)
Surat News : સુરત કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. સુરતના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર મહારાજને 10 વર્ષની સજાનો હુકમ કરાયો છે. સાથે જ તેમને 25 હજારનો દંડ પણ ફટાકારાયો છે.
વર્ષ 2017માં અઠવા પોલીસ ચોપડે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે ચુકાદો આપ્યો છે. વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ કેસમાં જૈન મુનિ શાંતિસાગર મહારાજને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા સંભળાવાઈ છે. જૈન મુનિ ૨ વર્ષ હજી જેલવાસ ભોગવશે. કારણ કે, જૈન મુનિ 8 વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે. સાથે જ જૈન મુનિને ૨૫૦૦૦ હજારનો દંડ પણ ફટકારાયો છે.
આ ચુકાદા વિશે સરકારી વકીલ નયના સુખડવાળાએ જણાવ્યું કે, પીડિતાને કમ્પોઝિશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો છે. આરોપીને વધુથી વધુ સજા થાય તે માટે ચુકાદાનો અભ્યાસ કરી હાઇકોર્ટમાં જવાની સરકાર પક્ષની તૈયારી છે. ઉપરાંત આરોપી વર્ષ 2017 થી દુષ્કર્મ કેસમાં જેલવાસ હેઠળ છે. દસ વર્ષની સજા પૈકી આઠ વર્ષ જેટલો સમય આરોપી જેલમાં ભોગવી ચૂક્યો છે. જેથી આરોપીએ બે વર્ષની સજા ભોગવવી પડશે.
આરોપી 27 વર્ષથી સાધુ જીવન ભોગવી આવ્યો છે, જેથી ઓછી સજા કરવા બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી. જે દલીલનો સરકાર પક્ષ અને ફરિયાદી પક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરી વિરોધ કરવામાં આવ્યો હતી. બંને પક્ષના દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
ગઈકાલે દોષિત જાહેર કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલા જૈન ઉપાશ્રયના શાંતિ સાગરજી જૈન મુનિ વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસમાં સુરત નામદાર કોર્ટ દ્વારા ગઈકાલે ચુકાદો સંભાળવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં જૈન મુનિને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં આજે નામદાર કોર્ટ જૈન મુનિને સજા સંભળાવી હતી.
તાંત્રિક વિધિના નામે આચર્યું દુષ્કર્મ
વર્ષ 2017માં વડોદરાની પીડિતાએ અઠવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર વર્ષ 2017માં પીડિતા અને તેણીનો પરિવાર જૈન મુનિના સંપર્કમાં આવ્યો હતો. જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માએ પીડિતા અને તેણીના પરિવારને વડોદરાથી સુરત બોલાવ્યો હતો. સુરત બોલાવી નાનપુરા ખાતે આવેલા જૈન ઉપાશ્રયમાં તાંત્રિક વિધિ કરવાની છે તેમ કહી અલગ અલગ રૂમમાં બેસાડ્યા હતા. રૂમમાં બેસાડ્યા બાદ તાંત્રિક વિધિના બહાને પીડિતાને અલગ રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં પીડિતાએ હિંમત દાખવી સમગ્ર બાબત માતા-પિતાને જાણ કરી હતી. જો કે, પરિવાર જૈન મુનિને ગુરુ માનતા હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં પણ પાછા પાણી કરી હતી. પરંતુ તેમ છતાં પીડિતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવી હતી અને સુરતના અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.