કોંગ્રેસમાંથી BJPમાં આવેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીપદના લીધા શપથ, 3 નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા અને આજે તો તેમણે કેબિનેટ મંત્રીપદના શપથ પણ લીધા. જવાહર ચાવડાએ 12.39ના વિજય મુહૂર્તમાં કેબિનેટ મંત્રીપદના શપથ લીધા.

Updated By: Mar 9, 2019, 01:28 PM IST
કોંગ્રેસમાંથી BJPમાં આવેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીપદના લીધા શપથ, 3 નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ

બ્રિજેશ દોશી, હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીની હજી તો તારીખો જાહેર પણ નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા અને આજે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ આજે બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કેબિનેટ મંત્રી તરીકે શ્રી જવાહરભાઇ પેથલજી ચાવડા અને રાજય કક્ષાના મંત્રી તરીકે શ્રી યોગેશભાઇ નારાયણભાઇ પટેલ અને શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલ વડોદરા અને ધર્મેન્દ્ર સિંહ જાડેજા જામનગરના છે. 

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ તથા મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાા હતા. શપથવિધિ સમારોહમાં નવા બનેલા મંત્રીઓના પરિવારજનો અને ટેકેદારો પણ હાજર રહ્યા હતાં. 

કોંગ્રેસને જ સમર્થન, સત્તા વગર રહી શકું પરંતુ સન્માન વગર નહીં-અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા

જવાહર ચાવડા અંગે શું કહ્યું કોંગ્રેસે?
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શુક્રવારે વડોદરા ખાતે કોંગ્રેસ કાર્યલય પર પહોચ્યાં હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ચાવડા પોતાના અંગત ફાયદાઓ જોઇએ ભાજપમાં ગયા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટ્રાચારી પાર્ટી છે. અને ભાજપ માટે અગાણી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 સીટોના ઉમેદવારો નથી તેથી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં જોડી રહ્યા છે. 

તથા એમણે એવો દાવો પણ કર્યો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટોમાંથી કોંગ્રેસ 20 સીટો પર વિજય મેળવશે. તથા ભાજપ લોકસભાની ચૂંટણીમાં જુઠ્ઠાણને આધારે રમશે તેવું પણ કહ્યું હતું. ભાજપ પર પ્રહાર કરતા વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ દબાણની રાજનીતિ કરી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સેનાનું આદર કરવાને બદલે રાજકારણ રમી રહી છે. એર સ્ટ્રાઇક પર સાવલ ઉઠાવતા તેમણે કહ્યું કે, સેનાએ એરફોર્સની એર સ્ટ્રાઇકમાં કેટલા આંતકીઓ માર્યા તે અંગે ખુલાસો કરવો જોઇએ. ભરતસિંહ સોલંકીએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને યુપીએની સરકારમાં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ દેખાડ્યો હતો. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...