)
Junagagh News અશોક બારોટ/જુનાગઢ : જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, જીવાત, ઈયળ અને તૂટેલી સુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલો દબાવવા માટે સ્થાનિક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યો અને મીડિયાને અટકાવ્યું હતું. જોકે, વિદ્યાર્થીનીઓએ હોબાળો કરતાં મીડિયા અંદર પહોંચ્યું હતું
સડેલું શાક અને સાવરણાની સળીઓ ભોજનમાં મળે છે
છાત્રાલયમાં ચાલતી લોલમલોલની પોલ ખોલતા વિદ્યાર્થીની મોનિકા રાઠોડએ મીડિયા ને જણાવ્યું કે, તેમને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અતિ ખરાબ છે. શાકમાં જીવાતો, ઈયળ અને સંભારામાં સાવરણાની સળીઓ નીકળે છે. હોસ્ટેલના મેનુનું પાલન થતું નથી, વારંવાર માત્ર બટેટાનું શાક અને કાચી રોટલી જ અપાય છે
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે આ ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેના હોસ્પિટલના રિપોર્ટ્સ ફૂડ પોઈઝનિંગ તરફ ઈશારો કરે છે. 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેઓ અહીં આંદોલન કરવા નહીં, પણ ભણવા આવ્યા છે, પણ ખરાબ રસોઈના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે
વિદ્યાર્થીની પ્રતીક્ષાબેન રાઠોડએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી અહીં કોઈ સુવિધા આપવામાં આવતી નથી. રૂમમાં બેડશીટ નથી, શૌચાલયોની દીવાલોના પોપડા પડી રહ્યા છે અને છતમાંથી પાણી ટપકતું હોવાથી ચોમાસામાં અતિશય મુશ્કેલી પડે છે.
વિદ્યાર્થીનીઓના કહ્યા મુજબ, ગત 9 નવેમ્બરના રોજ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા હોસ્ટેલની મુલાકાતે આવ્યા ત્યારે માત્ર ફોટો સેશન માટે જ અધિકારીઓ હાજર રહ્યા હતા. રસોયાઓએ ગ્લોવ્ઝ અને ટોપી પહેર્યા હતા, જે 365 દિવસ પહેરતા નથી. વિદ્યાર્થીનીઓએ મંત્રીને કહ્યું હતું કે હાલ જે જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, આડા દિવસે આવો તો ખ્યાલ આવે
વિદ્યાર્થીનીઓએ જ્યારે આજે મીડિયાને બોલાવ્યું ત્યારે વોર્ડન દ્વારા ધમકી અપાઈ કે "જેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, તેના એડમિશન રદ કરી નાખવામાં આવશે." આ ઉપરાંત, સમાજના નામે આવેલા કોર્પોરેટરોએ પણ મુદ્દો દબાવવા પ્રયાસ કર્યો, જેને કારણે હોબાળો મચ્યો હતો
આ ગંભીર આક્ષેપો બાદ સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક બચાવ પક્ષ રજૂ કર્યો હતો. ચેતન પવારે સ્વીકાર્યું હતું કે જમવાની ગુણવત્તા નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે.તેમણે ખાતરી આપી કે અન્ય પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. સૌથી મહત્ત્વનું, તેમણે જણાવ્યું કે વોર્ડન અને રસોયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને જો યોગ્ય જણાશે, તો વોર્ડનને બદલી નાખવામાં આવશે
વિદ્યાર્થીનીઓના આક્રોશ અને અધિકારીઓની ખાતરી વચ્ચે હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવે છે.