ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિનો નવરાત્રિથી ચાલતો વિવાદ હોળીમાં સળગ્યો, પડ્યા ધડાધડ રાજીનામા

લેઉવા પટેલ સમાજની સંસ્થાનો મુદ્દો ફરી એક વખત સપાટી પર આવ્યો છે. ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારીથી લઇ અને સંખ્યા એકત્રિત કરવાની જવાબદારી મહિલા સમિતિને આપવામાં આવતી હોય છે. આવા સમયે હવે આંતરિક વિવાદના કારણે મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા સહીત કન્વીનારોએ હોદા પરથી રાજીનામું આપી દેતા વિવાદ સામે આવ્યો છે.

Updated By: Mar 19, 2019, 01:37 PM IST
ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિનો નવરાત્રિથી ચાલતો વિવાદ હોળીમાં સળગ્યો, પડ્યા ધડાધડ રાજીનામા

રક્ષિત પંડ્યા/રાજકોટ :લેઉવા પટેલ સમાજની સંસ્થાનો મુદ્દો ફરી એક વખત સપાટી પર આવ્યો છે. ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારીથી લઇ અને સંખ્યા એકત્રિત કરવાની જવાબદારી મહિલા સમિતિને આપવામાં આવતી હોય છે. આવા સમયે હવે આંતરિક વિવાદના કારણે મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા સહીત કન્વીનારોએ હોદા પરથી રાજીનામું આપી દેતા વિવાદ સામે આવ્યો છે.

નવરાત્રિ સમયથી ચાલતા નાના મોટા વિવાદ આજે હોળી પૂર્વે સળગ્યો છે. સંસ્થામાં મહિલા સમિતિની અવગણના થતી હોવાના કારણે મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા, કન્વીનર જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળા, અનીતાબેન દુધાત્રા સહિતની મહિલાઓએ રાજીનામું આપી દીધું છે. આ અંગે શર્મિલાબેન એ જણાવ્યું હતું કે, મહિલાઓને પ્રાધાન્ય મળે તે માટે તેઓ કાર્ય કરવા માંગે છે. પરંતુ સંસ્થામાં તેઓને આ કામ કરવામાં ક્યાંક અડચણ ઉદભવતી હતી. જેથી તેઓએ રાજીનામું આપ્યું છે અને આગામી દિવસોમાં સંસ્થા કહેશે તો તેઓ જરૂરથી કામ કરશે.

આ સાથે જ લોકસભાની ચૂંટણી નજીક આવતા લેઉવા પાટીદાર સમાજની મોટી સંસ્થા પર રાજકીય પરિબળોની નજર દેખાતા તેમણે જણાવ્યું હતું કે, જે પક્ષ મહિલાઓને પ્રાધાન્ય આપી મહિલાઓ માટે કામ કરશે તેને હંમેશા સપોર્ટ કરવામાં આવશે.. સમાજના મોભી નરેશ પટેલ કે પછી રાજકોટ બેઠક પર દાવેદાર માટે ચર્ચામાં આવેલા પરેશ ગજેરા ચૂંટણી લડે તો તેમને પણ પૂરતો સપોર્ટની ખાતરી પણ આ મહિલાઓએ આપી છે. 

ઉલ્લેખનીય છે કે, પરેશ ગજેરાના પ્રમુખ પદેથી રાજીનામાં બાદ મહિલા સમિતિના રાજીનામાથી સંસ્થાને મોટો ફટકો જોવા મળ્યો છે. સાથે જ વિવાદ વધુ ન વકરે તે માટે સંસ્થા દ્વારા વોર્ડ વાઈઝ અને ઝોન વાઈઝ કન્વીનર્સની
નિમણૂંક પણ કરી દેવામાં આવી છે.