)
અલકેશ રાવ/બનાસકાંઠા: પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઇ હતી જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યાર બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે 182 ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માંગશુ અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું.
સમાજમાં અનેક યુવતીઓ માં-બાપની મંજૂરી વગર ભાગીને લગ્ન કરી લેતી હોય છે ત્યાર બાદ માતા-પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરતી હોય છે તો બીજી તરફ મૈત્રી કરારના કાયદાને લઈને અનેક પરણિત મહિલાઓ પણ પોતાના સંતાનોને છોડીને અન્ય પુરુષ જોડે જતી રહે છે આવા અનેક કિસ્સાઓના કારણે અનેક પરિવારની ઈજ્જત ખરાબ થઈ રહી છે તો અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે તો અનેક માતા-પિતાને સમાજમાં નીચું જોવાનો વારો આવી રહ્યો છે. જોકે નદાનીમાં અનેક યુવતીઓ ભરમાઈને પ્રેમ લગ્ન કરીને પોતાની જિંદગી ખરાબ કરતી હોવાથી ગુજરાત રાજ્યના નાગરિકોના હિત, સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે આજે દિયોદરના સણાદર ગામના અંબાજી માતાના મંદિરમાં દિયોદર,કાંકરેજ,લાખણી,વાવ,ડીસા સહિતના સર્વ સમાજના અનેક આગેવાનોએ એક બેઠક યોજી હતી.
હાલ અમલમાં રહેલા પ્રેમલગ્ન કાયદામાં સુધારા કરવા તથા મૈત્રીકરણના કાયદો તાત્કાલિક રદ કરવા માટે તેમજ લગ્ન માટે 30 વર્ષની વય સુધી છોકરો-છોકરીએ માતા-પિતાની ફરજિયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે તે સહિત પ્રેમલગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય, તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે અને તે સમયે સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ હોવી ફરજિયાત કરવામાં આવે અને જો 30 વર્ષ પછી કોઈ પ્રેમલગ્ન કરે, તો છોકરાએ છોકરીના માતા-પિતાના નામે રૂ. 10 લાખની FD ફરજિયાત કરાવવી સહીતની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ કરવાનો નિર્ણય કરાયો હતો અને તે બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે 182 ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માંગશુ અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી