)
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ શહેર ભાજપ એક સાધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ મહિલા મોરચા મહિલાની મહિલાઓએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ મળવા માટે સમય માંગ્યો છે. આ માટે મહિલા મોરચાની 12 મહિલાઓ દ્વારા 6 પાનાનો પત્ર તૈયાર કરાયો છે. જેમાં અનેક આક્ષેપો કરાયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજકોટમાં આવવાના છે. અમિત શાહ પ્રથમ નોરતે રાજકોટમાં સહકારી સંમેલનને સંબોધશે. ત્યારે તે પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ મહિલાઓનું અપમાન કરતા હોવાનો આરોપ મૂકાયો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પોતાની મનમાની ચાલવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ભાજપમાં પોતાના માનીતા નેતાઓને મહત્વના હોદ્દાઓની લહાણી કરવામાં આવતી હોવાનો આરોપ પણ લગાવાયો છે.
શું બન્યુ હતું...
RMCના સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના અપમાનનો મામલો હાલ રાજકોટના રાજકારણમાં ગરમાયો છે. સ્વ. વિજય રૂપાણીના પરિવારે સોમનાથમાં ધજા ચડાવતા સમયે લીલુબેન સોમનાથ જતા વિવાદ સર્જાયો હતો. લીલુબેન જાદવ પોતાની સરકારી કારમાં સોમનાથ જતા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ભાજપના આંતરિક જૂથવાદનો કારણે ટાર્ગેટ કરાયા હોવાનુ ચર્ચાયુ હતું. સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયેલો એક ફોટો વિવાદનું કેન્દ્ર બન્યો છે. મેયર સહિતના અન્ય પદાધિકારીઓને સોમનાથ ધજામાં આમંત્રણ ન આપતા લીલુબેનને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. તો લીલુબેન જાદવ હજુ આગામી દિવસોમાં નવા ધડાકા કરે તેવી શકયતા છે.
રાજકોટના પુનિત નગર વિસ્તારમાં મનપાનો વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કાર્યક્રમ દરમિયાન શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનું મીડિયા સમક્ષ કબૂલાત કરતા ભાવુક થયા હતા. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવામાં આવી રહી છે અને મારી આબરૂ લેવામાં આવી રહી છે. સમય આવીએ હું ખુલીને બધી વાત કરીશ.
ત્યારે લીલુબેન જાદવે બીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે અને મળવા માટે સમય માંગ્યો છે. તેમણે કહ્યું કે, અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યા છે.
RMCના પદાધિકારીઓ આવ્યા વિવાદમાં
શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવે કહ્યું, ચોક્કસ લોકો જ મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા બે ડ્રાઇવરોને કિન્નખોરી રાખી છુટા કરી દેવામાં આવ્યા. મારી છબી ખરડાવવાનો પ્રયાસ અમારા જ નેતાઓ કરી રહ્યા છે. સમય આવ્યે હું ઘણા ખુલાસાઓ કરીશ. તેથી તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખી જાણ કરી છે.
વેદના હોય એ પાર્ટીને કહેવી - રાજકોટ મેયર
તો રાજકોટમાં શાસક ભાજપ પક્ષના નેતા લીલુબેન જાદવના અંસતોષનો મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે, કોઈના ડ્રાઇવર ફાળવણીમાં મારો કોઈ રોલ નથી. તે ફાયર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. લીલુબેન જાદવ મારી પાસે કોઈ રજુઆત કરી નથી. મારા વિરૂદ્ધ પણ ભૂતકાળ ષડયંત્ર થતું હતું. હું થોડા સમય પહેલા પ્રયાગરાજ ગઇ હતી ત્યારે કમિશનરની મંજૂરી લઈ ગઈ હતી. વિવાદમાં મારે કઈ પડવું નથી જે કરે એ ભરે. હું તો મારું કામ સમયસર કરતી જ હોવું છું. જે પણ વેદના હોય તે મને અને પાર્ટીની કહેવી જોઈએ. પ્રશ્ન પૂછી આપ પણ અમને પાડી દેવા માંગા છો.
રાજકોટમાં જુથવાદ છે - વિપક્ષના નેતા
સમગ્ર મામલે રાજકોટ મનપા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ કહ્યું કે, શહેર ભાજપમાં અલગ અલગ જૂથવાદના કારણે મહિલાઓને રડવું પડે છે. આ પહેલા મહિલા મેયરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હવે લીલુબેન જાદવ સાથે અન્યાય થઈ રહ્યો છે. જૂથવાદના ભોગે મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. મેયર સહિત નેતાઓ દબાયેલા છે કાંઈ ખૂલીને બોલી શક્તા નથી. મહિલાઓની મર્યાદા અને સન્માન જળવાતા નથી.
બહેનોનું અપમાન થાય છે ત્યારે બીજા હોદ્દેદારો તમાશો જુએ છે - ગાયત્રીબા
શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ મીડિયા સમક્ષ ભાવુક થયાનું મામલે કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે, ચૂંટાયેલા મહિલાઓનું અપમાન કરવું એ ભાજપ માટે નવાઈની વાત નથી. ભૂતકાળમાં અમદાવાદના ધારાસભ્યએ બહેનોને લાત મારી હતી તેવો વીડિયો વાયરલ થયો હતો. મેયર અને શાસક પક્ષના નેતાનું અપમાન થઈ રહ્યું છે તે શરમની વાત કહેવાય. બહેનોનું અપમાન થાય છે ત્યારે બીજા હોદ્દેદારો તમાશો જોઈ રહ્યા છે. બહેનોના સ્વમાનથી મોટું કંઈના હોવું જોઈએ.