પેટ્રોલ-ડીઝલથી ગુજરાત સરકારની ‘છપ્પર ફાડ’ કમાણી! જાણો VAT થકી કેટલા કરોડ તિજોરીમાં આવ્યા!
પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં ઘટાડાને આજે ચાર વર્ષથી વધુ સમય થયો હોવા છતાં કોઈ જ પ્રકારનો વધારો નથી કરાયો. પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. ૩,૧૯૪ કરોડ તથા રૂ. ૧,૬૨૬ કરોડનો લાભ થયો.
Trending Photos
Gujarat Government: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો છે. જે દરને આજે ચાર વર્ષથી વધુ સમય થયો હોવા છતાં તેમાં કોઈ જ પ્રકારનો વધારો કરાયો નથી. રાજ્ય સરકારે તા.૦૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ પેટ્રોલ પરના વેરાનો દર ૨૦.૧૦ ટકાથી ઘટાડીને ૧૩.૭ ટકા કર્યો છે. જયારે ડિઝલ ઉપરના વેરાનો દર પણ ૨૦.૨૦ ટકાથી ઘટાડીને ૧૪.૯ ટકા કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો. પેટ્રોલ-ડિઝલ, સીએનજી, પીએનજી અને રાસાયણિક ખાતર સરકારને કરોડોની આવક રળી આપે છે. છેલ્લા બે વર્ષમાં સરકાર ને પેટ્રોલ-ડિઝલ, સીએનજી અને રાસાયણિક ખાતર પર રૂપિયા ૪૦,૫૬૯ કરોડની આવક થઈ છે. વર્ષ ૨૦૨૩ માં વેટ હેઠળ રૂપિયા ૧૩,૬૦૮ કરોડની આવક, સીએસટી હેઠળ રૂપિયા ૨,૪૬૮ કરોડ, સેસ હેઠળ રૂપિયા ૩,૮૫૨ સહિત કુલ ૧૯,૮૨૮ કરોડની આવક મળી છે.
વર્ષ ૨૦૨૪માં વેટ હેઠળ રૂપિયા ૧૩,૮૬૯ કરોડ, સીએસટી ૨,૮૯૫ કરોડ, સેસ હેઠળ ૩,૮૭૭ કરોડ સહિત કુલ ૨૦,૬૪૧ કરોડની આવક થઈ છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ પર વેટનો દર ૧૩.૭ ટકા, ડિઝલ પર વેટ નો દર ૧૪.૯ ટકા, સીએનજી 5 ટકા ટેક્સ. જ્યારે સીએનજી હોલ સેલ ૧૫ ટકા, પીએનજી કોમર્શિયલ ૧૫ ટકા ટેક્સ, પીએનજી નોન કોમર્શિયલ 5 ટકા ટેક્સ અને પેટ્રોલ-ડીઝલ પર સેસ ૪-૪ ટકાની વસુલાત કરવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, પેટ્રોલ પર વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં રૂ. ૩,૧૯૪ કરોડનો લાભ થયો છે. જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૧,૫૬૮ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧,૬૨૬ કરોડનો લાભ થયો છે. પેટ્રોલ ઉપરાંત ડીઝલ પર વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં રૂ. ૫,૩૬૭ કરોડનો લાભ થયો છે. નાગરિકોને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે રૂ. ૨,૯૧૯ કરોડ જ્યારે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આશરે રૂ. ૨,૪૪૮ કરોડનો લાભ થયો છે.
આ ઉપરાંત પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સીએનજી તથા પીએનજી પર વેરાનો દર ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. સી એન જી પર વેરાનો દર ઘટાડવાથી છેલ્લાં બે વર્ષમાં નાગરીકોને રૂ. ૫૯૯ કરોડનો નફો થયો છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૯૮ કરોડનો તથા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૩૦૧ કરોડનો લાભ થયો છે.
આ ઉપરાંત પી એન જી પર વેરાનો દર ઘટાડવાથી છેલ્લાં બે વર્ષમાં નાગરીકોને રૂ. ૩૪૫ કરોડનો નફો થયો છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૧૭૭ કરોડનો તથા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧૬૮ કરોડનો લાભ થયો છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે