તમારું આધાર કાર્ડ નકલી તો નથીને? મસમોટું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા છેતરપિંડી

તમારું આધાર કાર્ડ નકલી તો નથીને? મસમોટું કૌભાંડ ઝડપાયું, આ રીતે કરતા છેતરપિંડી
  • કોર્પોરેટરના નકલી સહી સિક્કા અને સ્ટેમ્પ પણ મળી આવ્યા છે

ઉદય રંજન/અમદાવાદ : બનાવટી આધારકાર્ડ અને આવકના દાખલા બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. સરકારી અનાજની દુકાનમાં ચાલતો હતો આ ગોરખધંધો. આ કૌભાંડમાં સંડોવાયેલા એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી પાસેથી પૂર્વ કોર્પોરેટરોના સહી કરેલા લેટરપેડ પણ મળી આવ્યા છે. જે અંગે કોર્પોરેટરોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. 

અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પટેલ મિલ પાસે સરકારી અનાજની દુકાનમાં બનાવાતા બનાવટી આધાર કાર્ડનો પર્દાફાશ થયો છે. પોલીસની કસ્ટડીમાં રહેલા વસીમ મનસૂરી, ઇબ્રાહિમ મનસૂરી છે. બંને આરોપીઓ તેમની સાથે 17 વર્ષના સગીરને રાખી બનાવટી આધાર કાર્ડ અને આવકના દાખલા બનાવતા હતા. જે અંગે ડીસીપી ઝોન પાંચ સ્ક્વોડને બાતમી મળતા દુકાન પર રેડ કરવામાં આવી. આરોપીને 500 રૂપિયાથી લઈ હજાર રૂપિયામાં આધાર કાર્ડ બનાવતા ઝડપી લેવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી તપાસ કરતા એક લેપટોપ, થમ્બ પ્લેટો, લેમિનેશન મશીન, રાઉટર, પ્રિન્ટર, 15 આધાર કાર્ડ, ત્રણ રેશનીંગ કાર્ડ, આઠ આવકના દાખલા, પાંચ સ્ટેમ્પ અને બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ફોર્મ ઉપરાંત કોર્પોરેટર ઝુલ્ફી ખાન પઠાણની સહી કરેલા ફોર્મ મળી આવ્યા છે. સાથે શહેરકોટડા ઝોનનો એક સિક્કો કબજે કરવામાં આવ્યો છે. આ તમામ દસ્તાવેજો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જે કોર્પોરેટરોના નામના દસ્તાવેજો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

બનાવટી દસ્તાવેજ બનાવવા અને બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરતી આ ગેંગ ઝડપાઈ તો ગઈ છે. પરંતુ તેમની પુછપરછમા શું નવા ખુલાસા થાય છે. તે જોવુ મહત્ત્વનુ છે. ઉપરાંત આ ગુનામાં કોર્પોરેટર કે પછી સરકારી કર્મચારીની ખંડણી સામે આવે છે કે કેમ અને પોલીસ તપાસમાં શું નવી હકીકત ખુલે છે તે જ મહત્ત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news