)
Junagadh BJP News : જુનાગઢના રાજકારણમાં મોટી નવાજૂનીના ભણકારા વાગી રહ્યાં છે. કારણ કે, ભાજપના દિગ્ગજ નેતા જીવા મારડિયા AAPમાં જોડાયા છે. માણાવદરમાં 'ગુજરાત જોડો' કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ 'વિસાવદર વાળી'ના સંકેતો આપ્યા. ચોંકાવનારી બાબત એ છે કે, બંને નેતાઓ ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા નેતા જવાહર ચાવડાના ટેકેદાર હતા.
માણાવદરના રાજકારણમાં નવાજૂની
માણવાવદરમાં જવાહર ચાવડાના ટેકેદાર જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા છે. ગત રોજ માણાવદર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
ઈટાલિયાનો જીવાભાઈને આવકાર
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ જનસભામાં સંબોધન કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં માણાવદરમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને ઉર્જા સાથે જોડાયા છે. માણાવદર પંથકના કદાવર આગેવાન અને સામાજિક નેતા જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે, જેનું પાર્ટી સ્વાગત કરે છે. છેલ્લા 30 વર્ષથી ભાજપે ગુજરાતના ગામડા, ખેડૂતો અને યુવાનોનું નુકસાન કર્યું છે. જનતા હવે એક નવા રાજકીય વિકલ્પની શોધમાં હતી, જેમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે.
જીવા મરડિયાના પુત્રવધુ હાલ જિલ્લા પંચાયતના સક્રિય સભ્ય છે. આમ, એક જ પરિવારમાંથી પુત્રવધુ ભાજપમાં અને સસરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જવાહર ચાવડાની ચર્ચાએ વેગ પકડ્યો
એક તરફ જવાહર ચાવડા ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા છે. તો બીજી તરફ, ગોપાલ ઈટાલિયાએ વિસાવદરની જીત પર જવાહર ચાવડાની જય બોલાની એક કાંકરે બે પક્ષી માર્યા હતા. આ બાદ જવાહર ચાવડાના ભાજપ છોડવાની વાતો વહેતી થઈ હતી. આ વચ્ચે તેમના ટેકેદાર પોતાના સમર્થકો સાથે આપમાં જોડાતા હવે જવાહર ચાવડાના આપમાં જોડાવાના સંકેત તરફ ઈશારો કરી રહ્યું છે. ત્યારે હવે માણાવદરના રાજકારણમાં જલ્દી જ નવાજૂની થાય તો નવાઈ ન કહેવાય. એમ પણ હાલ પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. આવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ગુજરાત જોડો અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જેમાં રોજ અનેક લોકો જોડાઈ રહી છે. ત્યારે હવે આ મોસમમા જવાહર ચાવડા ક્યાંક સામા પ્રવાહે વહીને જતા રહે તો નવાઈ ન કહેવાય. એમ પણ તેઓ હાલ ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી ખુલીને બતાવી રહ્યાં છે.
ઈટાલિયાની જીતથી આપમા પ્રાણ પૂરાયો
બીજી તરફ ગોપાલ ઈટાલિયાની જીતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સજીવન થઈ છે. આ કારણે લોકોનો ભરોસો પાર્ટી તરફ વધ્યો છે. હાલમાં જ આણંદમાં કોંગ્રેસના 150 થી વધુ કાર્યકર્તાઓ અમિત ચાવડાની નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયાની સક્રિયતાને કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે ખરી તે તો સમય અને રાજકારણનો પવન બચાવશે.