)
Mahisagar News: મહિસાગર જિલ્લામાં પોલીસ બેડામાં એક પ્રેમપ્રકરણને કારણે ભારે હડકંપ મચી ગયો છે. જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચેના આડા સંબંધોનો મામલો સામે આવતા, જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા કોન્સ્ટેબલ અને અન્ય પોલીસ મથકના પોલીસ અધિકારી વચ્ચે આંખો મળી જતાં પ્રેમસંબંધો બંધાયા હતા. આ બંને પોલીસ કર્મચારીઓ વચ્ચેના અંગત સંબંધોની વાત છેક જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી.
SP સફિન હસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી
પોલીસ કર્મચારીઓ વચ્ચેના આ પ્રેમ પ્રકરણની રજૂઆત જિલ્લા પોલીસ વડા સફિન હસન સમક્ષ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને SP સફિન હસન દ્વારા તાત્કાલિક ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
તપાસના ભાગરૂપે કડક પગલાં
જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. PI સામે પણ કડક કાર્યવાહીના ભાગરૂપે, ખાતાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને લીવ રિપોર્ટ (રજા) પર મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, PI સામે આગળની કાર્યવાહી કરવા માટેનો રિપોર્ટ પણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે.
આ ઘટનાથી મહિસાગર જિલ્લાના સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા અને ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી પોલીસ કર્મચારીઓમાં શિસ્ત જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.