)
Gujarat by Election Results 2025 : પેટાચૂંટણીથી આમ ભલે મોટો ફરક પડવાનો ન હોય પણ રાજનેતાઓની અભિલાષા પર ચોક્કસ ફરક પડતો હોય છે. જેમ કે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂથનું પાણી મપાઈ જવાનું છે. જો ભાજપને અહીં જીત મળશે તો હાંસિયામાં ધકેલાઈ ગયેલા નીતિનભાઈ ફરી મેદાને ચડે એમ બને. એ જ રીતે વિસાવદર બેઠક ભાજપને જીતાડવાની જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપાઈ હતી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો જાહેરસભામાં કહ્યું પણ હતું કે મને જીતાડો તો રાદડિયા મંત્રી બનશે. પણ જો રાદડિયા મંત્રી બને તો કોણ કોણ ન બને તેની યાદી બહુ લાંબી છે.
વિસાવદરની ચૂંટણી એ જયેશ રાદડિયા માટે લિટમસ ટેસ્ટ કહેવાઈ રહ્યો છે. કારણ કે, આ બેઠકને જીતાડવાની જવાબદારી રાદડિયાના શિરે હતી. ત્યારે જો ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તરણ થવામાં વિસાવદરની ચૂંટણી રાદડિયા માટે નિર્ણાયકની ભૂમિકામાં રહેશે. સાથે એ પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, જો વિસાવદરની બેઠક જીતાડીને રાદડિયા મંત્રી બને તો સૌરાષ્ટ્રમાંથી કોણ કપાય? કોની મહેચ્છા પર પાણી ફરી વળે?
જીતુ વાઘાણીઃ હાંસિયામાં છે પણ હરિફાઈમાં ય છે જ
જયેશ રાદડિયાની માફક જીતુભાઈ પણ લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કેબિનેટ શિક્ષણમંત્રી રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર, પાટીદાર અને અનુભવી નેતા એ દરેક સમીકરણોમાં જયેશભાઈની માફક જીતુભાઈ પણ ફીટ બેસે છે. ભાજપના પ્રદેશપ્રમુખ સહિતની જવાબદારી સંભાળી ચૂકેલા જીતુભાઈ પણ લાંબા સમયથી માત્ર ધારાસભ્યપદથી સંતોષ માનીને હાલ તો લોકસંપર્ક ટકાવી રહ્યા છે પરંતુ મંત્રીમંડળમાં સામેલ થવાની મહેચ્છા કોઈથી અજાણી નથી. જો રાદડિયાને મંત્રીમંડળમાં સમાવવામાં આવે તો જીતુભાઈની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ સમજવાનું? પ્રશ્ન અઘરો છે એટલે જવાબ મળે ત્યાં સુધી રાહ જોઈએ.
હાર્દિક પટેલઃ લાલો લાભ વગર ન લોટે
આ લાઈનમાં તો હાર્દિક પટેલ પણ છે. ભાજપને ભરપૂર નુકશાન કરીને છેવટે ભાજપના જ ધારાસભ્ય બની બેઠેલાં હાર્દિક પટેલને હવે લીલી શાહીથી સહી કરવાના અરમાન છે. પોતે કોઈ જૂથના ન ગણાઈ જાય તેની પૂરતી તકેદારી રાખતાં હાર્દિકકુમાર ડાયરેક્ટ ડાયલિંગમાં માનતા હોય તેમ અમિતભાઈની ગુડબુકમાં રહેવા પ્રયત્નો કરે છે. પોતાના મતવિસ્તાર વિરમગામના વિકાસકાર્યોને સોશિયલ મીડિયા પર વ્યાપક બનાવતા હાર્દિકને મંત્રીમંડળ વિસ્તરણમાં તક મળે એવી શક્યતા ઓછી છે પરંતુ નહિવત્ત હરગીઝ નથી. નહિવત્તને વાસ્તવિક બનાવવાની તેમને ફાવટ પણ છે.
પક્ષપલટુઓઃ સબ કુછ લૂટાકે હોશ મેં આયે...
સૌથી કફોડી હાલત કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજો પૈકી અર્જુન મોઢવાડિયા અને ડો. સી.જે. ચાવડાની છે. ભાજપે તેમને મંત્રીમંડળનું વચન આપ્યું હોય કે નહિ એ તો તેઓ જાણે, પરંતુ પોતાના કદ અનુસાર કેબિનેટ મંત્રીપદ મળે તેવી ખ્વાહિશ કોઈથી અજાણી નથી. હવે વર્તમાન સરકારની મુદતને લાંબો વખત બાકી પણ નથી ત્યારે છેલ્લે છેલ્લે મંત્રીની ખુરશીમાં બેસવા મળે તો ય મોઢવાડિયા, ચાવડાને રાજીપો જ થવો જોઈએ. પછીની ચૂંટણીમાં ટિકિટ મળે, ન મળે તેનાં કરતાં હાલ ગણતરીના મહિના પૂરતાં ય મંત્રી થઈ જવાય તો કાયમ માટે નામ આગળ ‘પૂર્વ મંત્રી’નું છોગું તો ઉમેરી શકાય!