)
Cyber Crime : સુરત સાયબર સેલે સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી પંજાબથી બે અને સુરતથી એક આરોપીને પકડી પાડયો હતો. ભારતના 37 તથા શ્રીલંકા, પાકિસ્તાનના મળી કુલ 40 નાગરિકોને નોકરીના બહાને થાઈલેન્ડ અને ત્યાંથી ચાઇનીઝ ગેંગના ઈશારે ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી સાયબર ગુલામીના દલદલમાં ધકેલી દેવાયા હતા. આ નાગરિકોને કોલ સેન્ટરમાં બંધક બનાવી ડિજિટલ એરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના સાયબર ફ્રોડ કરવા મજબૂર કરાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
યુવાનોને જબરદસ્તી કામ કરાવાતું
સુરત ક્રાઈમ બ્રાન્ચે નોકરીની આશામાં સપનાં જોતા યુવાનોને મ્યાનમાર મોકલી માનવ તસ્કરી કરી રહેલું રેકેટ પકડી પાડાયું છે. સુરત સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળી છે. આ રેકેટમાં યુવાનોને વિદેશ નોકરીના લાલચથી મ્યાનમાર મોકલવામાં આવતા હતા. જ્યાં તેમને ગેરકાયદે સાઇબર ફ્રોડના કોલ સેન્ટરમાં કામ કરાવવામાં આવતું હતું. આ યુવાઓને પગાર USDT – યુએસ ડોલર ટેથર ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવવામાં આવતો હતો, જેને બાદમાં એજન્ટ મારફતે રૂપિયામાં કન્વર્ટ કરાતો. મામલામાં મુખ્ય આરોપી નીરવ સહિત કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અત્યારસુધી તેઓ આશરે 40 જેટલા યુવાઓને ગેરકાયદે રીતે મ્યાનમાર મોકલી ચુક્યા છે. આ યુવાઓને ચાઈનીઝ ગેંગ માટે કામ કરાવવામાં આવતું હતું. મિયાનમાર પહોંચાડવા માટે યુવાઓને પહેલેથી થાઈલેન્ડ લઈ જવાતાં, ત્યાંથી ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવાતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જો કોઈ યુવાન કામ કરવાનું ના માને, તો તેમને ‘ઓલ્ટર ઓપશન’ અપાઈ જતી હતી — એટલે કે એવી પરિસ્થિતિ ઊભી કરાતી કે યુવાન પાસે બીજો કોઈ વિકલ્પ ન રહે. આરોપીઓ સોશિયલ મીડિયા પર નોકરીના ઍડ આપતા અને નોકરી ઇચ્છુકોનો સંપર્ક સાધી તેમને વિદેશ મોકલતા.
સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે, ભારતના નોકરીવાંચ્છુ યુવકોને વિદેશ નોકરીની લાલચ આપી થાઈલેન્ડ, કંબોડિયા, મ્યાનમાર મોકલી સાયબર સ્લેવરીના રેકેટમાં ધકેલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલી રહ્યું છે. ચાઇનીઝ ગેંગ કે માફિયાના ઈશારે ભારતીય યુવકોને ગેરકાયદે કોલ સેન્ટરમાં બેસાડી ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ક્રિપ્ટોમાં રોકાણ સહિતના સાયબર ફોડ માટે ભારતના જ લોકોને કોલ કરવા દબાણ કરાવાતું હતું. જે બાબતે સુરત સાયબર સેલની ટીમે વર્કઆઉટ કર્યુ હતું. પોલીસને બે શંકાસ્પદ મોબાઈલ નંબરો અને વોટ્સએપ ચેટના ડેટા મળ્યા હતા. આ દિશામાં તપાસ કેન્દ્રિત કરતા મોબાઈલ નંબરધારકોનું ચાઈનીઝ ગેંગ સાથે કનેક્શન મળી આવ્યું હતું.
મોબાઈલનું લોકેશન પંજાબ પહોંચ્યું
મોબાઇલ નંબરોનું લોકેશન પંજાબ ખાતે મળતા સાયબર સેલની ટીમ પંજાબ પહોંચી હતી. પંજાબના ઝીરકપુર ખાતે વીઆઈપી રોડ પર પેન્ટા હોમ્સ બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા. જ્યાં પાંચમા માળે ફલેટમાં ઘૂસી પોલીસે નીપેન્દર ઉર્ફે નિરવ લવકુશ ચૌધરી અને પ્રીત રસિક કમાણીને પકડી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી લેપટોપ, ૨ મોબાઇલ, ૨ આઈફોન મળી કુલ રૂપિયા ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાયબર સેલ દ્વારા સુરતથી આશિષ રાણા નામના વિઝા એજન્ટની પણ ધરપકડ કરાઈ હતી.
સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં એચઆર મેનેજર હોવાનું ખુલ્યું હતું. નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર, એન્ઝો, કૂણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ વિમ કુંપેંગ એલીંગ, શશાંક, સ્ટ્રોંગ એમ ૧૧ સાગરીતોના નામ લખાવ્યા હતા. જે તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ અપાતી હતી. ઊંચા પગારે નોકરીનો ઝાંસો આપી ભારતના 37 તથા શ્રીલંકાના 2, પાકિસ્તાનના 1 એમ કુલ 35 જણાને થાઇલેન્ડ મોકલી ચાઈનીઝ માફિયાઓ મારફતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા.
ચાઇનીઝ ગેંગ સંચાલિત ગેરકાયદે કોલ સેન્ટરમાં બંધક બનાવી ભારત તથા અન્ય દેશના નાગરિકોને ઓનલાઇન છેતરપિંડી કહો કે સાયબર કાઇમ માટે કોલ કરવા દબાણ કરાવાતું હતું. ચાઈનીઝ ગેંગ નીરવને એક વ્યક્તિ દીઠ એજન્ટો મારફતે ૩૦૦૦ યુએસડીટી (રૂપિયા 3 લાખ) ટ્રસ્ટ વોલેટમા આપતા હતા.
રાજકોટના પ્રીત કમાણીએ પૂછપરછમાં જણાવ્યું કે, પોતે વિવેક ભાતુ મારફતે ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ ગયો હતો. જ્યાં એલેક્ષ નામના યુવકે અન્ય સાગરીતો સાથે મળી થાઇલેન્ડમાં નદી ક્રોસ કરાવી મ્યાનમાર KK3 નામની ચાઇનીઝ કંપનીમાં લઇ ગયા હતા. અહીં અલગ-અલગ દેશના લોકોને કોલ કરી રોકાણની સ્કીમના નામે સાયબર ફ્રોડના ગુના આચરવાની કામગીરી સોંપાઈ હતી. અંગ્રેજી બોલવામાં તકલીફ પડતા પ્રીતે રાજીનામું આપી દીધું હતું. જેના બદલામાં અન્ય એક માણસ અથવા તો 4 હજાર ડોલર (૩.૫૦ લાખ રૂપિયા) આપવાની શરત મુકાતા પ્રીતે હરિયાણાના રજનીશ બન્નાને નોકરી માટે મ્યાનમાર બોલાવી પાકિસ્તાની એજન્ટ એલેક્ષ સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે પ્રીતની મુલાકાત નીરવ ચૌધરી અને દિલ્હીના કુણાલ સાથે થઇ હતી. નીરવ ઉર્ફે નિપેન્દરે પ્રીતને જણાવ્યું કે, મ્યાનમારમાં ચાઇનીઝ કંપનીના અલગ-અલગ કોલ સેન્ટરો ચાલે છે. ભારતના લોકોને મ્યાનમાર માટે તૈયાર કરશે તો વ્યક્તિ દીઠ ૪૦-૫૦ કમિશન આપવામાં આવશે એવી ઓફર પણ કરી હતી
વધુ માહિતી આપતા સાયબર ક્રાઈમના ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, રાજકોટના પ્રીતે આશિષ રાણા સહિતના એજન્ટો સાથે મળી ગુજરાત તથા અન્ય રાજ્યોની ૮ વ્યક્તિને ચાઇનીઝ એજન્ટો મારફતે ઓનલાઇન ઈન્ટરવ્યુ કરાવી નોકરીના નામે થાઇલેન્ડ મોકલી આપ્યા હતા. થાઇલેન્ડથી તેઓને મળતિયા એજન્ટો થકી ગેરકાયદે બોર્ડર કોસ કરાવી મ્યાનમાર મોકલો ચાઇનીઝ ગેંગે અટકાયત કરી કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ માટે મજબુર કર્યા હતા. સાયબર સેલે પ્રીતની પુછપરછના આધારે વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાની પણ ધરપડ કરી હતી. આશિષને કમિશન પેટે પ્રીતે 30 હજાર રૂપિયા ચુકવ્યા હતા. તેને પ્રીત કમાણીના ઇશારે 3 વ્યક્તિને થાઇલેન્ડ થઇ મ્યાનમાર મોકલ્યા હતા.