)
Navsari News: નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે. મંદિર પરિસરની જગ્યામાં ચગડોળ સહિતની વિવિધ રાઈડ્સ પણ લગાવવામાં આવી છે. ભગવાન સોમનાથના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન પણ લે છે, ત્યારે ગત મોડી રાત્રીએ 11:45 આસપાસ અંદાજે 50 ફૂટ ઉંચા ટાવર સમાન લોખંડના પીલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડમાં ખામી સર્જાય અને અચાનક તેનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં રાઈડમાં અંદાજે 10 થી વધુ લોકો મજા માણી રહ્યા હતા, તેઓ પણ ધડામ કરીને નીચે પટકાતા તમામને નાની મોટી ઇજા થઈ હતી. જેમાં બે મહિલા, બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કમરમાં વધુ માર વાગતા જશ રાજીવ ટંડેલ (14), દીર્ઘ હેમંત ટંડેલ (14), રોશની વિકાસ પટેલ (30), દિશા રાકેશ પટેલ (21) ને બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઇજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
બીલીમોરના શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઈડ તૂટી પડતા મેળા અને તેમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે. જેમાં પણ રાજ્ય સરકારની SOP પ્રમાણે નિયમોનું પાલન થયું છે કેમ..? જેવા સવાલો લોકમુખે ચર્ચા રહ્યા છે. ત્યારે નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમ નેવે મુકીને રાઇડર્સ ચાલતી હતી એ તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે. જ્યારે બીલીમોરા પોલીસે હાલ ચારેય ઘાયલોના નિવેદનો લઈ, અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તના નામ