)
Gujarat BJP in Letterbomb: ગુજરાતમાં હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રજાના કામો ન થતાં ભાજપના જ ધારાસભ્યો અને સાંસદો મેદાને પડ્યા છે. સરકારની નિષ્ક્રિયતાને કારણે પ્રજામાં વધી રહેલા અસંતોષને લઈ શાસક પક્ષના ધારાસભ્યોએ પત્ર લખીને સરકારની આબરૂ ધૂળધાણી કરી છે. આ 'લેટરવોર' એટલો ઉગ્ર બન્યો છે કે સરકાર કે પક્ષ કોઈપણ આ અંગે ખુલીને બોલવા તૈયાર નથી.
પ્રજાના કામો ન થતાં ધારાસભ્યોની અકળામણ
ગુજરાતમાં ભાજપની સરકાર અને પક્ષ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ધારાસભ્યો ખુલીને સરકાર વિરોધી નિવેદનો અને રજૂઆતો કરી રહ્યા છે, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ રહી નથી. કુમાર કાનાણી, સંજય કોરઠિયા, યોગેશ પટેલ, કેતન ઇનામદાર, અમુલ ભડ, ડી.કે. સ્વાપી, જે.વી. કાકડિયા, હીરા સોલંકી, મનુભાઈ પટેલ, અભેસિંહ તડવી, હાર્દિક પટેલ, અરવિંદ લાડાણી અને જનક તળાવિયા જેવા અનેક ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓ પર સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતા પત્રો લખ્યા છે.
એકાદ બે નહી, અત્યાર સુધીમાં કેટલાંય ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતાં પત્ર લખી ચૂક્યાં છે. પરિણામે સરકારની આબરુ ધૂળધાણી થઇ છે. જેમકે..
કુમાર કાનાણી : સુરતમાં ખાડી પુરની સમસ્યાનો ઉકેલ નહી આવે તો નાછૂટકે આંદોલનમાં જોડાવવું ૫ડશે.
સંજય કોરઠિયા : કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો
યોગેશ પટેલ : જીલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી.
કેતન ઈનામદાર : વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યાં છે છતાં તંત્ર તમાશો જુએ છે
અમુલ ભડ: ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે
ડી.કે.સ્વાપી : સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર જ મળતી નથી
જે.વી કાકડિયા : વન વિભાગની નિષ્ક્રિયતાને લીધે બાળસિંહોના મૃત્યુ થયાં
હિરા સોલંકી : સિંહના મૃત્યુ માટે વન વિભાગના અધિકારી જ જવાબદાર છે
મનુભાઈ પટેલ : ગરીબ કારીગરો પાસે લુંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે ત્યારે તંત્ર ચૂપ છે
અભેસિંહ તડવી : સરકારી હોસ્પિટલોમાં એક્સ રે મશીનો ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડીંગો હાંકે છે
હાર્દિક પટેલ : જો ગટરની સમસ્યાનો હલ નહી આવે તો મારે નાછૂટકે આંદોલનમાં જોડાવવુ પડશે
અરવિંદ લાડાણી : માણાવદરમાં હરતી ફરતી કલબ ધમધમે છે, પોલીસનો મહિને રૂા. ૭૦ હજારનો હપ્તો
જનક તળાવિયા : દામનગર પોલીસ સ્ટેશનથી ૨૦૦ મિટર જુગારધામ છતાંય પોલીસ કઇ કરતી નથી
આ પત્રોમાં મુખ્યત્વે ખાડી પૂર, ભ્રષ્ટાચાર, સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ ન થવું, ટ્રાફિક પોલીસનું વર્તન, આરોગ્ય સેવાઓમાં ખામી, વન વિભાગની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત, પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ ટેન્ડરોમાં ગોઠવણ થઈ રહી હોવાનો આરોપ મૂક્યો છે.
શિસ્તબદ્ધ પક્ષમાં 'બેલગામ' નેતાઓ
ભાજપને એક શિસ્તબદ્ધ પક્ષ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં લાગે છે કે હવે ધારાસભ્યો પક્ષની 'ધારા'માં રહ્યા નથી. કમલમમાંથી મળતા આદેશોને પણ તેઓ ઘોળીને પી ગયા હોય તેવું જણાય છે. પ્રજાલક્ષી કામો ન થવાને કારણે ધારાસભ્યોની અકળામણ વધી છે, કારણ કે તેમને 'વિસાવદર' જેવી પરિસ્થિતિનો ડર સતાવી રહ્યો છે.
આ સંકલનનો અભાવ માત્ર ધારાસભ્યો સુધી સીમિત નથી. મંત્રીઓ અને પક્ષના નેતાઓ પણ ખુલીને બોલી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 'કાઢી મેલે તો, કાઢી મેલે' જેવું નિવેદન કર્યું છે, જ્યારે અરુણસિંહ રાણા અને જવાહર ચાવડાએ પણ પક્ષ વિરુદ્ધના નિવેદનો આપ્યા છે. કનુ ડાભીએ તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપમાં પક્ષપલટુંઓનું જ માન છે અને જૂના કાર્યકરોની અવગણના થાય છે. આવી પરિસ્થિતિમાં, સરકાર અને પક્ષ વચ્ચેનો સમન્વય તૂટી ગયો હોય તેવું સ્પષ્ટ જણાય છે. શું આ 'લેટરબોમ્બ' ભવિષ્યમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરશે? તે જોવું રસપ્રદ રહેશે.