)
Gujarat Congress: ગુજરાતમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસને ફરીથી જીવંત કરવા માટે હાઈકમાન્ડે પોતે જ મોરચો સંભાળી લીધો છે. છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધી છઠ્ઠી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસોનો મુખ્ય હેતુ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે સંગઠનને મજબૂત બનાવવાનો છે.
જૂનાગઢમાં જિલ્લા પ્રમુખો સાથે સંવાદ
ગુરુવારે, રાહુલ ગાંધી ફરી એકવાર જૂનાગઢમાં જિલ્લા પ્રમુખોની દસ-દિવસીય તાલીમ શિબિરના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સીધા કેશોદ એરપોર્ટ પર ઉતર્યા બાદ જૂનાગઢના પ્રેરણાધામ આશ્રમ પહોંચશે, જ્યાં તેઓ જિલ્લા પ્રમુખો સાથે સીધો સંવાદ કરશે અને સાંજે દિલ્હી પરત ફરશે. કોંગ્રેસે હવે જિલ્લા સ્તરે સંગઠનને મજબૂત બનાવીને વિધાનસભા ચૂંટણી જીતવાનું નક્કી કર્યું છે. આ હેતુથી ગુજરાતને સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યું છે. દિલ્હીથી સીધી દેખરેખ હેઠળ, પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તાઓ આપવાનો નિર્ણય લેવાયો છે.
નબળી કામગીરી સામે હાઈકમાન્ડની નારાજગી
હાલમાં જે શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, તેમની કામગીરી અને પક્ષ માટેના વિઝન પર આંતરિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલના આધારે મૂલ્યાંકન ચાલી રહ્યું છે, અને એવું જાણવા મળ્યું છે કે દસથી વધુ પ્રમુખોની નબળી કામગીરીથી હાઈકમાન્ડ નારાજ છે. ત્રણ-ચાર દિવસ પહેલાં જ રાહુલ ગાંધીએ જૂનાગઢની મુલાકાત દરમિયાન પ્રમુખોને પક્ષ અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. હાઈકમાન્ડે સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે, કાં તો આગામી 90 દિવસમાં કામગીરીમાં સુધારો લાવો અથવા તો હોદ્દો છોડી દો. હવે જ્યારે હાઈકમાન્ડ કોઈપણ પ્રકારની ઢીલ દાખવવાના મૂડમાં નથી, ત્યારે કેટલાક પ્રમુખોની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે.
ગુજરાતમાં સંગઠનને નવો ઓપ
સૂત્રોના મતે, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે સૌથી પહેલાં ગુજરાત કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવાનું અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનું નક્કી કર્યું છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે ખુદ રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસો વધાર્યા છે. એવું પણ કહેવાય છે કે તેઓ હવે દરેક જિલ્લામાં એકવાર જઈને કાર્યકરોના ઘરે રોકાશે. આગામી દિવસોમાં કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં પોતાનો ધામા નાખશે.