લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે

ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગરની બેઠક પર ભાજપનું છેલ્લા 30 વર્ષથી અધિપત્ય છે. ભાજપ અહીં લાખોના માર્જિનતી વિજય મેળવતું રહ્યું છે. ભાજપના સંસ્થાપક અને વરિષ્ઠ સાંસદ એવા એલ.કે.અડવાણી આ બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે, આ ઉપરાંત અટલ બિહારી વાજપેયી પણ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે 

લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગરની બેઠક પર ભાજપનું છેલ્લા 30 વર્ષથી અધિપત્ય છે. ભાજપ અહીં લાખોના માર્જિનતી વિજય મેળવતું રહ્યું છે. ભાજપના સંસ્થાપક અને વરિષ્ઠ સાંસદ એવા એલ.કે.અડવાણી આ બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે, આ ઉપરાંત અટલ બિહારી વાજપેયી પણ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે. આ બેઠક પર આ વખતે એલ.કે.અડવાણીને સ્થાને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય એવા સી.જે. ચાવડાને ઉતારવામાં આવ્યા છે. 

ઉમેદવાર નહીં પક્ષને જ મત મળે છે
ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર નહીં પરંતુ મતદારો પક્ષ જોઈને જ મત આપે છે. છેલ્લી છ ટર્મથી આ બેઠક પર સતત ચૂંટણી જીતતા આવેલા લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગરની પ્રજાના પ્રશ્નોની ક્યારેય પૃચ્છા કરી નથી કે સ્થાનિક આગેવાનોને તેઓ નામથી પણ ઓળખતા નથી. તેમ છતાં ભાજપના નેતા હોવાને કારણે મતદારો તેમને ચૂંટતા આવ્યા છે. 

લોકસભામાં 4 વખત કોંગ્રેસ અને 9 વખત ભાજપનો વિજય
દેશમાં ચોથી લોકસભા ચૂંટણીથી અસ્તિત્વમાં આવેલી ગાંધીનગર લોકસભા બેઠકમાં 1967માં કોંગ્રેસના સોમચંદભાઈ સોલંકી જીત્યા હતા. 1971માં પણ ફરીથી સોમચંદ ભાઈ સોલંકી જ જીત્યા હતા. ભારતીય લોકદળના પુરુષોત્તમ માવલંકર આ બેઠખ પરતી 1977માં વિજયી બન્યા હતા. 1980માં કોંગ્રેસના અમરતભાઈ પટેલ અને 1984માં કોંગ્રેસના જીઆઈ પટેલ વિજેતા બન્યા હતા. વર્ષ 1989માં ભાજપના શંકરસિંહ વાઘેલાએ આ બેઠક પરથી વિજય હાંસલ કર્યો અને ત્યારથી અત્યાર સુધી એટલે કે 1991, 1996(પેટા ચૂંટણી), 1998, 1999, 2004, 2009 અને 2014માં ભાજપે વિજય મેળવ્યો છે. 

જ્ઞાતિનું સમિકરણ
આ બેઠકમાં મોટાભાગનો શહેરી વિસ્તાર હોવાને કારણે જ્ઞાતિગત સમિકરણો કોઈ લાગુ પડતા નથી. તેમ છતાં જ્ઞાતિ આધારિત મતદારો નીચે મુજબ છે. 
જ્ઞાતિ          મતદાર
પટેલ         2,44,074
વણિક        1,42,023
બ્રાહ્મણ       1,25,811
ઠાકોર        1,30,846
ક્ષત્રિય          74,843
વિશ્વકર્મા    1,34,943
મુસ્લિમ     1,08,908
દલિત       1,80,090

વિધાનસભા કોની પાસે છે? 
ગાંધીનગર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાંથી 2 બેઠક કોંગ્રેસ પાસે છે, જ્યારે 5 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેલા છે. 
વિધાનસભા બેઠક    પાર્ટી    ધારાસભ્ય
ગાંધીનગર(ઉત્તર)   કોંગ્રેસ    ડો. સી.જે. ચાવડા
કલોલ                   કોંગ્રેસ    બળદેવજી ઠાકોર
સાણંદ                   ભાજપ    પટેલ કનુભાઈ કરમશીભાઈ
ઘાટલોડિયા            ભાજપ    પટેલ ભુપેન્દ્રભાઈ રજનીકાંત
વેજલપુર               ભાજપ    ચૌહાણ કિશોર બાબુલાલ
નારણપુરા             ભાજપ    પટેલ કૌશિકભાઈ જમનાદાસ
સાબરમતિ             ભાજપ    પટેલ અરવિંદભાઈ ગાંડાભાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news