોરાવરગઢ ગામે પહોંચી. જ્યાં ઝી 24 કલાકના કેમેરામાં જોરાવરગઢ ગામના તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા હોવાના દ્રશ્યો કેદ કર્યા છે. ભારે વરસાદના કારણે લોકો વરસતા વરસાદમાં ઘર વખરી સુરક્ષીત સ્થળે ખસેડવા મજબુર બન્યા.
ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર ખોડવાયો
થરાદથી વાવ-સુઈગામ-રાધનપુરને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. હાઇવે પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં ખોટકાયા છે, જ્યારે ચારડા ગામમાં ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદ અને જળબંબાાકારની સ્થિતિને લઈ કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જે બાદ કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ ટ્રેક્ટર ઉપર સવાર થઈને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદના કારણે 13 ગામો સંપર્ક વિહાણો થયા છે. જ્યારે 500 લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમો તૈનાત કરીને રેસ્ક્યૂ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, અને 1.50 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે તો જ સરહદી વિસ્તારના લોકોને રાહત થાય.
અનેક રોડ-સસ્તાઓ પાણીમાં ગરકાવ
બનાસકાંઠા સુઈગામમાં 17 ઇંચથી વધુ વરસાદથી આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાભર -સુઈગામ હાઇવે પાણી પાણી થયો છે. ભાભર -સુઇગામ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. ભાભરથી સુઈગામનો સંપર્ક તૂટ્યો છે. ભારે પાણી વચ્ચે જીવન જોખમે એક વાહન ચાલકે પાણીમાં વાહન નાખતા તે ફસાયું હતું. મુખ્ય હાઇવે ઉપર ભારે પાણી ભરાતા સ્થતિ ખૂબ જ વિકટ જોવા મળી છે. સુઇગામ વિસ્તારમાં ખેતરો ફેરવાયા બેટમાં તો અનેક ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ ધોવાયા છે. સુઇગામ પંથકમાં નેટવર્ક ખોરવાતા લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
રેડ એલર્ટના પગલે લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ
ધોધમાર વરસાદને લઈ આજે બનાસકાંઠામાં આંગણવાડી, સ્કૂલ, કોલેજોને બંધ રાખવા તંત્રની સૂચના અપાઈ છે. જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈને લોકોને સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ. સુઈગામમાં છેલ્લા 24 કલાકમાં સાડા 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુઈગામમાં ભારે વરસાદને લઈ નડાબેટનું રણ દરિયો બન્યું છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ભારે વરસાદને લઈ સુઈગામ પંથકના ખેતરો જળબંબાકાર તો અનેક ગામોના રસ્તા ધોવાયા છે. ભારે વરસાદને લઈ લોકોને નદી-નાળા પાસે ન જવા તંત્રની સૂચના અપાઈ છે. તો જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની જળ સપાટીને જોતા એલર્ટ અપાયું છે. જિલ્લામાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
બીજી તરફ ભાભરના ચતરા ગામ પાસે 108 એમ્બ્યુલન્સ પાણીમાં ગરકાવ થઈ હોવાનો ભયાનક ફોટો આવ્યો સામે છે. ગઈકાલે દિયોદર રૂરલના કોતરવાડા પોઇન્ટની 108 એમ્બ્યુલન્સને કોલ મળતાં તે ચતરા પાસેથી પસાર થતા સમયે ઘટના બની હતી. ચતરા પાસે અચાનક રોડ ઉપર પાણી વધી જતાં 108 એમ્બ્યુલન્સ પાણીમાં ગરકાવ થઈ જતા પાયલોટ અને ઇમેટી એમ્બ્યુલન્સ સાથે 108માં ફસાયા હતા. જો કે, ક્રેન દ્વારા 108ને સુરક્ષિત રીતે બહાર કઢાઈ હતી.
સુઇગામ પંથકમાં પડેલ ભારે વરસાદે ચારેતરફ તારાજી સર્જી છે. સુઇગામ પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને લઈને જ્યાં નજર કરો ત્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોનો કપાસ, એરંડા,મગફળી,જુવાર ,ગવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી રહ્યા છે. સુઇગામના કટાવ ગામની પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે. શાળામાં ભારે વરસાદી પાણી ઘુસી જતા શાળાના ઓરડાઓમાં પાણીમાં તરબોળ થયા છે. ભારે વરસાદના શાળાના પટાંગણમાં ઉભેલા 17 જેટલા વૃક્ષો થયા ધરાશાયી થયા છે. તેમજ શાળાના પાછળની કોટની દીવાલ પણ થઈ ધરાશાયી થઈ છે. શાળામાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ઘુસી જતા આગામી 5 દિવસ સુધી શાળાનું શિક્ષણ કાર્ય શરૂ થવું મુશ્કેલ છે.