ગુજરાતના સિંહો માટે સ્વર્ગ સમાન છે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ

Updated By: Feb 17, 2021, 07:42 AM IST
ગુજરાતના સિંહો માટે સ્વર્ગ સમાન છે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ
  • જૂનાગઢનું સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણી સંગ્રહાલય, પરંતુ સિંહ સંવર્ધન માટે પણ પ્રખ્યાત
  • છેલ્લા પાંચ વર્ષમાં 45 સિંહો દેશ વિદેશમાં મોકલાયા, પ્રાણીઓ માટેનું અનાથાલય પણ છે સક્કરબાગ ઝૂ

સાગર ઠાકર/જુનાગઢ :અસ્મિતા ગણાતા સિંહને સાચવવામાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. જૂનાગઢનું સક્કરબાગ ઝૂ વિશ્વનું પ્રથમ સિંહ સંવર્ધન કેન્દ્ર બન્યું છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં  એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ 45 સિંહને દેશ-વિદેશમાં મોકલવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂમાંથી 5 વર્ષમાં દેશ-વિદેશના 28 પ્રાણી સંગ્રહાલયોમાં 18 નર અને 27 માદા સિંહને મોકલવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂમાં સિંહોના સંવર્ધન માટે અલાયદી સુવિધા ઉભી કરવામા આવી છે. જેમાં હોસ્પિટલ, કેબ અને નર્સરી જેવી સુવિધા ઉભી કરી છે. જેથી સિંહોને યોગ્ય વાતાવરણ મળી રહે છે. જેના પરિણામે સિંહોની સંખ્યા દિન પ્રતિદિન જૂનાગઢમાં વધી રહી છે. જેથી સિંહના સંરક્ષણમાં પણ હવે જૂનાગઢ પ્રથમ સ્થાને છે.

જૂનાગઢનું સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણી સંગ્રહાલય છે, પરંતુ સિંહ સંવર્ધન માટે પણ પ્રખ્યાત બન્યું છે. જૂનાગઢનું સક્કરબાગ ઝૂ વિશ્વમાં એકમાત્ર સિંહોના સંવર્ધનનું કેન્દ્ર છે. જ્યાંથી છેલ્લા પાંચ વર્ષમાં 45 સિંહોને દેશ વિદેશમાં મોકલવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂ પ્રાણી સંગ્રહાલય, સિંહ સંવર્ધન કેન્દ્ર ઉપરાંત પ્રાણીઓ માટેનું અનાથાલય પણ છે. જ્યાં તરછોડાયેલા પ્રાણીઓની સંભાળ લેવામાં આવે છે. જુનાગઢના નવાબીકાળના ઐતિહાસિક સક્કરબાગ ઝૂની દોઢસો વર્ષ અગાઉ ઈ.સ. 1863 માં સ્થાપના થઈ હતી. ગીરના જંગલમાં એશિયાટીક સિંહોનો વસવાટ અને સિંહો જૂનાગઢની ઓળખ સમાન છે. એક સમયે સિંહોની વસ્તી માત્ર બે આંકડામાં સિમિત થઈ ગઈ હતી, ત્યારે સિંહ સંવર્ધન શરૂ થયું અને આજે સક્કરબાગ ઝૂ ન માત્ર પ્રાણીસંગ્રહાલય, પરંતુ સિંહ માટે વિશ્વનું એક માત્ર સંવર્ધન કેન્દ્ર બન્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અહીં સિંહ સંવર્ધન માટે વિશેષ સવલતો ઉભી કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ અને કબ નર્સરીનો સમાવેશ થાય છે. જંગલમાં ઈન્ફાઈટમાં ઈજાગ્રસ્ત થયેલા અથવા વૃદ્ધ હોય તેવા સિંહોને અહીં રાખવામાં આવે છે.

આ વિશે સક્કરબાગ ઝૂના રેન્જ ઓફિસર નીરવકુમાર જણાવે છે કે, સિંહોનું સરેરાશ આયુષ્ય 12 થી 14 વર્ષનું હોય છે. સંવર્ધનના પરિણામે આજે સક્કરબાગ ઝૂમાં ધીર નામનો એક સિંહ છે ,જેની ઉંમર અંદાજે 19 વર્ષની છે. આ ધીર નામના સિંહ માટે ઝૂમાં અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિંહ તેના સરેરાશ આયુષ્ય કરતાં વધારે જીવન વ્યતિત કરે તે પણ સંવર્ધનની એક સિદ્ધી છે.

જંગલમાં સિંહણ જ્યારે બચ્ચાંને જન્મ આપે છે, ત્યારે તે એકાંત શોધે છે, સક્કરબાગ ઝૂ માં જ્યારે કોઈ સિંહણ બચ્ચાને જન્મ આપવાની હોય ત્યારે તેના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાય છે અને ત્યાં કોઈપણ વ્યક્તિની અવર જવર ન થાય તે માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

તો ઝૂના વેટરનરી ડોક્ટર ડો. રિયાઝ કડીવારનું કહેવુ છે કે, વન્ય જગતમાં એવું ઘણી વખત બને છે કે સિંહણ બચ્ચાંને જન્મ આપીને તરછોડી દે છે, આવા સિંહના બચ્ચાંના ઉછેર માટે સક્કરબાગ ઝૂમાં કબ નર્સરી બનાવાઈ છે. જેમાં સિંહ બાળનો ઉછેર કરવામાં આવે છે અને જ્યારે તે જંગલમાં છોડવા યોગ્ય થાય ત્યારે તેને જંગલમાં છોડવામાં આવે છે. એવું જ નથી કે સિંહણ દ્વારા તરછોડાયેલા બચ્ચાંને જ અહીં સચવાય છે, કોઈપણ પ્રાણી દ્વારા તેના બચ્ચાંને તરછોડવામા આવે તો વન વિભાગ દ્વારા તેને સક્કરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેનો યોગ્ય ઉછેર કરવામાં આવે છે. આમ સક્કરબાગ ઝૂ પ્રાણીઓ માટેનું અનાથાલય છે તેમ કહીએ તો પણ ખોટું નથી...

લોકોમાં વન્ય પ્રાણીઓને લઈને જાગૃતિ આવે અને વન્ય જીવ સૃષ્ટિ વિષે લોકો માહિતગાર થાય તે હેતુ પ્રાણી સંગ્રહાલયો બનાવવામાં આવે છે. જેમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણનો પણ ઉદ્દેશ્ય છે, ત્યારે દરેક પ્રાણી સંગ્રહાલયમાં શક્ય તેટલા વધુ પશુ પક્ષીઓ લોકોને જોવા મળે તે હેતુ કેન્દ્ર સરકાર દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ ચલાવવામા આવે છે. જેમાં પ્રાણી સંગ્રહાલયો એકબીજા વચ્ચે પશુ પક્ષીઓની આપ-લે કરે છે. જેથી પ્રાણી સંગ્રહાલયની વૈવિધ્યતા જળવાય રહે છે. આવા જ એનિમલ  એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂ માંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશ વિદેશના 28 પ્રાણી સંગ્રહાલયોમાં 18 નર અને 27 માદા મળીને 45 જેટલા સિંહો મોકલવામાં આવ્યા છે. આમ સક્કરબાગ ઝૂ માં સિંહોના સંરક્ષણ માટેની પૂરતી વ્યવસ્થા છે, જેને લઈને સિંહોનું સંવર્ધન સફળતા પૂર્વક થઈ રહ્યું છે. જેના પરિણામે આજે સક્કરબાગ ઝૂ સિંહો માટે જગવિખ્યાત બની ગયું છે.