ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર! મોંઘા થયા શાકભાજી, લીંબુના ભાવ આસમાને. કાળઝાળ ગરમી વચ્ચે ગૃહણીઓને મોંઘવારીનો માર. શાકભાજી અને લીંબુના ભાવમાં થયો વધારો. એક કિલો લીંબુના ભાવ 160થી 200 રૂપિયા.

Vegetable Price Hike: ઉનાળાનું આગમન થતાં જ ગૃહીણીઓને મોટો ઝટકો લાગ્યો છે. ઉનાળાના આગમન સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની મોસમમાં લીંબું શરબત ખૂબ પીવાય છે, ત્યારે ઉનાળાના આગમન પહેલા જ લીંબુ મોંઘા બન્યા છે. જેને પગલે લીંબું એ જીવન જરૂરિયાતની વસ્તું છે. લીબુની સૌથી મોટો ખેતી એ ઉત્તર ગુજરાતમાં થાય છે.
એક લીંબુનો ભાવ 10 રૂપિયાની આસપાસ
લીંબુના ભાવે ગૃહિણીઓની રસોઈમાં ફીકાશ નાખી દીધી છે. 160 થી લઈ 200 રૂપિયા કિલો લીંબુ હાલ વેચાઈ રહ્યા છે. કેટલાક બજારોમાં તો લીંબુ 220 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જરૂરિયાત વધતા હાલ એક લીંબુનો ભાવ 10 રૂપિયાની આસપાસ થઈ ગયો છે. ગૃહિણીઓએ લીંબુના વિકલ્પ તરફ વળવું પડ્યું છે.
શાકભાજીના વધતા ભાવ ગૃહણીઓની ચિંતા
બીજી બાજુ ઉનાળામાં શાકભાજીના વધતા ભાવે ગૃહણીઓની ચિંતામાં વધારો કર્યો છે. ગવાર અને ટિંડોળા 120 રૂપિયા તો ભીંડા 80 રૂપિયા કિલો માર્કેટમાં વેચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળી 40 રૂપિયા કિલો તો પાલક અને મેથી 60 થી 80 રૂપિયા કિલો, આદુ 80 રૂપિયા કિલો જયારે લીલા મરચા 60 રૂપિયા કિલો, પરવલ 100 રૂપિયા તો ફ્લાવર 80 રૂપિયા કિલો અને સરગવો 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે.
શાકભાજીના ભાવો 50 ટકાથી વધુ ઉછળ્યા
ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવો બમણો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક માસ પહેલા અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવો 50 ટકાથી વધુ ઉછળ્યા છે. શાકભાજી ખરીદવામાં પણ ગૃહિણીઓ અસમંજસ અનુભવી રહી હોવાનું જણાય છે. મહિનાનો શાકભાજી ખરીદવાનો જે ખર્ચ થતો હતો તે હવે 15 થી 20 દિવસમાં જ થઈ જતા ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હજુ જેમ ઉનાળો આકરો બનશે તેમ ભાવમાં વધુ ઊંચકાવાની શક્યતા છે.
ઉનાળાની શરૂઆત થતાં જ ડુંગળી-લસણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રિટેલ માર્કેટમાં લીંબુ 200 રૂ. કિલોના ભાવે વેચાય છે. ગરમીમાં લોકો લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતાં હોય છે. જેને પગલે લીંબુના ભાવ ઘટે તેવી ગ્રાહકોએ માંગ કરી છે.
ઉનાળાના આગમન સાથે કાળઝાળ ગરમીમાંથી લોકો ધીરે ધીરે અકળાઈ રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવોમાં 50 ટકાનો વધારો થતાં ગૃહિણી ચિંતામાં મુકાઈ છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે. ત્યાં શિયાળાની સરખામણીમાં શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. શિયાળાની સમાપ્તિને કારણે શાકભાજીના પાકમાં ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટતાની સાથે જ ભાવોમાં પણ 40થી 50 ટકા જેટલો વધારો નોધાયો છે. ઉનાળાની શરૂઆતમાં જ સિંચાઈના પાણીની તંગી સર્જાતા જેની સીધી અસર પાકો પર પડી છે. શાકભાજીના પાકોમાં નોંધ પાત્ર ઘટાડો થતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. ગરમીની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તો શાકભાજીના ભાવો આમ પ્રજાને દઝાડશે તેવી ભીતિ સેવાઇ રહી છે.