)
New method in farming: છેલ્લા થોડા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ કે ક્યાઈમેટ ચેન્જ જેવા શબ્દો તેમની હયાતીની પ્રતિતિ કરાવી રહ્યા હોય એવી સ્થિતિ બની છે. ચોમાસાની શરૂઆત પહેલા જ શરૂ થતો વરસાદ અને ચોમાસાને વીતવા બાદ પણ મુશળધાર વરસાદ ને પગલે સૌથી મોટી અસર ખેતી પર થાય છે ઉનાળાની શરૂઆત પહેલા શરૂ થતી ગરમી અને શિયાળામાં ઠંડી તેમજ ગરમી બંનેનો સાથે અનુભવ. આ ઋતુચક્રમાં મોટા ફેરફાર ખેતી ઉપર માઠી અસર પાડી રહ્યા છે. ત્યારે હવે બદલાતા વાતાવરણ સાથે ખેડૂતોએ પણ પારંપરિક ખેતીમાં નવી પદ્ધતિ અપનાવવી પડશે.
રાજ્યમાં છેલ્લા ધણા વર્ષોથી થઇ રહેલા અનિયમીત અને કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. અનરાધાર વરસાદને પગલે જમીનમાં ઓક્શીજનનું પ્રમાણ ઘટી જાય છે અને છોડને પુરતુ પોષણ મળતુ નથી જેની અસર ઉત્પાદન પર થાય છે. સતત વરસાદથી ખેતરોમાંથી પાણીનો નિકાલ નથી થતો. પાણીનો ભરાવો રહેતા જમીનના છીદ્રો પુરાઇ જાય છે જેના પગલે પાકને જમીનમાંથી મળતો ઓક્સિજન એક લાખ ઘણો ઘટી જાય છે. જેથી છોડ કાર્બન મેળવવા મથામણ કરે છે. સ્થિતિ એવી બને કે વધુ પાણીમાં રહેવાથી છોડ ભૂખમરાની સ્થિતિમાં આવી જાય છે અને નબળો પડે છે.
સામાન્ય રીતે કૃષિ વૈજ્ઞાનિકો ખેતરોમાં ઢાળ રાખીને વાવણી કરવાની સલાહ આપતા હોય છે. જેથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં સરળતા રહે, પરંતુ મોટાભાગના ખેતરોમાંથી પાણીનો નિકાલ થાય એવી સ્થિતિ હોતી જ નથી. ખેતીને બચાવવા પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા જરૂરી થઈ જાય છે. જોકે હવે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા યોગ્ય સંશોધન થકી આવી જ સ્થિતિ આગામી વર્ષોમાં બનશે એવો નિષ્કર્ષ નીકળે તો ડાંગર વગેરે પાકોની વધી પાણીમાં ટકી શકે એવી જાતોની વાવણી કરી ખેતી કરી શકાય છે. પરંતુ ગુજરામાં હવામાન એકસરખું રહેતું નથી. જેથી ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને કૃષિ નિષ્ણાંતોની સલાહ મુજબ જ ખેતર તૈયાર કરી ખેતી કરવી હિતાવહ છે.
ગુજરાતમાં અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાંખી છે. સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્યમાં વિદાય લેતો વરસાદ નવેમ્બરના પ્રારંભે પણ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે પણ મે મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવા પાછળનું કારણ વૈજ્ઞાનિકો દરિયાની સપાટી ઉપર વધેલી ગરમીને ગણી રહ્યા છે. કારણ દરિયાની સપાટીની ગરમી હવામાં બાષ્પીભવનની પ્રક્રિયા વધારે, જેને હવામાન નિષ્ણાતો ડીપ ડિપ્રેશન કહે છે. જેના ઉપરથી ફૂંકાતા ગરમ પવનો ઉપર ઉઠીને વાદળ બનાવે અને જે આગળ વધી ક્યાંક ધીમે તો ક્યાંક ધોધમાર વરસી જાય છે. પહેલા હિંદ મહાસાગરમાં આવી સ્થિતિ થતી, પણ હવે આરબ સાગરમાં પણ આવા ડીપ ડિપ્રેશન બની રહ્યા છે. જેના કારણે હજી પણ વરસાદ છે.
ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેટ ચેન્જ થવાને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ગરમી વધતા ખેત પેદાશોની ઉત્પાદન સમય માર્યાદામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે જે પાકને તૈયાર થતા 4 મહિના લાગે છે એમાં 15 થી 20 દિવસનો ઘટાડો પણ જોવાયો છે. જેથી વાતાવરણ અને દરિયાની સપાટી ઉપર વધતી ગરમી ભવિષ્યમાં ખેતી પદ્ધતિમાં ઘરમૂળથી ફેરફાર લાવે એવી શકયતાઓ જોવાઈ રહી છે.