)
નિલેશ જોશી/વાપી: ઘોડિયામાં અને માતાના ખોળામાં રમવાની ઉંમરે વાપીની એક નાનકડી બાળકી જીશા ચૌહાણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર દોઢ વર્ષની ઉંમરે જીશાએ A થી Z સુધીના શબ્દોના અર્થ ફક્ત 39 સેકન્ડમાં સમજાવીને વિશ્વ રેકોર્ડ તોડી જીશા ચૌહાણે વાપી શહેરનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું.અગાઉનો રેકોર્ડ પણ વાપીના જ કૃશિવ રોહિત ભાનુશાલી નામના એક બાળકના નામે હતો જેણે 1 એક મિનિટ 4 સેકન્ડમાં રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડને જીશાએ પાછળ છોડી નવો રેકોર્ડ બનાવ્યો છે.
જીશાના પિતા આશિષ ચૌહાણ ઇજનેર છે. અને માતા ડોક્ટર છે .. માતા પિતા અને પરીવાર ના મતે જીશા ની સમજ અને ગ્રહણ શક્તિ અદભુત છે.. તેઓએ દીકરીની આ અદભૂત ગ્રહણ શક્તિ ઓળખીને માત્ર 39 સેકન્ડમાં આજે એ થી ઝેડ સુધીના શબ્દોનો અર્થ સમજાવતી જીશા નો વિડિઓ રેકોર્ડ કર્યો હતો અને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સને મોકલ્યો હતો.. જે મંજુર થતાં સંસ્થા દ્વારા જીશાને પ્રમાણપત્ર અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી.
નાનકડી ઉંમરે જીશાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરતા પરિવારજનોએ ગર્વ અને આનંદ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જીશાના માતાના જણાવ્યા મુજબ ગર્ભ સંસ્કાર નું વિશેષ મહત્વ હોય છે .જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જો સારા પુસ્તકો અને સારા વિચાર કરવામાં આવે તો આવનાર બાળકમાં પણ સારા સંસ્કારોનું સિંચન થાય છે.
કહેવાય છે કે નની ઉંમરે જ બાળકોની પ્રતિભા નો પરચો થતો હોય છે .બાળક ઘોડિયામાં હોય ત્યારથી જ તેના ઉછેર વ્યવસ્થિત કરવામાં આવે અને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળકની પ્રતિભા ખીલે છે. એવી જ રીતે વાપીની આ જીશાએ પણ ઘોડિયામાં રમવાની ઉંમરે રેકોર્ડ સર્જી અને પરિવારનું નામ તો રોશન કર્યું છે, પરંતુ અન્ય માતા-પિતાઓને પણ આનાથી પ્રેરણા મળી રહી છે.