હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'

19 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે કરાશે સેનાને અર્પણ, સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ટ ટુબ્રોની ગન ફેક્ટરીમાં કરાયું છે નિર્માણ, રાજસ્થાનમાં થઈ ચૂક્યું છે પરીક્ષણ, સેલ્ફ પ્રોપેલ્ડ હોવીત્ઝર K9 વજ્ર ટી ગન 40 કિમી સુધીની પ્રહાર ક્ષમતા ધરાવે છે અને તેને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે 

હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'

તેજશ મોદી/ સુરતઃ ભારત હવે સ્વદેશમાં જ સેના માટે અત્યાધુનિક હથિયારો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ કડીમાં દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી 'સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન'ને આગામી 19 જાન્યુઆરી રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સેનાને અર્પણ કરવામાં આવશે. તેનું નિર્માણ સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરી કરવામાં આવ્યું છે. K9 વજ્ર ટેન્ક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તેણે કરેલા સુચનો મુજબ જરૂરી ફેરફાર કરીને આ ટેન્કનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ટેન્ક સંપૂર્ણપણે તૈયાર થઈ જતાં તેને દેશને અર્પણ કરાશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન પણ હાજર રહેશે.

દેશમાં જ સુરક્ષાના સાધનોનું ઉત્પાદન થાય તેના માટે કેન્દ્ર સરકારે ડિફેન્સ પોલીસીમાં પરિવર્તન કર્યું હતું. નવી પોલીસીમાં 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતની જ કંપનીઓ સાથે સરકારે સુરક્ષાના સાધનો બનાવવાના કરાર કર્યા હતા. સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોને સંરક્ષણ મંત્રાલય તરફથી માર્ચ, 2018માં આ ટેન્કના નિર્માણનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ખાનગી ક્ષેત્રને આપવામાં આવેલા સૌથી મોટો ઓર્ડર છે. 

K9 વજ્ર ટી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર ગન બોફોર્સ ગન જેવી જ છે. જોકે તે બોફોર્સને  પણ ટક્કર મારે એવી છે. કારણ કે બફોર્સને લઇ જવા માટે ધક્કો મારવો પડે છે, એટલે કે સૈનિકોએ તેને ખસેડવી પડે છે. જ્યારે K9 વજ્ર ટેન્કમાં 1000 હોર્સપાવરનું એન્જીન ફીટ કરેલું હોવાથી તેને ચલાવીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. 

K9 વજ્ર 155 mm એટલે કે 52 કેલિબરની ગન છે. તેની 40 કિમી સુધીની પ્રહાર ક્ષમતા છે, જેને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે ઘણાં ઓછા સમયમાં વધારે ફાયર કરી શકે છે. તે ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પણ પહોંચી શકે છે. આથી દુશ્મન દેશને તેના લોકેશનની માહિતી મળી શકશે નહીં. 

K9 વજ્ર્ ટેન્કમાંથી એકસાથે અસંખ્ય તોપગોળા પણ પાયર કરી શકાય છે. જે એકસાથે એક ટાર્ગેટને નિશાન બનાવીને મોટો વિનાશ સર્જી શકે છે. આ ટેન્ક કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર રેંજ પ્રુફ છે. હજીરામાં આવેલી ફેકટરીમાં આખો ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે. અહીં  K9 વજ્રની 100 ટેન્ક બનાવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીના રોજ સવારે હજીરા ખાતેની એલ એન્ડ ટી ડીફેન્સની ફેકટરી ખાતે આવીને આ ટેન્કને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. તેમની સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અને સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

કોના દ્વારા કરાયું નિર્માણ

  • નિર્માણઃ લાર્સન એન્ડ ટુબ્રો (ઈન્ડિયા) દ્વારા 'મેક-ઇન ઇન્ડિયા' કાર્યક્રમ અંતર્ગત હૂન્વા ટેન્ક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર હેઠળ. 
  • નિર્માણ સ્થળઃ લાર્સન એન્ટ ડુબ્રો, હજીરા, સુરત, ગુજરાત.
  • સંખ્યાઃ 100 ટેન્કનું નિર્માણ કરાશે 
  • સમયમર્યાદાઃ 42 મહિના 

BJP નેતાનો અત્યંત ગંભીર આરોપ, 'બાળ ઠાકરે સોનુ નિગમની હત્યા કરાવવા માંગતા હતાં'

K9 વજ્ર ટેન્કની વિશેષતાઓ

  • રેન્જઃ 42 કિમી (વધારીને 75 કિમી કરી શકાય)
  • ઓપરેશનલ રેન્જઃ 100 કિમી
  • સંચાલનઃ 155 mm/ 52 કેલિબર ટ્રેક ધરાવતી સ્વયંસંચાલિત સિસ્ટમ 
  • પ્રકારઃ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન
  • બોફોર્સથી અલગઃ બોફોર્સ ફાયર થયા બાદ પાછળ ખસી જાય છે, આ ઓટોમેટિક ટેન્ક છે. 
  • ફાયરઃ મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિનેશનલ ઈમ્પેક્ટ (MRVI) મોડમાં 9-15 સેકન્ડમાં 3 શેલ 
  • ફાયર રેટઃ 12 રાઉન્ટ પ્રતિ મિનિટ અને કુલ 104 રાઉન્ડ 
  • K10 એમોનિશન રીસપ્લાય વેહિકલ (ARV) : K9 વજ્ર ટેન્ક K10 સિસ્ટમ સાથે આવે છે. K10 એક ઓટોમેટિક ડિસ્પ્લે વ્હિકલ છે જે K9ની ગતિશીલતાને જાળવી રાખે છે,અને પાછળનાં મુખ્ય આર્ટિલરી બેટરીનું અનુસરણ કરી શકે છે.

રાજસ્થાનમાં કરાયું પરીક્ષણ
ઓગષ્ટ 2018માં એલ એન્ડ ટી દ્વારા ત્રણ જટલી K9 ગન સેનાને પરીક્ષણ માટે રાજસ્થાન મોકલવામાં આવી હતી, અહીં રણમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન જે કોઈ ખામી જોવા મળી તે અંગેના સુધારા કરવાની સુચના સેના દ્વારા એલએન્ડટીને આપવામાં આવી હતી. આ સુધારા કર્યા બાદ હવે K9 વજ્ર ટેન્ક દુશ્મના દાંત ખાટા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news