ખેતી બેંક પર પહેલીવાર BJP નો ભગવો લહેરાશે, સહકારથી સરકાર સુધીનું સ્વપ્ન થશે સાકાર

ખેતી બેંક પર પહેલીવાર BJP નો ભગવો લહેરાશે, સહકારથી સરકાર સુધીનું સ્વપ્ન થશે સાકાર
  • 7 ઓગસ્ટે ગુજરાતની સૌથી જૂની ખેડૂતો માટે બનેલી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંકની ચૂંટણી યોજાશે
  • ગુજરાતમાં સહકારી સંસ્થાઓ પર ભાજપને પકડ અપાવવાનો શ્રેય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાય છે
  • ખેતી બેંકની 7 ડિરેક્ટરોની આ ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે. કારણ કે, બનાસકાંઠા જિલ્લામાં કાકા-ભત્રીજા સામસામે છે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની રચના બાદ સહકારી ક્ષેત્ર પર ભાજપનો દબદબો સ્થાપિત થઈ રહ્યો છે. ગુજરાતમાં પહેલી વાર ખેતી બેંક પર ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. સહકારથી સરકાર સુધીના એજન્ડા સાથે ભાજપ સહકારી સંસ્થાઓ પર એક પછી એક કબજો મેળવી રહ્યો છે. ત્યારે ગુજરાતની સૌથી જૂની સહકારી ખેતી બેંક પર પણ ભાજપનો કબજો થવા જઈ રહ્યો છે.

7 ઓગસ્ટે ચૂંટણી યોજાશે 
7 ઓગસ્ટે ગુજરાતની સૌથી જૂની ખેડૂતો માટે બનેલી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક એટલે કે ખેતી બેંકની ચૂંટણી યોજાવાની છે. 17 જિલ્લામાંથી 10 જિલ્લામાં ડિરેક્ટરો બિનહરીફ થયા છે. જ્યારે 7 જિલ્લાના ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાશે. 10 માંથી 8 પર ભાજપ સર્મર્થીત ડિરેક્ટરો ચૂંટાયા છે. જ્યારે GSC બેંકના 1 ડિરેકટર સહિત કુલ 9 ડિરેક્ટરો ભાજપના હોવાથી ભાજપનો ભગવો લહેરાયો છે. 

બનાસકાંઠા જિલ્લામાં કાકા-ભત્રીજા સામસામે 
ખેતી બેંકની 7 ડિરેક્ટરોની આ ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે. કારણ કે, બનાસકાંઠા જિલ્લામાં કાકા-ભત્રીજા સામસામે છે. જ્યારે મહેસાણા સહિત 4 જગ્યાએ ભાજપના જ સ્થાનિક નેતાઓ આમને સામને છે. ખેતી બેંકના છેલ્લા ચેરમેન ધીરેન્દ્ર ચૌધરીએ ફરી વાર ચેરમેન બનવા માટે દાવેદારી કરી છે અને ભાજપના સત્તાવાર ઉમેદવાર છે. જેમને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સમર્થન છે. પણ બીજી તરફ રામજીભાઈ ચૌધરી તેમને હરાવવા મેદાને છે. રામજીભાઈ ચૌધરીને દૂધસાગર ડેરી અને જિલ્લાના 2 ધારાસભ્યોનું સમર્થન છે. મહેસાણા જિલ્લાના 49 મતદારો ધીરેન્દ્ર ચૌધરી અને ખેતી બેંકનું ભાવિ નક્કી કરશે. 

પહેલીવાર સંપૂર્ણ બોર્ડ પર ભાજપનો કબજો 
આ 7 જિલ્લાની ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ખેડા અને સુરતના 195 મતદારો અમદાવાદ હેડ ઓફિસમાં મતદાન કરશે. મતદાન બાદ સાંજે જ પરિણામ જાહેર થશે અને 30 દિવસની અંદર બોર્ડની બેઠક મળશે, જેમાં ચેરમેન-વાઈસ ચેરમેન નક્કી થશે. ખેતી બેંકના કુલ 21 ડિરેક્ટર હોય છે જેમાં 17 ચૂંટાયેલા ડિરેક્ટરો, 3 રાજ્ય સરકાર નોમિનેટ અને એક પ્રતિનિધિ GSC બેંકમાંથી હોય છે. અત્યાર સુધી ખેતી બેંકના બોર્ડની મુદત 3 વર્ષની હતી અને હવે નવા નિયમો મુજબ 5 વર્ષની રહેશે. આઝાદી પછી ગત ટર્મમાં પહેલીવાર ચેરમેન અને વાઈસ ચેરમેન પદ પર ભાજપનો કબજો હતો અને એ પણ કોંગ્રેસના ટેકાથી. અત્યાર સુધીના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર સંપૂર્ણ બોર્ડ પર ભાજપનો કબજો રહેશે. જે સહકારથી સરકાર સુધીના સૂત્રને સાચા અર્થમાં સાબિત કરશે. 

સહકારી સંસ્થાઓનું શ્રેય અમિત શાહને... 
ગુજરાતમાં સહકારી સંસ્થાઓ પર ભાજપને પકડ અપાવવાનો શ્રેય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાય છે. રાજ્યમાં વર્ષો સુધી ભાજપ સત્તા પર રહ્યો પણ સહકારી ક્ષેત્ર પર ભાજપની પકડ નહોતી. આ પકડની શરૂઆત અમિત શાહે કરાવી અને ત્યાર બાદ ગુજરાતની મોટાભાગની તમામ સહકારી સંસ્થાઓ પર ભાજપનો દબદબો પ્રસ્થાપિત થયો છે. ખેતી બેંક પણ તેમાનું જ એક ઉદાહરણ છે. વર્ષો બાદ ખેતી બેંક પર ભાજપનો સંપૂર્ણ કબજો થવાથી ખેડૂતોને લાંબા ગાળાનું ધિરાણ કરતી સંસ્થાનો વ્યાપ વધશે અને ખેડૂતોને વધુ લાભ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલની આ ચૂંટણીની દેખરેખ સીધી રીતે ભાજપના સહકાર સેલના સંયોજક બિપીન પટેલ રાખી રહ્યા છે. તેઓ છેલ્લા 1 વર્ષથી આ ચૂંટણી માટે મહેનત કરી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમને ગુજરાત ભાજપના સહકાર સેલના સંયોજક બનાવાયા છે. બિપીન પટેલ વર્ષોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જોડાયેલા રહ્યા છે અને કેન્દ્રમાં સહકાર મંત્રાલય બન્યા બાદ તેમને ભાજપના પ્રદેશ સહકાર સેલની જવાબદારી મળી છે. હવે સૌ કોઈની નજર 7 ઓગસ્ટે મહેસાણા જિલ્લાના પરિણામ પર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news