)
Junagadh News અશોક બારોટ/જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખંભાળીયા (ઓઝત) ગામે અનુસૂચિત જાતિના યુવક સાગર મનજીભાઈ મકવાણાને દાઢી-મૂછ રાખવાને લઈને અપમાનિત કરી, મારમારવામાં આવ્યો. આ ઘટનામાં યુવકના સસરા જીવણભાઈને પણ આરોપીઓએ માર માર્યો. બંને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. વિસાવદર પોલીસે ચાર આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના રહેવાસી સાગર મકવાણા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે ગત 11 ઓગસ્ટે પોતાનું બગડેલું મોટરસાયકલ રિપેર કરાવવા ખંભાળીયા (ઓઝત) ગામે ગયા હતા. ગેરેજ બંધ હોવાથી તેઓ પાન-મસાલો ખાઈ પરત ફરી રહ્યા હતા. સાંજે લગભગ 7:15 વાગ્યે વાજળી ગામના રેલવે પુલ પાસે નવી ચાવંડના શૈલેષ જેબલીયાએ તેમને રોક્યા અને દાઢી-મૂછ રાખવા બાબતે અપશબ્દો બોલી, જ્ઞાતિવાદી અપમાન કર્યું.
સાગરે પોતાના સસરા જીવણભાઈને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા. આ દરમિયાન, શૈલેષ જેબલીયા સાથે લાલો ભૂપત કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સિલ્વર કલરની I-20 ગાડીમાં આવ્યા. તેમણે સાગર અને જીવણભાઈને જ્ઞાતિવાદી ગાળો બોલી, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો. આરોપીઓએ ગાડીના પાના વડે સાગરને માર માર્યો, જ્યારે જીવણભાઈને મોઢા, માથા અને કાન પર મુક્કા-થપ્પડો મારી નીચે પાડી દીધા. ઘટનાસ્થળે સાગરનો સાળો હાર્દિક અને ગામના અન્ય લોકો ભેગા થયા, જેથી આરોપીઓ ધમકી આપી ગાડીમાં બેસી ખંભાળીયા તરફ ભાગી ગયા.
આ મુદ્દે ASP રોહિત કુમાર ડગરે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં અનુસૂચિત જાતિના યુવક અને તેના સસરા પર જ્ઞાતિવાદી અપમાન સાથે મારપીટનો મામલો નોંધાયો છે. વિસાવદર પોલીસે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ ફરાર છે, અને તેમને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી છે."
ઈજાગ્રસ્ત સાગર અને જીવણભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અને બંને ભાનમાં છે. આ ઘટનાએ જ્ઞાતિવાદી માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિસાવદર પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.