VADODARA માં કોન્ટ્રાક્ટરોએ ટોળકી રચીને કોર્પોરેશન પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા
Trending Photos
રવી અગ્રવાલ/વડોદરા : પાલિકાના રોડના વાર્ષિક કોન્ટ્રાકટમાં કોન્ટ્રાકટરોએ રીંગ અને સિન્ડિકેટ બનાવી ટેન્ડર ભર્યા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોન્ટ્રાકટરોએ સિન્ડિકેટ બનાવી અધિકારીઓની ગોઠવણથી કોન્ટ્રાક્ટ લેવાનો કારસો રચ્યો હોવાના આક્ષેપ થતાં રોડના કોન્ટ્રાક્ટ મામલે વિવાદ થયો છે. વડોદરા કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડના કોન્ટ્રાક્ટ મંજૂર કરવા માટેની દરખાસ્ત મૂકી છે. જેના પર 8 જુલાઈના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડની દરખાસ્ત આવતા મોટો વિવાદ થયો છે. કારણ કે રોડના તમામ 4 કોન્ટ્રાક્ટરોએ પસંદગીના ઝોન નક્કી કરી લીધા અને તે મુજબ ભાવો ભર્યા હતા. ચારે કોન્ટ્રાકટરોને કોર્પોરેશનના અંદાજ કરતાં 27.21 ટકાનો વધુ ભાવ અધિકારીએ મંજૂર કરી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મોકલી છે. જેનાથી કોર્પોરેશનને 40 કરોડના કામોમાં 10.88 કરોડ વધારે ચૂકવવાનો વારો આવશે.
કોન્ટ્રાક્ટરો કેવી રીતે બનાવે છે સિન્ડિકેટ?
- દક્ષિણ ઝોનમાં શિવમ કન્સટ્રકશન કંપનીએ કોર્પોરેશનના અંદાજ કરતાં 32.77 ટકા વધુ ભાવ ભર્યો, જેમાં કહેવાતા કોમ્પીટીટર એવા રીંગ પૈકીના બીજા નંબરના સૌરભ બિલ્ડર્સએ 35.80 ટકા વધુના ભાવ ભર્યા
- ઉત્તર ઝોનમાં સૌરભ બિલ્ડર્સએ 32.40 ટકા વધુ ભાવ ભર્યો, જેમાં કહેવાતા કોમ્પીટીટર એવા રીંગ પૈકીના ત્રીજા નંબરના શિવાલય ઇન્ફ્રાએ 36 ટકા વધુના ભાવ ભર્યા
- પશ્ચિમ ઝોનમાં શિવાલય ઇન્ફ્રાએ 32 ટકા વધુ ભાવ ભર્યો, જેમાં કહેવાતા કોમ્પીટીટર એવા રીંગ પૈકીના ચોથા નંબરના ગાયત્રી કન્સટ્રકશન કંપનીએ 35.20 ટકા વધુના ભાવ ભર્યા
- પૂર્વ ઝોનમાં ગાયત્રી કન્સટ્રકશન કંપનીએ 32.50 ટકા વધુના ભાવ ભર્યા, જેમાં કહેવાતા કોમ્પીટીટર એવા રીંગ પૈકીના પહેલા નંબરના શિવમ કન્સટ્રકશન કંપનીએ 35.77 ટકા વધુના ભાવ ભર્યા
મહત્વની વાત છે કે, અધિકારી રોડના કોન્ટ્રાકટના ટેન્ડરની શરતો જ એવી રાખે છે. જેમાં આ 4 કે 5 કોન્ટ્રાકટરો જ ફીટ બેસી શકે. વર્ષોથી કોર્પોરેશનમાં રોડના કોન્ટ્રાકટ આ 4 કે 5 કોન્ટ્રાકટરોને જ મળે છે. નવા કોન્ટ્રાકટરો આવી જ નથી શકતા. રોડના કોન્ટ્રાકટરો કોન્ટ્રાકટ મળ્યા બાદ અધિકારી શાસકોને ટકાવારી આપતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
રોડના કોન્ટ્રાકટરો ઝોન અને પ્રોજેક્ટના વાર્ષિક ઇજારામાં કઈ રીતે અલગ અલગ ભાવો ભરે છે તેની વાત કરીએ તો રોડના કામોમાં ઝોનમાં 40 ટકા થી 49 ટકા ઓછામાં ઇજારદારોએ કામ કર્યા છે. કાચા પાકા રોડના ઝોનમાથી થતાં વાર્ષિક ઇજારામાં ઇજારદારોએ પૂર્વ ઝોનમાં 2.50 કરોડની મર્યાદામાં 40.13 ટકા ઓછા, ઉત્તર ઝોનમાં 43.30 ટકા ઓછા, પશ્ચિમ ઝોનમાં 45.76 ટકા ઓછા, દક્ષિણ ઝોનમાં 49.05 ટકા ઓછામાં કામ કર્યું છે. તો હવે સવાલ એ ઊભો થાય છે કે એક સંસ્થામાં, એક જ શહેરમાં પ્રોજેક્ટ અને ઝોનમાં કામ કરવા માટે કોન્ટ્રાકટરોના ભાવોમાં આટલું મોટું અંતર કેમ?
મહત્વની વાત છે કે, આ ચારેય કોન્ટ્રાક્ટરોએ 6 મહિના પૂર્વે આ જ કામોમાં 8.90 ટકા વધુ ભાવ ભર્યા હતા, તો હવે કેમ 27.21 ટકાના વધુના ભાવ ભર્યા તે સવાલ ઉઠવા પામે છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સીટી એન્જિનિયર કોન્ટ્રાક્ટરોના રીંગ કે સિન્ડિકેટની વાત ખોટી અને ઉપજાવી કાઢેલી હોવાનું કહી રહ્યા છે. આ ઉપરાંત ટેન્ડર ઓનલાઇન ભરાતું હોવાથી કોઈપણ ભરી શકે છે તેવું કહી પોતાનો બચાવ કરી રહ્યા છે. વડોદરા પાલિકામાં વર્ષોથી રોડના કામોમાં 4 થી 5 કોન્ટ્રાકટરોનું જ રાજ ચાલે છે, અન્ય કોન્ટ્રાકટર ને ઘૂસવા જ દેવામાં નથી આવતા. ત્યારે રોડ બને કે ન બને પણ પાલિકાના અધિકારી, નેતા અને કોન્ટ્રાકટરો માલામાલ જરૂર બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે