)
હિંમાશું ભટ્ટ/મોરબી: જલેબીને ભજીયાનો મેળો આ સાંભળીને જ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે પરંતુ આ વાત સો ટકા સાચી છે. મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં મહાઆરતી પછી ભગતોને જલેબી અને ભજીયાનો પ્રસાદ દેવામાં આવે છે એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જોડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા અને વાંકાનેર વસ્યું તેમાં નાગાબાવાના આશીર્વાદ છે.
એવું પણ કહેવામાં આવે છે કે વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા. એક દિવસ ધાંગધ્રા સ્ટેટના ૧૫૧ ઘોડેસવારો સાથે રાજકુમાર આવેલ અને તેમની કુટિરમાં આશરો લીધેલ ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડેલ અને પાણી પીવા માટે ચીપીયાનો ઘા કરેલ જ્યાં ચીપીયો પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બનેલ અને બધાએ ત્યાંથી પાણી પીધું આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે. અને પોરાણિક મેળો હોવાથી ન માત્ર મોરબી કે વાંકાનેરના જ લોકો પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી ભજીયાનો મેળો માણવા માટે વાંકાનેર આવે છે.
વષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી તે જગ્યાએ જ હાલમાં નાગાબાવાનું મંદિર આવેલ છે અને તે મંદિરના લાભાર્થે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકો ત્યાં ભગવાનના દર્શન કરવાની સાથોસાથ મેળાની મજા પણ માણે છે લોકોના કહેવા મુજબ ગઢિયા ડુંગરમાં પૂર્ણ કુટીર પાસે એક મસાણીયો વડ હતો લોકો આ વડ ની બાજુમાં ચિત્તા જલાવતા હતા એક દિવસ કોઈ સ્ત્રી મરણ જતાં લોકો ત્યાં અગ્નિદાહ દેવા માટે આવેલ પરંતુ વરસાદ વધુ હોવાથી ચિતા પ્રગટે તેમ ન હોય લોકો તે સ્ત્રીની લાશ ને વરસાદ રહ્યા બાદ અગ્નિદાહ આપશે તેમ નક્કી કરી વડ પર લાસ બાંધી ઘેર જતા રહેલ. રાત્રે રસોઈ ચાર વ્યક્તિઓની બનેલ જોઈ શાહબાવા એ કહ્યું કે કુટિરમાં તો આપણે ત્રણ જ વ્યક્તિ છીએ અને રસોઈ ચાર વ્યક્તિની બનેલ છે માટે અહીં કોઈ વ્યક્તિ હોવું જોઈએ ત્યારે પોતાની દિવ્યશક્તિથી જોઈ તે સ્ત્રીની લાશને પોતાની કુટીર પર લાવે છે અને શાહબાવા, નાગાબાવા અને વનમાળીદાસે હાથમાં પાણીની અંજલિ ભરી પોતાની સિધ્ધશક્તિથી તે સ્ત્રીને જીવીત કરી બ્રહ્મભોજન કરાવી તેના ઘરે મૂકી આવ્યા.
વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ જોડાયેલો હોવાથી નાગાબાવાએ નોમના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી તે દિવસે તે સમયથી દર વર્ષે વાંકાનેર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ હજારો લોકો મંદિરે ભજીયા અને જલેબીનો પ્રસાદ લેવા માટે આવે છે જેના પાછળનું મુખ્ય કારણએ છે કે, નાગાબાવાએ તે સમયે રાજાને કોલ આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે માટે વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાનો લાભ લેતા જ હોય છે