હવે સબ સલામતના દાવા કરો સરકાર! અસામાજિક તત્વોથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યો
Terror Of Anti-Social Elements In Gujarat : ગુજરાતના મહાનગરોમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક...અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ગુંડા તત્વોના હવાલે હોય તેવી સ્થિતિ..આતંક ફેલાવતા તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી....
Trending Photos
Law and order situation deteriorated in Gujarat : સલામત ગણાતા ગુજરાતના મહાનગરો અસલામત હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત હોય કે પછી રાજકોટ..તમામ શહેરો અને જિલ્લાઓમાં ગુંડા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર તો બે દિવસથી જાણે અસામાજિક તત્વોના જ હવાલે હોય તેવી સ્થિતિ છે. લોકો ઘરની બહાર નિકળતા ડરે તેવી સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે, ગુંડા તત્વો ગમે ત્યારે હુમલો કરી શકે છે. બે જૂથ વચ્ચેની તકરારમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એટલું જ નહીં સુરતમાં તો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવી સ્થિતિ છે. સામાન્ય રીતે ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેવી સ્થિતિ છે. વારંવાર સુરતમાં કોઈ ને કોઈ સ્થળે મારામારી, હત્યાની ઘટના બનતી જ રહે છે. આવું જ સંસ્કાર નગરી કહેવાતી વડોદરામાં બની રહ્યું છે. શાંત અને સુશીલ નગરી ગણાતા વડોદરાને અસામાજિક તત્વોએ જાણે બાનમાં લીધું છે. આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે.
ગુજરાતની છબી ખરડાઈ રહી છે
છેલ્લાં કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓને કારણે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી ગયું છે. દારૂબંધીવાળા ગુજરાતમાં બેફામ દારૂ પીવાય છે. નબીરાઓ દારૂ પીને અકસ્માતો સર્જી રહ્યાં છે. તો તોફાની તત્વો હાથમાં હથિયારો લઈને ખુલ્લેઆમ ફરતા થઈ ગયા છે. ગુજરાતની ઘટનાઓ હવે વાયરલ ખબરો બની રહી છે. હવે સવાલ એ થાય છે કે, શું આ ગુજરાતનું નવું મોડલ છે. એક તરફ સરકાર ઓલિમ્પિક લાવવાની વાત કરી રહી છે, બીજી તરફ અમદાવાદમાં સુરક્ષાના લીરેલીરા ઉડી રહ્યાં છે. સરકારના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. 16-17 વર્ષના લબરમૂછિયા સરકાર અને પોલીસને પડકાર આપી રહ્યાં છે.
24 કલાકમાં અસામાજિક તત્વો બેફામ બન્યા
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતની ઘટનાઓ સુરક્ષા પર સવાલો ઉઠાવી રહી છે. અમદાવાદા, રાજકોટ, પાટણ, વડોદરા, સુરતમાં જે રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતના શહેરોમાં સુરક્ષા નથી. ઘોડા છુટી ગયા બાદ તબેલાના તાળા મારવા જેવા ઘાટ સરકાર કરી રહી છે. સવાલ એ છે કે, આરોપીઓના ઘર પર બુલડોઝર એક્શન કરીને ક્રાઈમ ઓછો થશે ખરો?
અમદાવાદની ઘટના
અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે. મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આરોપી રાજવીરસિંહની ગેરકાયદે મિલકત તોડવાની કામગીરી કરાઈ. અમરાઈવાડીના સત્યનારાયણનગરમાં જર્જરીત હાલતમાં હોવાથી મકાન તોડી પાડવાનું કામ શરૂ કરાયું. પોલીસ કમિશનરે કહ્યું કે, કુલ 7 આરોપીઓની ગેરકાયદેસર મિલકત તોડાશે.
ડિમોલિશનની કામગીરી વચ્ચે અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા આરોપીઓને તેમના ઘરે લઇ જવાશે #Ahmedabad #Gujarat #BreakingNews #News #Vastral pic.twitter.com/klXX031940
— Zee 24 Kalak (@Zee24Kalak) March 15, 2025
સુરતમાં ચપ્પુ લઈને ફર્યા યુવકો
સુરત સચિન સેજલનગર વિસ્તારની ઘટના ચોંકાવનારી છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કેટલાક યુવકોએ જાહેરમાં ચપ્પુ લઈ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આરોપીઓ રિક્ષામાં આવ્યા હતા. કોઈક વાતને લઈ બોલાચાલી થઈ હતી. બાદમાં સ્થાનિક લોકોએ રીક્ષા પર પથ્થરમારો પણ કર્યો હતો. સચિન પોલીસે મોડી રાત્રે 4 ની ધરપકડ કરી હતી.
રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક
રાજકોટમાં ગમારા પંપ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. તલવારો સાથે મારામારી કરી હતી. લોકોએ એકબીજા પર પથ્થરો ફેંક્યા હતા.
વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક
વડોદારના દંતેશ્વર વિસ્તારમાં લાકડીઓ અને ધોકા સાથે કેટલાક યુવકોએ ધમાલ મચાવી હતી. આરોપીઓએ રોડ વચ્ચે હથિયારો સાથે આવી ભયનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસનો કોઈ ડર ન હોય તેવી સ્થિતિ રસ્તા પર જોવા મળી. બે જૂથો વચ્ચેની બબાલમાં લાકડીઓ અને ધોકા લઈ અસામાજિક તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અસામાજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ થયો છે.
પાટણ કાયદો કથળ્યો
પાટણમાં કાયદો વ્યવસ્થાની સ્થતિ કથળતી હોય તેવા દ્રષ્યો સામે આવ્યા છે. શહેરના મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોના આંતકનો વીડિયો વાયરલ થયો છે. પાર્લરમાં વસ્તુ લીધા પછી પૈસા માંગતા પાર્લર વાળા સાથે અસામાજિક તત્વોએ મારપીટ કરી હતી. ટોળાએ હાથમા ઈટો, પાઇપ અને લાકડાના ટુકડા વડે પાર્લરમાં તોડફોડ કરી તેમજ પાર્લર વાળાને માર માર્યો હતો. શહેરના મુખ્ય બજારમાં અસામાજિક તત્વો બેફામ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. વીડિયો ગઈકાલ સાંજનો હોવાનું અનુમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે