)
Ahmedabad News: અમદાવાદમાં સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતા સુભાષ બ્રિજમાં અચાનક તિરાડ પડી જવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આજે કમિશનરને સોંપવામાં આવી શકે છે. અમદાવાદમાં અનેક બ્રિજ આવેલા છે, જેમાં ઘણા બ્રિજ નદી પર પણ બનેલા છે. હવે સુભાષ બ્રિજની ઘટના બાદ પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે.
સુભાષ બ્રિજની ઘટના બાદ તંત્ર જાગ્યું
અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવાતા લોકોની મુશ્કેલીઓ વધી છે. વાહન ચાલકો પરેશન થઈ ગયા છે. તેવામાં અમદાવાદમાં આવેલા વિવિધ બ્રિજો પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. આ વચ્ચે એએમસીએ શહેરના બ્રિજો પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં નદી પરના બ્રિજ, ફ્લાઈ ઓવર, રેલવે બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવામાં આવશે.
AMC એ 16 બ્રિજની યાદી બનાવી
સુભાષ બ્રિજની ઘટના બાદ એએમસીએ 16 બ્રિજની યાદી બનાવી છે. આ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવામાં આવશે. હાઈટ બેરિયર લાગી જવાને કારણે મોટા વાહનો પસાર થઈ શકશે નહીં. ભારે વાહનોને કારણે બ્રિજને નુકસાન થતું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવામાં આવી શકે છે, ત્યારબાદ જરૂરિયાત અને બ્રિજની સ્થિતિના આધારે અન્ય બ્રિજને સામેલ કરવામાં આવી શકે છે.
સુભાષ બ્રિજ બંધ
સુભાષ બ્રિજ પરથી પસાર થતા લાખો વાહનચાલકો અને મુસાફરોને હાલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. જ્યાં સુધી તમામ ટેકનિકલ રિપોર્ટ AMCને પ્રાપ્ત ન થાય અને કોર્પોરેશન સત્તાવાર રીતે બ્રિજને 'ફીટ' જાહેર ન કરે, ત્યાં સુધી રાહત મળવાના કોઈ એંધાણ દેખાતા નથી. શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ પર આ બંધ બ્રિજની મોટી અસર પડી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. નાગરિકો આશા રાખી રહ્યા છે કે તપાસ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને બ્રિજ જલ્દીથી ખૂલી જાય, જેથી રોજિંદી અવરજવર સરળ બને.