પ્રેમી, પોલીસ અને કોર્ટ : ગુજરાતના નાના ગામની દુશ્મનીથી રંગેલી લવસ્ટોરી!

કહેવાય છે કે લગ્ન એ બે વ્યક્તિની સાથે સાથે બે પરિવારનું પણ મિલન છે

Updated By: Mar 9, 2018, 06:16 PM IST
પ્રેમી, પોલીસ અને કોર્ટ : ગુજરાતના નાના ગામની દુશ્મનીથી રંગેલી લવસ્ટોરી!

અમદાવાદ : કહેવાય છે કે લગ્ન એ બે વ્યક્તિની સાથે સાથે બે પરિવારનું પણ મિલન છે પરંતુ અરવલ્લીના બાયડના ગાબટ ગામે યુવક-યુવતીના લગ્નથી બે પરિવાર વચ્ચે દુશ્મનીની દિવાલ ચણાઈ ગઈ. ગાબટ ગામની યુવતી રિયા પટેલે ઓગસ્ટ 2015માં ગામના જ સુનિલ નામના બ્રાહ્મણ પરિવારની વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા. સુનિલ અને રિયાની જ્ઞાતિ અલગ હોવાથી યુવતીના પરિવારને આ લગ્ન મંજૂર નહોતા.

આ સંજોગોમાં યુવતીના પરિવારે યુવકના પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું અને બન્ને પરિવાર વચ્ચે અથડામણ પણ થઈ હતી. રાયોટિંગનો ગુનો નોંધાયા બાદ સ્થિતિ વણસતા યુવકના આખા પરિવારને યુવતી સાથે જૂલાઈ 2017માં ગામ છોડીને જવાની નોબત આવી હતી. આ મામલો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે પરિવારને ઘરે પુનઃ વસવાટ કરાવવા આદેશ કર્યો છે. 

વિગતવાર રિપોર્ટ જોવા માટે કરો ક્લિક

પ્રેમલગ્ન કરનાર યુવતીએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી ન્યાયની માગ કરી હતી. આ અંગે હાઈકોર્ટે પ્રેમી દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો અને ગામ છોડીને ગયેલા પરિવારને પોતાના ઘરે પુનઃ વસવાટ કરાવવા આદેશ કર્યો જેથી પ્રેમી યુગલ પોતાના પરિવાર સાથે પોલીસ સુરક્ષામાં પોતાના ઘરે પરત ફર્યો છે.

યુવક સુનિલના પરિવારે ઘર છોડી દીધા બાદ તેઓના ઘરની તમામ વસ્તુઓ તોડી નાખવામાં આવી હોવાની પરિવારે ફરિયાદ કરી છે. 8 મહિના બાદ જ્યારે તેઓએ ઘરવાપસી કરી ત્યારે તેમના ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને ટીવી તેમજ તિજોરી જેવી વસ્તુઓ તોડી નાખવામાં આવી હતી. ઘરની આ પરિસ્થિતિ જોઈને યુવકનો પરિવાર તૂટી ગયો હતો. જો કે 8 મહિના બાદ ઘરવાપસી થતા પરિવાર પોતાના આંસું નહોતો રોકી શક્યો અને થોડીવાર માટે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. હવે યુવતીએ પોતાના પિયરપક્ષને અપીલ કરી છે કે તેઓને હવે શાંતિથી આ ગામમાં રહેવા દે.