બિટકોઈન કેસ: નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી

બહુચર્ચિત બિટકોઈન તોડકાંડ મામલે આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

બિટકોઈન કેસ: નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી

અમદાવાદ: બહુચર્ચિત બિટકોઈન તોડકાંડ મામલે આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ અને ડીજી આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી,  જેમાં નવી FIR રચવા રણનીતિ ઘડવામાં આવી છે. આ સાથે જ દેશભરના એરપોર્ટને પણ જાણ કરી દેવામાં આવી છે. આ મામલે ટૂંક સમયમાં CID મોટો ઘડાકો કરી શકે છે. અત્રે જણાવવાનું કે બિટકોઈન કેસના નલિન કોટડિયા પણ આરોપી છે. કોટડિયાને ઘણા દિવસથી સીઆઈડી શોધી રહી છે. સીઆઈડી ક્રાઈમે લુકઆઉટ નોટિસ કાઢી છે. દેશના તમામ એરપોર્ટ પર જાણ કરી દેવાઈ છે. ગમે ત્યાંથી કોટડિયાને પકડીને હાજર કરવા માટે તાકિદ કરાઈ છે. કોટડિયા લાંબા સમયથી ભૂગર્ભમાં છે. બિટકોઈન મામલે સીઆઈડી  તેમને શોધી રહી છે.

અત્રે જણાવવાનું કે કરોડોના બિટકોઈન કૌભાંડના વમળમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પણ ફસાઈ ગયા છે. રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જનાર બિટકોઈન કૌભાંડ મામલે રોજેરોજ નીતનવા ખુલાસા થઈ રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં એસપી, પીઆઈ સહિત ત્રણની ધરપકડ બાદ હવે ધરપકડની તલવાર નલિન કોટડિયા પર લટકી રહી છે પરંતુ નલિન કોટડિયા હાજર થવાને બદલે એક બાદ એક પત્ર લખ્યા હતાં.

પીઆઈ અનંત પટેલ, એસપી જગદીશ પટેલ અને માસ્ટરમાઇન્ડ કિરીટ પાલડીયાની ધરપકડ બાદ હવે  નલિન કોટડિયાનો વારો છે 7 મેના રોજ કોટડિયાનો પ્રથમ પત્ર બહાર આવ્યો હતો જેમાં તેમણે પોતાના એન્કાઉન્ટરનો ભય વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ હાલમાં જ નલિન કોટડિયાના વધુ બે પત્ર બહાર આવ્યા હતાં.

પ્રથમ પત્રમાં નલિન કોટડિયાએ CID સમક્ષ હાજર થવા માટે 12મે સુધીની મુદત માગી હતી અને શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પણ અરજી કરી હતી. જ્યારે બીજા પત્રમાં હત્યાની દહેશત વ્યક્ત કરીને તેમણે કહ્યું કે મારા પરિવારે જ કહ્યું કે આવા લોકોને ખુલ્લા પાડો. આવા લોકોને સમાજ સજા કરશે. આ સાથે પત્રમાં લખ્યું છે કે બિટકોઈન મામલે રાજકીય મોટા માથાનું નામ યોગ્ય સમયે જાહેર કરીશ.

પત્રમાં કોટડિયાએ લખ્યું હતું કે મારી પાસે શૈલેષ ભટ્ટની ઓડિયો ક્લિપ છે અને આ ઓડિયો ક્લિપ મેળવવા માટે નેતાઓ અને શૈલેષ ભટ્ટ મને શોધી રહ્યા છે.  પુરાવાનો નાશ કરવા મારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે. જો મારી હત્યા થશે તો આ લોકો જ જવાબદાર હશે તેમ કોટડિયાએ જણાવ્યું હતું. નલિન કોટડિયાએ સવાલ પણ કર્યો છે કે 12 કરોડના કૌભાંડમાં પોલીસને રસ છે પરંતુ 240 કરોડના કૌભાંડની તપાસ કેમ થતી નથી. આ સાથે જ કોટડિયાએ બિટકોઈન કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news