ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ

કેશુભાઈ પટેલે (keshubhai patel) પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી છે. ભાજપને ગુજરાતના રાજકારણમાં ટોચ પર લઈ જવામાં અને સફળતા અપાવવામાં તેમનો મોટો ફાળો છે. સંઘના અદના કાર્યકરથી સફર શરૂ કરીને તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. જોકે, જે પાર્ટીને તેઓએ રાજકીય જશ અપાવ્યો હતો, તે જ પાર્ટીમાંથી તેઓને વિદાય લેવી પડી હતી. જેના બાદ તેઓએ પોતાના નવા પક્ષની પણ રચના કરી હતી. ત્યારે તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.... 
ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ

ઝી મીડિયા/બ્યૂરો :કેશુભાઈ પટેલે (keshubhai patel) પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી છે. ભાજપને ગુજરાતના રાજકારણમાં ટોચ પર લઈ જવામાં અને સફળતા અપાવવામાં તેમનો મોટો ફાળો છે. સંઘના અદના કાર્યકરથી સફર શરૂ કરીને તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. જોકે, જે પાર્ટીને તેઓએ રાજકીય જશ અપાવ્યો હતો, તે જ પાર્ટીમાંથી તેઓને વિદાય લેવી પડી હતી. જેના બાદ તેઓએ પોતાના નવા પક્ષની પણ રચના કરી હતી. ત્યારે તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.... 

લાલિયાને માર મારતા અમદાવાદથી બુલાવો આવ્યો 
કેશુભાઈ વિસાવદરમાં જન્મ્યા હતા, પરંતુ તેમની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમા ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંઘના સ્વંયસેવક તરીકે ગામડે ગામડે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. પરંતુ 1960ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી.  રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી. જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. 1980માં પાટીદાર અગ્રણી તરીકે પ્રાંત કક્ષાએ તેમની નોંધ લેવાવા લાગી હતી. સૌરાષ્ટ્રના પાટીદારોને તેઓએ ભાજપની તરફેણમાં એક કર્યા હતા. 

8 મહિનામાં રાજીનામુ આપવુ પડ્યું 
કેશુભાઇ પટેલ 1945 માં RSS ના પ્રચારક તરીકે સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ 1960માં તેઓ જનસંઘ કાર્યકર તરીકે જોડાયા. અહીંથી તેમના રાજકીય કારકિર્દીને વેગ મળ્યો હતો. કેશુભાઇ પટેલ 1977 માં રાજકોટ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ 1978 થી 1980 દરમિયાન કૃષિમંત્રી તરીકે રહી ચૂક્યા હતા. વર્ષ 1978 થી 1995 દરમિયાન તેઓ ગોંડલ, કાલાવડ અને વિસાવદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી જીત મેળવી હતી. વર્ષ 1995 માં તેઓ ગુજરાત રાજ્યના 10માં મુખ્યમંત્રી બન્યા હતા અને શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા માત્ર 8 મહિનામાં તેઓએ રાજીનામુ આપ્યું હતું અને 1998 માં ફરી ભાજપની સરકારમાં જીત મેળવી મુખ્યમંત્રી બન્યા હતા.

ભૂકંપ બાદ કેશુબાપાનો વિરોધ થયો 
2001ના 26 જાન્યુઆરીમાં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. તેના બાદ ઓક્ટોબર 2001માં કેશુબાપા પર અનેક આરોપ લાગ્યા હતા. સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપ્યું હતું. જોકે, તેનો ફાયદો નરેન્દ્ર મોદીને થયો હતો. કેશુબાપાના રાજીનામાથી પક્ષ દ્વારા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા હતા. 

બાપાએ કોરોનાને હરાવ્યો હતો
કેશુભાઈ પટેલના પરિવારમાં 5 પુત્ર અને 1 પુત્રીનો સમાવેશ થાય છે. 21 સપ્ટેમ્બર 2006ના રોજ તેમના પત્નિ લીલાબેન પટેલનું અમદાવાદ ખાતે અકસ્માતે મોત થયું હતું. અમદાવાદ ખાતે તેમના ઘરમાં આગ ફાટી નીકળતા પત્નિ લીલાબેન પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના 5 પુત્ર પૈકી 2 પુત્રના મોત થયા છે. ગત મહિને તેઓને કોરોના થયો હતો. જ્યાં તેઓએ કોરોનાને હરાવ્યો હતો.  કેશુભાઇ પટેલના નિધનથી સમગ્ર પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને આગેવાનોમાં શોકની લાગણી છવાઇ ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news