પ્રેમીપંખીડાએ ઘરેથી ભાગીને માંગેલી લિફ્ટ મોત સુધી લઈ ગઈ, જેણે આશરો આપ્યો એણે જ આબરુ લુંટીને મારી નાંખ્યા

Kheda Rape With Murder Case : મહુધાના મહિસામાં મળેલા બે મૃતદેહોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખેડા જિલ્લાના ડાકોરમાં યુવક યુવતીએ માંગેલી લિફ્ટ બંન્નેને મોત સુધી લઈ ગઈ. પ્રેમી પંખીડાએ ડાકોરથી લીધેલો સહારો મહિસામાં મોત સુધી ખેંચીને લઈ ગયો. આરોપીએ યુવકને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ આચર્યું અને પછી યુવતીને પણ પતાવી દીધી 

પ્રેમીપંખીડાએ ઘરેથી ભાગીને માંગેલી લિફ્ટ મોત સુધી લઈ ગઈ, જેણે આશરો આપ્યો એણે જ આબરુ લુંટીને મારી નાંખ્યા

Kheda News બુરહાન પઠાણ/ખેડા : જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામે થયેલ ડબલ મર્ડરનો ગુન્હો  ગણતરીના કલાકોમાં જ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે. સમગ્ર મામલામાં ખીજલપુરના રહીશની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ડાકોર ખાતે યુગલને મળ્યા બાદ તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કહીને બંનેને મહિસા લાવ્યા બાદ યુવકને મોતને ઘાટ ઉતારી યુવતી ઉપર દુષ્કર્મ કરી  તેની પણ આરોપી હત્યા કરી હતી.હાલમાં સમગ્ર મામલે ખેડા એલસીબી દ્વારા મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  • ડાકોરના ગોમતી ઘાટે યુગલને જોઇ મદદની લાલચે, મહિસાના યુવકે પ્લાન ઘડ્યો
  • મહિસા ગામની સીમમાં લાવી દુષ્કર્મ, લૂંટ અને હત્યા કરી 
  • ડાકોરના સીસીટીવીમાં આરોપી બંને પ્રેમી યુગલ સાથે દેખાયો 
  • ખેડા ક્રાઈમ બ્રાન્ચની સર્વેલન્સ ટીમે ડાકોર શહેરના સીસીટીવી ચકાસ્યા
  • એક વ્યક્તિ બાઈક પર આ પ્રેમી પંખીડાને બેસાડીને જતો દેખાયો
  • પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા ડબલ મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ 

પંચમહાલથી ભાગેલા પ્રેમી પંખીડા ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવ્યા હતા અને રહેવાની વ્યવસ્થા કરવાની તજવીજમાં હતા. આ દરમિયાન ખીજલપુર ખાતે રહેતો પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામા, મૂળ વંદેલી તાલુકો મોરવા‌ હળફ, પંચમહાલ તેમને મળ્યો હતો. સામાન્ય વાતચીતમાં જ તેણે યુવક અને યુવતી પાસેથી બંને પ્રેમી પંખીડા હોવાની અને ઘરેથી ભાગી ગયા હોવાની માહિતી મેળવી પોતે રાતવાસો કરવાની વ્યવસ્થા કરી આપશે તેમ કહીને બંનેને બાઈક ઉપર બેસાડીને ડાકોરથી અલીણા થઈ મહિસા લઈ ગયો હતો.  જ્યાં તેણે ખુલ્લા ખેતરમાં બંનેને આશરો આપીને ‘આજની રાત અહીં વિતાવી લો કાલે સવારે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ...’ તેમ કહ્યા બાદ રાત્રિના સમયે બંનેની બોથડ પદાર્થથી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ વડા ઉપરાંત ખેડા એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસની કુલ 10 ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. જેમાં આસપાસ લાગેલા તમામ સીસીટીવી કેમેરા તેમજ 70 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં એક બાઈક પાછળ ત્રણ સવારી ડાકોરથી અલીણા તરફ જતા હોવાની માહિતી મળતા વાહન નંબરના આધારે તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં બાઈક ચાલક ખીજલપુર ગામનો પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ નીનામા હોવાનું માલુમ પડતા તેની અટક કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 

જેમાં પોલીસ સામે આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. હાલમાં સમગ્ર મામલે ખેડા એલસીબી દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે સાથે આ ગુનામાં અન્ય કોઈની પણ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. 

પંચમહાલથી ભાગીને બન્ને પ્રેમી યુગલ ડાકોર પહોંચ્યા હતા. જ્યાં બંને ચિંતામાં ગોમતી ઘાટે બેઠા હતા અને ‘ક્યાં રોકાઈશું’ તેની ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે મહિસાનો યુવક તેમને જોઇ ગયો હતો. કોઇપણ પરિચય વગર તે પણ યુગલ પાસે ગયો અને વાતચીત શરૂ કરી. દરમિયાન વાત-વાતમાં બન્ને યુવક યુવતી એ સઘળી હકીકત મહિસાના યુવકને કહેતાં તેણે રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હુતં. તેણે બંનેને વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં તેમને પોતાની બાઇક ઉપર જ બેસાડીને મહિસા લઇ ગયો હતો. બાદ ખેતાઇ માતાના મંદિરે બંનેને બેસાડ્યા હતા. અંધારું થતાં તે બન્નેને લઇને તબેલે ગયો હતો. જ્યાં બંનેને જમાડ્યા બાદ તેણે લૂંટ, રેપ અને મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. 

ખેડાના એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, હત્યારો પ્રકાશ નિનામાનો મૂળ મોરવા-હડફ રહેતો હતો. આ પ્રકાશના અગાઉ મહિસામાં રહેતા હતો અને છેલ્લા કેટલાય સમયથી ઠાસરાના ખીજલપુરમાં રહેતો હતો અને મહીસામા રહ્યો હોય તે મહીસાની તમામ સ્થાનોથી પરિચિત હતો. જેથી આ પ્રેમી યુગલને લઈ આવ્યો હતો.

આરોપી પ્રકાશ નીનામા ડાકોરના નેત્રમ સીસીટીવીમાં બંને પ્રેમી યુગલ સાથે બાઈક પર જતો દેખાયો હતો, પરંતુ તે ક્રિમિનલ માનસિકતા ધરાવતો હોઈ તેણે પોતાનો ચહેરો સીસીટીવીમાં ન દેખાય તે માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ખેડા ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વલેન્સની મદદથી પોલીસે તેની ઓળખ મળ્યા બાદ તેની ધરપકડ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news