દીવા તળે અંધારું! ખેડાના માતરમાં ભાજપ કાર્યાલયનું જ વીજ જોડાણ કપાયું, નેતાઓમાં ટાંટિયાખેંચ લડાઈ શરૂ
BJP Office Electricity Connection Cut : ખેડા ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચ્યો... ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાયા બાદ આક્ષેપબાજી શરૂ થઈ
Trending Photos
Kheda News નચિકેત મહેતા/ખેડા : ખેડા જિલ્લાના માતર તાલુકા ભાજપ કાર્યાલયનું વીજ જોડાણ કપાઈ જતા હવે આંતરિક લડાઈ શરૂ થઈ છે. તાલુકા ભાજપમાં એકબીજા આક્ષેપ પ્રતિ આક્ષેપો અને દલીલબાજી શરૂ થઈ ગઈ છે.
માતર તાલુકાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પાર્ટીના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આક્ષેપોમાં તેમને જણાવ્યું છે કે, 2016 માં હાલનું કાર્યાલય અને તેની જમીન કાંતિભાઈ પટેલ નામના વ્યક્તિ પાસેથી ભાડા કરારે લીધું હતું. જમીનની વચ્ચે આવેલા મકાનમાં 2016 થી ભાજપ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. આ ભાજપ કાર્યાલયમાં અનેક ભાજપની મીટીંગો કરવામાં આવી હતી.
કેસરીસિંહની ટિકિટ કપાતા તેમણે કાર્યાલયને તાળું માર્યું
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની 2022 વિધાનસભામાં ટિકિટ કપાતાની સાથે જ કેસરીસિંહ સોલંકીએ આ ભાજપ કાર્યાલયને તાળું માર્યું હતું. ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા કેસરીસિંહ સોલંકીને સમજાવવામાં આવ્યા કે આ મકાન અને આ જગ્યા કાર્યાલય તરીકે ઓળખાય છે માટે આ મકાનમાં કાર્યાલય કાર્યરત રહે તેવા શ્રેય સાથે કેસરીસિંહ સોલંકી દ્વારા આ મકાનની ચાવી ભાજપના અગ્રણીઓને સોંપવામાં આવી હતી.
તાજેતરમાં જ આ કાર્યાલયનું વીજ જોડાણ કપાતાની સાથે જ કેસરીસિંહ સોલંકીએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 2016 માં તેમને આ જગ્યા અને આ મકાન ભાડા કરાર સાથે પોતાના ભાઈ મહેશસિંહ સોલંકીના નામે લીધું હતું. પરંતુ અત્યારે જોતા આ મકાન અને આ જમીનનું ભાડા કરાર ભાજપના અગ્રણી અને માતર વિધાનસભાના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલના નામે થઈ જતા પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા.
તો બીજી તરફ ભાજપના અગ્રણી અને માતર વિધાનસભાના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલે જણાવ્યું કે આ મકાન અને આ જગ્યાનું ભાડું મકાન માલિકને સમયસર મળતું ન હતું તે માટે મકાન માલિકે મારો સંપર્ક કર્યો અને જુના ભાડા કરાર કરનાર કાંતિભાઈ પટેલનું અવસાન થયા બાદ વારસાઈમાં તેમના વાલી વારસનું નામ આવતા ચંદ્રેશ પટેલ દ્વારા નવો એક ભાડા કરાર કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કહ્યાં પ્રમાણે ચંદ્રેશ પટેલે આ ભાડા કરાર કર્યો અને જે તે સમયે 4000 ભાડું મકાન માલિકને મળતું હતું. પરંતુ મોંઘવારી પ્રમાણે નવા ભાડા કરારમાં મકાનમાલિકને વધુ ભાડું મળે તે માટે 7000 રૂપિયા કર્યું. તેમણે એવું પણ જણાવ્યું કે આ મકાન એમના પોતાના વપરાશ માટે નહીં પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં આગળ બેસે અને બેઠકો કરે તે માટે આ મકાન નવા ભાડા કરારથી લેવામાં આવ્યું છે. પરંતુ જો કેસરીસિંહને આ બાબતથી દુઃખ હોય તો નવો ભાડા કરાર રદ પણ કરવા તૈયાર છું.
કેસરીસિંહ સોલંકીના કહ્યા પ્રમાણે કેસરીસિંહ સોલંકી પોતે આ તમામ બાબતને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવશે. પરંતુ પ્રશ્ન એ છે કે કેસરીસિંહ સોલંકી ભાજપના અગ્રણી અને માતર વિધાનસભાના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલ ઉપર નોંધાવશે કે પછી હાલના જમીન અને મકાન માલિક સામે નોંધ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે